PMની જેસલમેરમાં દિવાળી : જેસલમેરમાં ટેન્ક પર સવાર થયા વડાપ્રધાન મોદી, ચીનની વિસ્તારવાદી વિચારધારા પર કડક પ્રહાર.

0
25

વડાપ્રધાન મોદી આ વખતે જેસલમેરમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(CDS)બિપિન રાવત અને સેનાપ્રમુખ જનરલ એમએમ નરવણે પણ હાજર છે. 40 મિનિટના ભાષણમાં તેમણે કહ્યું હતું કે સરહદની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં કરવામાં આવે. ચીન અને પાકિસ્તાનને ચેતવણી આપી કે કોઈ કાવતરું કરવાનો પ્રયાસ કર્યો તો પ્રચંડ જવાબ મળશે.

જેસલમેર બોર્ડર પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરતા વડાપ્રધાન મોદીએ વિસ્તાવરવાદી શક્તિઓની ઝાટકણી કાઢી છે. વડાપ્રધાને કહ્યું કે, વિસ્તારવાદ 18મી સદીના વિચાર છે.આ વિચારમાં માનસિક વિકૃતિ છે અને આનાથી આખી દુનિયા હેરાન થઈ રહી છે.

2014માં વડાપ્રધાન બન્યા પછી મોદી ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં સૈનિકો સાથે ઉજવણી કરી ચૂક્યા છે. અહીં જવાનોને સંબોધતાં વડાપ્રધાને કહ્યું હતું કે તમે બરફની ચાદરથી ઢંકાયેલા પર્વતો અથવા રણમાં ખડપગે રહો છો, મારી દિવાળી ત્યારે જ પૂર્ણ થશે જ્યારે હું આપ સૌની વચ્ચે આવું. તમારા ચહેરા પર ખુશી જોઈને જ મારો આનંદ બમણો થઈ જાય છે.

મોદીના ભાષણની મહત્ત્વની વાતો

તમે છો તો દેશના લોકો માટે ખુશી છે

હું તમારા માટે દરેક ભારતવાસીની શુભકામનાઓ અને પ્રેમ લઈને આવ્યો છું. દરેક વરિષ્ઠજનના આશીર્વાદ લઈને આવ્યો છું. તમે સૌ અભિનંદનના હકદાર છો. 2014માં પીએમ બન્યા પછી પહેલી વખત સિયાચીન ગયો હતો. દિવાળીની ઉજવણી કરવા માટે તો ઘણા લોકોને આર્શ્ચય થયું હતું, પણ તમે જાણો છો. જો દિવાળી પર પોતાના લોકો વચ્ચે નહીં જાઉ તો ક્યાં જઈશ. એટલા માટે આજે પણ પોતાના લોકો વચ્ચે જ આવ્યો છું. તમે બરફના પહાડોમાં રહો કે રેગિસ્તાનમાં. તમારા ચહેરા પરની ખુશી જોઈને મારી દિવાળી શુભ થઈ જાય છે.

લોંગેવાલા પોસ્ટનું નામ સૌને યાદ છે

કોઈ એક પોસ્ટનું નામ જો દેશ અને પેઢીઓને યાદ હશે તો તે છે લોંગેવાલા પોસ્ટ. અહીં ઉનાળામાં પારો 50 ડિગ્રી તો શિયાળામાં શૂન્ય પર પહોંચી જાય છે. શિયાળામાં તમે એકબીજાનો ચહેરો પણ જોઈ શકતા નથી. લોંગેવાલાનું નામ લેતાંની સાથે જ મનના ઊંડાણમાંથી અવાજ આવે છે- જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ.લોંગેવાલાની આ પોસ્ટથી દેશની નજરો તમારા પર છે.

મેજર કુલદીપ રાષ્ટ્રદીપ બની ગયા

ક્યારેક ક્યારેક મને લાગે છે કે કુલદીપનાં માતા-પિતાએ તેમનું નામ કુળનો દીપક સમજીને રાખ્યું હશે, પણ તેઓ તેમના પરાક્રમથી રાષ્ટ્રદીપ બની ગયા. લોંગેવાલાનું યુદ્ધ આપણા શૌર્યનું પ્રતીક તો છે જ. આ એરફોર્સ, આર્મી અને નેવીના શ્રેષ્ઠ સમન્વયનું પણ પ્રતીક છે, જેને દુનિયાની સામે ઉદાહરણ રજૂ કર્યું. લોંગેવાલાની લડાઈનાં 50 વર્ષ થવા જઈ રહ્યાં છે. આ ઈતિહાસની અમે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. આવનારી પેઢીઓને આનાથી પ્રેરણા મળશે.

ભારતે દુનિયાને શક્તિ દેખાડી

દુનિયાનો ઈતિહાસ જણાવે છે કે તે દેશ જ જીવિત રહે અને બચે, જેમની અંદર આક્રમકતા સામે મુકાબલો કરવાની શક્તિ હોય. દુનિયાનાં સમીકરણ ગમે તેટલાં બદલાઈ ગયાં હોય, સક્ષમતા જ સુરક્ષાનો પુરસ્કાર છે. ભારત પાસે તમારાં જેવાં વીર દીકરા અને દીકરીઓ છે. જ્યારે પણ જરૂર પડી ત્યારે ભારતે દુનિયાને દેખાડ્યું છે કે તેમની પાસે શક્તિ પણ છે અને રાજકીય ઈચ્છાશક્તિ પણ છે.

