બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારનો દિવસ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ કાર્યકરોમાં અને તેમના ભાવિકોમાં ઉત્સાહ વધતો જાય છે. રેસકોર્સ ખાતે આવેલા બાગેશ્વર ધામ સેવા સમિતિના કાર્યાલયની મુલાકાતે દરરોજ જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવો આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાગેશ્વરધામ સેવા સમિતિના કાર્યાલયની મુલાકાત કરી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ જ વિરોધ કરે છે અને કરશે. પરંતુ રાજકોટમાં યોજાનાર બાબાનાં દિવ્ય દરબારને અભૂતપૂર્વ સફળતા મળશે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આ અંગે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, બાબા બાગેશ્વરનાં કાર્યક્રમનો વિરોધ માત્ર કોંગ્રેસ જ કરી રહી છે. કોંગ્રેસ હંમેશા તૃષ્ટીકરણની રાજનીતિ કરી લઘુમતીઓના મત માટે હવાતિયાં મારે છે. એટલે કોંગ્રેસ વિરોધ શા માટે કરે છે તે લોકો જાણે જ છે. હિંદુ કાર્યક્રમ હિંદુ ધર્મની વાતનો કોંગ્રેસે હંમેશા વિરોધ કર્યો છે. રામ મંદિરનો પણ વિરોધ કરે તેની પાસે બીજી કોઈ અપેક્ષા રાખી શકાય નહીં.
વધુમાં તેમણે જણાવ્યું કે, બાગેશ્વર ધામ દ્વારા મહત્વનો કાર્યક્રમ થઈ રહ્યો છે. તેઓ બધા હનુમાન દાદાનાં ભક્તો છે. અને હિંદુ ધર્મ-સંસ્કૃતિનાં સંદર્ભમાં આ કાર્યક્રમ હોય ગઈકાલે હું તેઓનાં કાર્યાલયની મુલાકાતે ગયો હતો. આ તકે મેં તેઓને સંપૂર્ણ સહકારની ખાતરી આપી છે. અને રાજકોટમાં યોજાનાર બાગેશ્વર બાબાનાં દિવ્ય દરબારને અભૂતપૂર્વ સફળતા મળશે તે નિશ્ચિત છે. કોઈ ચમત્કાર વગેરેની વાતો કરે તો તે લોકોની શ્રદ્ધાનો વિષય છે. પરંતુ તેઓ સનાતન હિંદુ ધર્મની વાત કરતા હોવાથી અમારું તેમને સમર્થન છે.
ઉલ્લેખનીય છે કે, દિવ્ય દરબારના કાર્યક્રમને અનુલક્ષીને બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા રાજકોટમાં વિભિન્ન રાજમાર્ગો ઉપર આગામી 29મીએ વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 29 મી ને સોમવારે બપોરે 4:00 વાગ્યે આ શોભાયાત્રાનો શાસ્ત્રી મેદાનથી પ્રારંભ થશે. ત્યારબાદ કોર્પોરેશન ચોક, નાગરિક બેન્ક ચોક, મવડી ઓવરબ્રિજ, આનંદ બંગલા ચોક, વિશ્વેશ્વર મહાદેવ, મવડી ચોકડી, બાલાજી હોલ, નાના મવા સર્કલ, બિગ બજાર ચોક, ઇન્દિરા સર્કલ, કોટેચા ચોક,સ્વામિનારાયણ મંદિર, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન, ચોક યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક કિસાનપરા અને એરપોર્ટ રોડ સર્કલ થઈ કાર્યાલય ખાતે પરત ફરશે.