ભાભર ખાતે ઠાકોર સમાજના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર નવ દંપતીને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે DJને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લગ્નપ્રસંગમાં DJ પર પ્રતિબંધની માંગ કરતા જણાવ્યું હતું કે, રાતે તમે ડીજે વગાડો એ નાચવાવાળા સંસ્કૃતિ વિરુદ્ધના ગીતો ગાય, કલાકારો રાતના 2 વાગ્યા સુધી નાચે, કલાકારોના કાર્યક્રમોમાં આમંત્રણ આપેલા લોકો આવે અને આમંત્રણ ન આપેલા લોકો પણ આવે છે. સૌથી ખરાબ ઘટનાઓ અને નાસી જવાની ઘટનાઓ બનતી હોય તો ક્યાંકને ક્યાંક DJ જ જવાબદાર છે.
તેમણે જણાવ્યું હતું કે, જે સમાજ દીકરીઓની આબુરું-સુરક્ષા ઇચ્છતા હોય એ મહેરબાની કરીને પ્રસંગોમાં DJ ન લાવે. સાથે જ નવયુગલ પતિ-પત્ની કમાતા ન થાય ત્યાં સુધી પોતાના ઘરે પારણું ન બાંધે તેવી અપીલ ગેનીબેન ઠાકોરે કરી હતી. આ પહેલા બનાસકાંઠા જિલ્લાના ભાભરના ઈન્દરવા ગામમાં એક કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે DJને લઈને મોટું નિવેદન આપ્યું હતું. વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સમાજના દિકરા-દીકરીઓને ટકોર કરતાં કહ્યું હતું કે, લગ્નમાં DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે. DJ વગર લગ્ન ન કરતા દિકરા-દિકરીઓને માતા-પિતા દ્વારા સમજાવવામાં આવે. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, DJના કારણે લગ્ન પ્રસંગમાં મતભેદ ઊભા થાય છે.
જેને લઈ હવે DJ વગર લગ્નના ફેરા ફરવાની ના પાડનારાઓને સમજાવવાના હોય. સમાજના દીકરા-દીકરીઓ DJ વિના લગ્ન નથી કરતા તો હવે સમાજે પણ લગ્નમા DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઇએ. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પ્રેમલગ્નના કાયદાની માંગ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ‘જ્યારે આંતર સમાજમાં લગ્ન થતા હોય ત્યારે સમાજના પંચોની હાજરી પણ ફરજિયાત કરવી જોઇએ. જો પંચ અનુમતિ આપે તો જ આવા આંતરજ્ઞાતિય લગ્નોને બહાલી આપવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, 2 વર્ષ પહેલા જ લવ મેરેજના કાયદામાં સુધારો કરવા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે તાત્કાલિન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખ્યો હતો.