Thursday, February 22, 2024
Homeકપડવંજ ડબલ મર્ડર : ઉછીના આપેલા 7.25 લાખ સામે 16 લાખની ઉઘરાણી...
Array

કપડવંજ ડબલ મર્ડર : ઉછીના આપેલા 7.25 લાખ સામે 16 લાખની ઉઘરાણી મોતનો પૈગામ બની

- Advertisement -

નડિયાદ, કપડવંજ: કપડવંજમાં બે દિવસ અગાઉ માતા-પુત્રના ડબલ મર્ડરના બનાવમાં ઉછીના આપેલા રૂ. 7.25 લાખ સામે રૂ. 16 લાખની ઉઘરાણી કરવા જતા હત્યાના ગુનાને અંજામ આપ્યો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. એલસીબીની દેખરેખ હેઠળ સ્થાનિક પોલીસે હાથ ધરેલી તપાસમાં હત્યારાને મામલતદાર કચેરીએથી દબોચી લઇ હાથ ધરાયેલી પૂછપરછમાં તેણે માતા-પુત્રને મોતને ઘાટ ઉતાર્યા બાદ મૃતકની પત્ની પર હુમલો કરી લોહીલુહાણ કરી હતી.

7.25 લાખ સામે 16 લાખની ઉઘરાણી
કપડવંજમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલી ગોકુળદાસની ચાલીમાં રહેતા 45 વર્ષીય શ્યામભાઇ બંસીલાલ સામંતાણી ખાતર-બિયારણની દુકાન ચલાવી ગુજરાન ચલાવતા. જેઓએ વિરેન્દ્રસિંહ હિતેન્દ્રસિંહ ગોહિલ (રહે. દરબાર ફળિયું, ચીખલોડ, તા. કપડવંજ) ને લાખો રૂપિયાની રકમ ઉછીના તરીકે આપ્યા હતા. તાજેતરમાં બુધવારે બપોરે વિરેન્દ્રસિંહ ગોહિલે આ રૂપિયા પરત કરવાનો વાયદો કર્યો હોવાથી શ્યામભાઇએ તેનો સંપર્ક કર્યો હતો. આથી તે શ્યામભાઇના ઘેર પહોંચ્યો હતો. જ્યાં વિરેન્દ્રને ઉછીના આપેલા રૂ. સવા સાત લાખની રકમ સામે તેની પાસેથી રૂ. 16 લાખની ઉઘરાણી કરતા તેની તથા શ્યામભાઇ વચ્ચે થયેલી તકરાર લોહીયાળ અંજામમાં પરિણમી હતી, વિરેન્દ્રે ધારદાર છરીથી શ્યામભાઇ ઉપર હુમલો કરી તેમને છાતીના ભાગે ઘા ઝીંકી દીધા હતા.

હત્યારાના રિમાન્ડની તજવીજ હાથ ધરાઇ
એકાએક પુત્ર પર થયેલા હુમલાથી આવી પહોંચેલા શ્યામભાઇના માતા ચંદ્રાબેનને પણ વિરેન્દ્રએ છોડ્યા નહોતા, અને તેમના ઉપર પણ આ જ મોડસઓપરેન્ડીથી હુમલો કર્યો હતો. આ વખતે રસોડામાં લોટ બાંધતા અને બૂમાબૂમ સાંભળી દોડી આવેલા શ્યામભાઇના પત્ની અનિતાબેન વિરેન્દ્રની પાછળ દોડ્યા હતા, અને હું તને ઓળખું છું, એમ કહેતા વિરેન્દ્રએ અનિતાબેન ઉપર પણ છરી વડે હુમલો કરતા તેઓને ડાબા હાથે ઇજા પહોંચી હતી. બીજી બાજુ ગંભીર રીતે ઘવાયેલા શ્યામભાઇ અને માતા ચંદ્રાબેનનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. જ્યારે હત્યારો વિરેન્દ્રસિંહ ગોહિલ ભાગી ગયો હતો. જેને કપડવંજની મામલતદાર કચેરીમાંથી પોલીસે ઝડપી લઇ હાથ ધરેલી પૂછપરછમાં પૈસાની ઉઘરાણીના મામલે તેણે આ જીવલેણ હુમલો કર્યો હોવાની કબૂલાત કરી હતી. કપડવંજના ડીવાયએસપી અર્પિતાબેન પટેલે આ અંગે માહિતી આપી વિરેન્દ્રસિંહની વધુ પૂછપરછ માટે રિમાન્ડ લેવા તજવીજ હાથ ધરી હોવાનું વધુમાં જણાવ્યું હતું.

પોલીસે હત્યામાં વપરાયેલી છરી કબ્જે કરી
આરોપી વિરેન્દ્રને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવનાર છે. હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરીને પોલીસે કબ્જે કરી છે. આ ગુનામાં અન્ય કોઇ ઇસમ હતો કે કેમ ? તેમજ દાગીનાની પણ લેવડદેવડ કરાઇ હતી કે કેમ તે બાબતે પણ તપાસ ચાલતી હોવાનું મહિલા ડીવાયએસપીએ જણાવ્યું હતું.

વીરેન્દ્ર ચિખલોડ ગ્રામ પંચાયતનો સભ્ય પણ છે
કપડવંજમાં માતા – પુત્રની હત્યામાં પકડાયેલા વિરેન્દ્રએ ગુનો કબુલી લીધો છે. તે ચિખલોડ ગ્રામ પંચાયતનો સભ્ય પણ છે. આ ઉપરાંત તે ખેતી કરે છે અને ગામમાં કરિયાણાની દુકાન પણ ધરાવે છે. તેના આ પગલાથી ગામમાં પણ ચકચાર મચી ગઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular