ગર્ભાવસ્થા દરમિયાન કરો આ પ્રકારના આસન શરીર રહેશે સ્ફૂર્તિલું

0
0

ગર્ભાવસ્થા દરમિયાન આખો વખત એદીની જેમ પડયા રહીએ એ ન ચાલે. વિદેશમાં તો ગર્ભાવસ્થા દરમિયાન કયા પ્રકારના વ્યાયામ કરી શરીરને સ્ફૂર્તિલું રાખી શકાય એની સલાહ આપતાં નિષ્ણાંતોની ફોજ ઊભી થઈ છે. પરંતુ આપણે ત્યાં ગર્ભાવસ્થાના વ્યાયામનો ખ્યાલ જ હજુ નવો છે. પરંતુ વાચકો માટે સાવ નવી લાગે એવી માહિતી હેલ્થ ક્લબ નહીં પીરસે તો બીજું કોઈ પીરસશે?ટૂંક સમયમાં માતાનો દરજ્જો પ્રાપ્ત કરનાર ભાગ્યશાળી મહિલાઓ માટે અહીં સહેલાને સટ વિદેશી વ્યાયામો સચિત્ર રજૂ કર્યા છે. છતાંય એક વાત કરી દઉં કે આ કસરત કરતા પહેલા તમારા ફેમિલી દાક્તરની સલાહ જરૂર લો. આ પ્રકારના વ્યાયામનો મુખ્ય ઉદ્દેશ બેઠાળું જીવન જીવતી ગર્ભવતી સ્ત્રીના અંગો અકડાઈ ન જાય એ જોવાનો છે.

સાથે સાથે શરીરમાં અનોખી તાજગી વર્તાય એ હેતુ પણ ખરો શરૂઆત કરીએ બેઠાં બેઠાં કરાતા વ્યાયામથી.

– સૌથી પ્રથમ પલાંઠી મારીને જમીન પર બેસી જાવ, બંને હથેળી ઘૂંટણો પર ગોઠવો. કરોડ સીધી જ રહેવી જોઈએ. એ વાત ભૂલાય નહીં. હવે એક ઊંડો શ્વાસ લો અને હળવેકથી જમણો હાથ ઉપર કરો. બાવડું કાનને અડવું જોઈએ. પછી તુરત જ ઉપર કરેલો હાથ કોણીએથી વાળી દઈને ડાબો કાન પકડવાની કોશિશ કરવી. ત્યારબાદ ફરી હાથ ઉપર કરવો અને છેલ્લે શરૂઆતની ખુરામાં આવી જવું.

– નાના બાળકનો ઘોડો બન્યા હોઈએ એવી મુદ્રા ધારણ કરવી ત્યારબાદ હથેળી અને ઘૂંટણ જમીનને ટેકવેલાં જ રાખીને ઊંડો શ્વાલ લેતા લેતા પીઠનો ભાગ બને તેટલો ઉપર લઈ જવા કોશિશ કરો. આ સમયે પેટને અંદર તરફ સંકોચી લેવું એક સેકન્ડ આ જ સ્થિતિમાં રહીને ઉચ્છવાસ કાઢતાં પૂર્વવત થવું.

અગાઉની મુદ્રાસ્થિતિમાં રહ્યાં બાદ બંને પગના ગુઠણ એક સાથે જોડી દો અને હાથની કોણીઓ વાળીને શરીર થોડું ઝૂકાવી દો. ત્યારબાદ કોણીઓ જમીનને અડકાડો અને નિતંબ પગની એડીને માથું પણ નીચે ઝૂકાવી દો. આ મુદ્રા નમાઝ પઢતા હોઈએ તેવી છે. એકાદ મિનિટ આ જ સ્થિતિમાં રહ્યાં બાદ જ પૂર્વવત થવું.આ વ્યાયામ કરતાં પહેલાં જમીન પર પગ લાંબા કરીને બેસી જાવ. બંને હાથ બાજુમાં ટેકવો અને પગ ઘૂંટણેથી થોડા વાળી દો. પગના તળિયા જમીનને અડકાવવાનું ભૂલતા નહીં. હવે એક ઊંડો શ્વાસ લઈને પગની એડી જ ફક્ત જમીન પર રહે એ રીતે તળિયું ઉપરની દિશા તરફ કરો. ત્રણ સેકન્ડ સુધી પગને એકદમ અક્કડ રાખો અને ત્યારબાદ જ પૂર્વવત સ્થિતિમાં પાછા ફરો.

-આ ક્રિયા પતે એટલે ઘૂંટણ સીધા કરી પગ લાંબા કરો. પગના અંગૂઠા સામેની દિશા તરફ રહે એ રીતે પગ વાળી દો. હવે એ જ સ્થિતિમાં રહીને જમણા પગને ઘૂંટણેથી વાળ્યા વગર હળવે હળવે ઊંચો કરો. પગ લગભગ અડધા ફૂટ જેટલો અધ્ધર થાય એટલે પગનો અંગૂઠો ઉપરની દિશા તરફ કરો. એક સેકન્ડ બાદ ફરી અંગૂઠાને સામેની દિશા તરફ ફેરવી પગને નીચે લાવો. આ ક્રિયા ડાબા પગ વડે પણ કરવી.

– આ કસરત કરવા માટે ઓશિકાની જરૂર પડશે. ઓશિકા પર માથું રાખી, બંને હથેળી બાજુમાં ટેકવી સૂઈ જાવ. પગને ઘૂંટણેથી વાળેલા રાખો. શરીરને એકદમ હલકું છોડી દો. ત્રણ વખત ઊંડા શ્વાલ લો અને આગળના વ્યાયામ માટે તૈયાર થઈ જાવ. હવે ડાબા પડખે ફરી જાય અને ડાબો હાથ કોણીએથી વાળીને ઓશિકા પર ગોઠવો અને એ જ હાલની હથેળી પર માથું ટેકવું. આ સમયે નિતંબના સ્નાયુઓ પર તાણ આપી અને જમણા હાથ વડે જમીન પર દબાણ આપવાનું શરૂ કરો. પાંચ સુધી ગણતરી કર્યા બાદ બીજી તરફ પડખું ફેરવી આ ક્રિયા ફરી કરવી. ત્યાર પછીના વ્યાયામ માટે ફરી ડાબા પડખે રહો, અને હળવેકથી જમણો પગ શક્ય હોય તેટલો ઉપર ઉઠાવવા કોશિશ કરો. એક સેકન્ડ સુધી પગ હવામાં અધ્ધર રાખી હળવેકથી નીચે લાવો અને પછી જમણા પડખે ફરી આ ક્રિયા ફરી કરો.આ ચાર વ્યાયામ પછી થાક તો જરાય નહીં લાગે છતાં પણ શરીરને આરામ આપવા માટે ડાબો ગાલ ઓશિકા પર ટેકવી સૂઈ જાવ. જમણો પગ જમીનથી અધ્ધર રહેવો જોઈએ માટે તેના નીચે પણ એક ઓશિકુ મૂકો. આ મુદ્રામાં વીસ મિનિટ આરામ કર્યા બાદ જ ઊઠવું.અહીં એ જણાવવું જરૂરી છે કે ઉપર વર્ણવેલા વ્યાયામ દસથી વીસ વખત કરી શકાય. પણ પ્રસૂતિની તારીખ જેમ જેમ નજીક આવતી જાય તેમ તેમ આ સંખ્યામાં કાપ મૂકતા જવું. યાદ રહે દાક્તરની સલાહને આખરી ગણવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here