મોનસૂનમાં હનીમૂન: પ્લાનિંગ કરતાં પહેલાં આ બાબતોને ધ્યાનમાં લેવાનું ચૂકતા નહી

0
0

ખરેખર, કેટલીક મજાની રાત હતી તે. તમે, તે રાતનો સન્નાટો અને ગરજતાં ઘેરાયેલાં વાદળોની વચ્ચે ઝરમર વરસાદની ફરફર. જી હા, તમારા હનીમૂનની રાત આવી જ તો હતી, જેને તમે ક્યારેય ભૂલી નહીં શકો.૫૦-૫૫ વર્ષના અનીતા મોનસૂનમાં માણેલાં પોતાના હનીમૂનના દિવસોને યાદ કરીને હસી પડે છે. ચહેરો લજામણીનાં છોડની જેમ શરમાઈ જાય છે. ઘણું યાદ કરીને ધીમેથી કહે છે, ‘કદાચ તે દિવસો ફરી પાછાં આવે તો… હું અને રૂપેન (પતિ) મોનસૂનમાં મનાવેલાં અમારા હનીમૂનના દિવસોને ક્યારેય ભૂલી નથી શકતા. બસ, પલળતાં ત્યારે કલાકો સુધી પલળતાં રહેતા. તેમનો પ્રેમાળ સ્પર્શ જાણે…’ એટલું કહેતાં તેમનો ચહેરો શરમથી ગુલાબી થઈ જાય છે. ચહેરાને બંને હાથે ઢાંકીને કહે છે. ‘હવે રહેવા દો.’

બાળપણ હોય કે યુવાની કે પછી કોઈ પણ ઉંમર, વરસાદી મોસમની વાત જ અજોડ હોય છે. તેથી તો આ મોસમને કોઈકે નિષ્ઠુર કહી છે તો કોઈએ નિર્લજ્જ, કોઈએ પોતાના બાળપણની યાદોને તેમાં ફરી લઈ આવવાની વાત કરી તો કોઈની સોનેરી યાદોમાં વરસાદની રિમઝિમ વસેલી છે અને વાત જ્યારે વર્ષાઋતુમાં હનીમૂન માણવાની હોય ત્યારે તો મન આનંદિત થઈ જાય છે. રોમેરોમમાં આનંદ છવાઈ જાય છે.

આમ તો હનીમૂન કોઈ પણ મોસમમાં માણી શકાય છે પણ વરસાદની મોસમ નવપરિણીત કપલ્સને ખૂબ ગમે છે, કારણ કે આ એક એવી મોસમ હોય છે જ્યારે ગરમીનો દઝાડતો તડકો, પરસેવો, ચીકાશને બદલે જ્યારે વરસાદનાં ટીપાં શરીર પર પડીને મનને પ્રફુલ્લિત કરે છે ત્યારે શરીર તાજગીવાળું અને મન પ્રસન્નતાથી ખુશ થઈ જાય છે.

હનીમૂન પર જતાં દંપતીઓને તો જાણે પાંખો આવી જાય છે અને મન બહેકી જાય છે. એકબીજાના હાથમાં હાથ નાખીને તેઓ દૂર સુધી નીકળી જતાં હોય છે અને ગણગણવા લાગે છે,’ આજ મોસમ બડા બેઈમાન હૈ…’

હનીમૂન સમયે જ્યારે સાથી એકબીજાની પહેલી વખત નજીક ગયેલ હોય છે ત્યારે મન તો સાતમા આસમાન પર હોય છે અને હૃદય સાથીની નજીક… વધુ નજીક જવા માટે અધીરું બને છે અને પછી અહીં તો તેમને બધી જ છૂટ હોય છે, એકબીજામાં ખોવાઈ જવાની અને કલ્પનાલોકમાં વિચરણ કરવાની પણ.