આતંકીઓને ઘૂસીને મારીએ છીએ

આજે ભારત આતંકીઓ અને આતંકી આકાઓને ઘરમાં ઘૂસીને મારે છે. દુનિયાએ સમજી રહી છે કે આ દેશ તેનાં હિતો સાથે થોડીક પણ સમજૂતી કરવા માટે તૈયાર નથી. આ તમારી શક્તિ અને પરાક્રમના કારણે જ શક્ય બન્યું છે. આજે દુનિયાના મંચ પર પ્રખરતાથી આપણે આ વાત રજૂ કરીએ છીએ. વિશ્વ આજે વિસ્તારવાદી શક્તિઓથી હેરાન છે. ભારત આ 18મી સદીની નફરત સામે સંઘર્ષ કરી રહ્યો છે. આપણે સૈન્ય આધુનિકીકરણ કરી રહ્યા છીએ. આપણે ભારતમાં હથિયારો બનાવીશું, જેમાં ઘણા દમ અને સાહસની જરૂર હોય છે. હું આપણી સેનાઓને આ નિર્ણય માટે શુભેચ્છા આપી રહ્યો છું. દેશમાં મેસેજ ગયો કે લોકલ માટે વોકલ થવાનું છે.

પ્રચંડ જવાબ આપીશું

અમારું લક્ષ્ય છે- સરહદ પર શાંતિ. રણનીતિ સ્પષ્ટ છે. આજનું ભારત સમજવા અને સમજાવવાની રણનીતિ પર વિશ્વાસ કરે છે, પણ જો અમારી પર કોઈ કાવતરું કરવાનો પ્રયાસ કર્યો તો જવાબ પણ એટલો પ્રચંડ મળશે. દેશની અખંડતા દેશવાસીઓની એકતા પર નિર્ભર કરે છે. સેનાનો ઉત્સાહ અને આત્મબળ ઊંચાં રહે એ જ અમારી પ્રાથમિકતા છે. અમે સૈનિકોનાં પરિવાર અને બાળકોના શિક્ષણ પર મહત્ત્વના નિર્ણય લીધા. બીજા કાર્યકાળમાં પહેલો નિર્ણય મેં જ લીધો હતો. રાષ્ટ્રીય શૌર્ય સ્મારક દેશને પ્રેરણા આપે છે.

જવાનોને મોદીની 3 અપીલ

  • કંઈ ને કંઈ નવું ઈનોવેટ કરો. એને જીવનનો ભાગ બનાવો. જવાનોની ક્રિયેટિવિટી દેશ માટે કંઈ નવું લાવી શકે છે. આ તમારા લોકો માટે જરૂરી છે.
  • યોગને તમારા જીવનનો ભાગ બનાવીને રાખો.
  • આપણે તમામ માતૃભાષા બોલીએ છીએ, કોઈ હિન્દી તો કોઈ અંગ્રેજી બોલે છે. તમારા સાથીમિત્ર પાસેથી ભારતની કોઈ એક ભાષા જરૂર શીખજો. આ તમારી શક્તિ બની જશે.

જવાનોને મોદીનો મેસેજ

આપણે આપણા એ વીર સૈનિકોને પણ યાદ રાખવાના છે, જેઓ આ તહેવારો પર સીમા પર ખડેપગે છે, ભારત માતાની સેવા અને સુરક્ષા કરી રહ્યા છે. આપણે તેમને યાદ કરીને જ આપણા તહેવારોની ઉજવણી કરીએ છીએ. આપણે ઘરમાં એક દીપ ભારતમાતાના એ વીર સપૂતો માટે પ્રગટાવાનો છે. હું મારા વીર જવાનોને પણ કહેવા માગીશ કે ભલે તમે સરહદ પર છો, પણ આખોય દેશ તમારી સાથે છે, તમારું સન્માન કરી રહ્યો છે. હું એ પરિવારોને પણ નમન કરું છું, જેમનાં દીકરા-દીકરીઓ આજે સરહદ પર છે. દરેક એ વ્યક્તિ જે દેશ સાથે જોડાયેલી હોઈ, કોઈ ને કોઈ જવાબદારીને કારણે પોતાના ઘરે નથી, પોતાના પરિવારથી દૂર છે, હું દિલથી તેમનો આભાર માનું છું.

6 વર્ષમાં ક્યાં ઊજવી દિવાળી

  • 2019- મોદી જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં નિયંત્રણ રેખા પર તહેનાત જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા માટે રાજૌરી ગયા હતા. તેમણે કહ્યું હતું, યુદ્ધ હોય કે ઘૂસણકોરી હોય, આ વિસ્તારને સૌથી વધુ પડકારનો સામનો કરવો પડ્યો છે, પણ આ ક્ષેત્ર એવું જેણે ક્યારેય હાર નથી માની.
  • 2018- વડાપ્રધાન દિવાળીના અવસરે ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિરનાં દર્શન માટે ગયા હતા. અહીં તેમણે ચીન બોર્ડર પાસે હરસિલ ગામના કેન્ટ વિસ્તારમાં ભારતીય સશસ્ત્ર દળ અને ITBPના જવાનોની મુલાકાત કરી હતી. અહીં તેમણે કહ્યું હતું, બરફવાળા વિસ્તારમાં તમારી ફરજ પ્રત્યેનું સમર્પણ દેશને મજબૂતાઈ પ્રદાન કરે છે. તમારા જ કારણે દેશના સવા સો કરોડ લોકોનાં સપનાં સુરક્ષિત છે.
  • 2017- આ વર્ષે મોદીએ દિવાળીની ઉજવણી જમ્મુ-કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં સૈનિકો સાથે કરી હતી.
  • 2016- મોદીએ હિમાચલ પ્રદેશ પાસે આવેલા ચીન બોર્ડર પાસે ઈન્ડો- તિબેટ બોર્ડર પોલીસના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
  • 2015- વડાપ્રધાને અમૃતસર બોર્ડર પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
  • 2014- મોદીએ સિયાચીનમાં જવાનો વચ્ચે દિવાળીની ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here