IPL 2020 : આજે ડબલ હેડર : અબુધાબીમાં 3.30 વાગે હૈદરાબાદ VS કોલકાતા : દુબઇમાં 7.30 વાગે મુંબઇ ઇન્ડિયન્સ VS કિંગ્સ ઇલેવન પંજાબ

0
0

આઇપીએલમાં રવિવારે રમાનારા ડબલ હેડરનો પ્રથમ મુકાબલો બપોરે ૩:૩૦ કલાકે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે અને બંને ટીમોને પ્લે ઓફમાં સ્થાન મેળવવા માટેની આશા જીવંત રાખવા માટે કોઈ પણ ભોગે વિજય હાંસલ કરવો જરૂરી છે. કોલકાતાની ટીમને પોતાની છેલ્લી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે આઠ વિકેટે પરાજયનો સામનો કરવો પડયો હતો. હૈદરાબાદને પોતાની છેલ્લી મેચમાં ચેન્નઇ સામે પરાજય મળ્યો હતો.

આ સ્થિતિમાં બંને ટીમો શાનદાર પ્રદર્શન કરીને પોતાના અભિયાનને ફરીથી પાટા ઉપર ચઢાવવાનો પ્રયાસ કરશે. બંને ટીમ વચ્ચેનો અગાઉનો મુકાબલો કોલકાતાએ હૈદરાબાદને ૭ વિકેટે હરાવીને જીત્યો હતો.  કોલકાતાના નવા સુકાની ઇયોન મોર્ગન સામે ઘણાં પડકાર છે અને તેણે ક્રિકેટની ઘણી મહત્ત્વપૂર્ણ બાબતોને સુધારવાની તાતી જરૂર છે. કોલકાતા માટે ટોચનો ક્રમ સતત મોટી સમસ્યા સમાન બન્યો છે. ઓપનર્સ સારી શરૂઆત કરવામાં ફ્લોપ રહ્યા છે તો બીજી તરફ કેરેબિયન ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ બેટ દ્વારા એક પણ સ્ફોટક ઇનિંગ રમી શક્યો નથી.

 

હૈદરાબાદ સામે પણ અનેક મુશ્કેલીઓ છે અને રનચેઝ કરવામાં તેને એક નિષ્ણાત બેટ્સમેનની ખોટ પડી રહી છે. હૈદરાબાદને પ્લે ઓફમાં સ્થાન મેળવવું હોય તો સુકાની વોર્નર, મનીષ પાંડે તથા જોની બેરિસ્ટો જવાબદારી અદા કરવી પડશે. ભુવનેશ્વર કુમારના ઈજાગ્રસ્ત થયા બાદ હૈદરાબાદ પાસે ખલીલ એહમદ સિવાય કોઈ વિકલ્પ હોય તેમ લાગતું નથી. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં ૧૮ મેચ રમાઈ છે જેમાં કોલકાતાએ ૧૧ તથા હૈદરાબાદે સાત મેચ જીતી છે.

વધુ એક પરાજય પંજાબને પ્લે ઓફમાંથી બહાર કરશે, આજે મુંબઇ સામે મુકાબલો

ચાર વખતની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ સતત પાંચ મેચમાં વિજય હાંસલ કરીને અત્યંત શક્તિશાળી નજરે પડી રહી છે પરંતુ આઇપીએલમાં રવિવારે રમાનારા ડબલ હેડરની બીજી મેચમાં તેણે કિંગ્સ ઇલેવન પંજાબ સામે વધારે પડતા આત્મવિશ્વાસુ બનવાથી સાવચેત રહેવું પડશે. કેરેબિયન ઓલરાઉન્ડર ક્રિસ ગેઇલે પંજાબની ટીમમાં પુનરાગમન કર્યું છે અને તે બંને ટીમો વચ્ચેનો ફરક દર્શાવી શકે છે.

આ મુકાબલો સાંજે ૭:૩૦ કલાકથી શરૂ થશે. મુંબઇની ટીમ વધુ એક વિજય સાથે પ્લે ઓફની નજીક પહોંચી જશે અને બીજી તરફ પંજાબ વધુ એક પરાજયની સાથે પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ જશે. મુંબઇ પોતાના બેટ્સમેનો તથા પેસ એટેકના કારણે હરીફ ટીમોના પડકારને આસાનીથી પાર પાડી શકે છે. છેલ્લી મેચમાં તેણે કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમને આઠ વિકેટે કારમો પરાજય આપ્યો હતો. પંજાબ ટૂર્નામેન્ટમાં સર્વાધિક રન નોંધાવનાર બે બેટ્સમેન સુકાની લોકેશ રાહુલ (૩૮૭ રન) તથા મયંક અગ્રવાલના (૩૩૭ રન) સાતત્યપૂર્ણ ફોર્મ હોવા છતાં પોઇન્ટ ટેબલમાં તળિયાના સ્થાને છે. પંજાબની મુખ્ય સમસ્યા તેના બેટ્સમેનો રમે છે તો તેના બોલર્સ સ્કોરનું રક્ષણ કરી શકતા નથી. જોકે વેસ્ટ ઇન્ડિઝના ઓપનર ગેઇલના પુનરાગમનના કારણે પંજાબની ટીમ વધારે ઉત્સાહમાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here