જો વર્ષાઋતુમાં હનીમૂન માણવાનો વિચાર હોય તો કેટલીક જરૂરી વાતોનું ખાસ ધ્યાન રાખો. જેમ કે :

એ નક્કી કરો કે તમારે ક્યાં અને ક્યારે જવું છે. રેલવે, વિમાન દ્વારા જ્યાં જવાનું છે તે સ્થળ સુધી પહોંચવા માટે એડવાન્સ ટિકિટ બુક કરાવી લો. કઈ હોટલમાં રહેવું છે, ત્યાંની જાણકારી લઈ લેવી અને બુકિંગ કરાવી લો. ઘરેથી નીકળતી વખતે બીજી જરૂરી વસ્તુઓ ઉપરાંત જેટલાં જરૂરી હોય તેટલાં કપડાં રાખો. હા, રેઈનકોટ, છત્રી અને એક ટોર્ચ જરૂર સાથે રાખવી. મોબાઈલમાં બેલેન્સ રાખવું અને કેટલા પૈસા ખર્ચ થશે તે અનુસાર એટલા જ રાખો. ટ્રાવેલ ચેક, એટીએમ કાર્ડ રાખો જેથી જરૂર પડે ત્યારે પૈસા કાઢી શકો. કેશ વધારે ના રાખો તો સારું.

રૂમ જો બહારની બાજુ એટલે કે ખુલ્લામાં હોય તો વધારે સારું. રૂમની સાથે બાલ્કની પણ હોય તો વધારે સારું જેથી ત્યાં ઊભા રહીને વરસાદને જોવાનો આનંદ લઈ શકાય. એકાંતની પળોમાં કોઈ (હોટલનો કર્મચારી, નોકર) તમને શિષ્ટાચારવશ જ ડિસ્ટર્બ ના કરે તે માટે રિસેપ્શન પર કહી દેવું અથવા ડોર પર ‘ડોન્ટ ડિસ્ટર્બ મી, પ્લીઝ’નું બોર્ડ લટકાવી દેવું.

પ્રવાસ મુસાફરી વખતે, હરવાફરવા અને એકાંતની પળો માટે પહેરવેશ પર ખાસ ધ્યાન રાખો. પ્રવાસના સમયે હળવાશ અનુભવાય તેવાં કપડાં પહેરો. જ્યારે હરવાફરવા માટે ગ્લેમરસ અને સ્માર્ટફિટ કપડાં પહેરી શકો છો.

એકાંતની ક્ષણો માટે સ્લીવલેસ અને સ્ટાઈલિસ્ટ નાઈટ ગાઉન પહેરો, જે તમારા સાથીને પણ પસંદ આવશે અને હા, હનીમૂનને આખી જિંદગી યાદ રાખવા માટે તમારા પતિને પસંદ પડે તેવું પહેરો. આ કેટલીક મહત્ત્વની વાતો હતી, જેને અમલમાં મૂકીને તમારા પ્રવાસને સુખદ બનાવી શકાય છે.

ચાલો, હવે થોડી રોમેન્ટિક વાતો થઈ જાય. હનીમૂન માટે તમે જરૂર અગાઉથી સમજીવિચારીને તૈયારી કરી રાખી હશે પણ કેટલીક એવી ટિપ્સ જે તમારા હનીમૂનને યાદગાર બનાવી દેશે:

વરસાદની મોસમ હોય તો દૂર દૂર સુધી જવાનું મન થાય છે. વરસતા વરસાદના પાણીની વચ્ચે સાથીનો હાથ પકડી ફરવાનો પોતાનો એક જુદો જ અંદાજ હોય છે. જો તમારો પણ એવો કંઈક વિચાર હોય તો કોઈ સારી કંપનીનો રેઈનકોટ પહેરી, એકબીજાનો હાથ પકડી ફરવા નીકળી પડો. આથી શરીર પાણીમાં તરબોળ નહીં થાય અને છતાં પ્રાકૃતિક રમણીય દ્રશ્ય તમારી સામે જ દેખાશે.

વરસાદનાં પડતાં ટીપાં એક અજબનો અહેસાસ કરાવશે. તોફાનમસ્તીનો મૂડ બનતો હોય તો બીજાની નજર ચુકાવીને એકબીજાને ચુંબન કરી લો. તેનાથી સામીપ્ય વધશે અને તેનો નશો લાંબા સમય સુધી રહેશે.

વરસાદની મોસમ અને છત્રીની નીચે હું અને તમે, કેવી મજા આવે ને. વરસાદની સાધારણ વાછટની વચ્ચે નદી, સરોવરના કિનારે મોટી પહોળી શિલા પર બેસી જાઓ. પ્રકૃતિના અદ્ભુત રમણીય સુંદર દ્રશ્યનો આનંદ લો અને પતિના કાનમાં ધીમેથી કહો, ‘આઈ લવ યૂ.’

એકબીજાની ઈચ્છા હોય તો સાથે સાથે અંતાક્ષરી રમી શકો છો. તેમાં એવાં ગીતો સામેલ કરો, જે ગાવાથી મસ્તી આનંદમાં વધારે તાન ચઢે. વરસાદી મોસમ જ્યારે તેના પૂરા યૌવનમાં હોય, આકાશમાં વીજળી ચમકતી હોય, વાદળોનો ગરજવાનો અવાજ આવતો હોય, એવામાં પ્યાર અને રોમાન્સની મહેક કંઈક વધારે જ વધવા લાગતી હોય છે. એવી ક્ષણોનો પૂરેપૂરો આનંદ લેવા માટે હોટલના રૂમની બાલ્કનીમાં ઊભા રહીને કુદરતનાં રમણીય દ્રશ્યનો આનંદ માણો અને વાદળોના અવાજની વચ્ચે એકબીજાને આલિંગનમાં જકડી રાખો.

બાલ્કનીમાં હવાની મીઠી લહેરની સાથે આવતો વરસાદ મનને તાજગી અને શાંતિ તો આપે જ છે, સાથે એકબીજાનું સામીપ્ય તનમનને પ્યારના રંગમાં ભીંજવી દેશે.

વાત નાની પરંતુ મહત્ત્વની

* વરસાદમાં તનમનથી પલાળવાનો આનંદ તો લીધો પણ હોટલ પર જતાં જ સ્વચ્છ, ચોખ્ખા પાણીથી ફરી સ્નાન કરવાનું ના ભૂલતા. સ્વાસ્થ્ય માટે તે જરૂરી છે.

* વરસાદનો આનંદ તો લો, પરંતુ શરીરને વધારે સમય સુધી પલળવા ના દેવું. મસ્તક પર પાણી વધારે ના પડે તેવો પ્રયત્ન કરવો.

* ફર્સ્ટ એડ બોક્સ સાથે જરૂર રાખો જેથી જરૂર પડે ત્યારે દવા માટે ગમે ત્યાં બીજે ફરવું ના પડે.

* ફરતી વખતે એકદમ એકાંત સ્થળ પર જવાનું ટાળો. તમારો પ્રોગ્રામ શો છે તે હોટલના કર્મચારીને કહીને જાઓ.

* કિંમતી સામાન અને ઘરેણાં વગેરે ના લઈ જાઓ તો સારું.

* ક્યારેય તમારી ખુમારીમાં એટલું ના બહેકો કે આજુબાજુના સ્થળનું ધ્યાન જ ના રહે. મોટાભાગે લોકો તમારા વર્તનની નોંધ રાખતા હોય છે તેનું ધ્યાન રાખો અને તક મળતાં જ લોકો ઠગ અને લૂંટનો શિકાર બનાવવાનું નથી ચૂકતા.

* નજીકના સંબંધીઓ, ઘરપરિવારના લોકો સાથે હંમેશાં ફોનથી સંપર્કમાં રહો.

* સાવધાની રાખી અકસ્માતથી દૂર રહો, આ વાતનું હંમેશાં ધ્યાન રાખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here