વડોદરા : રેન બસેરામાં ગંદગીથી ત્રસ્ત લોકોએ ભાજપના કાઉન્સિલરનો ઉઘડો લીધો,

0
16

વડોદરા: સ્વચ્છતા અભિયાનની વાતો વચ્ચે ગંદકીથી ત્રાસી ગયેલા સલાટવાડા રેન બસેરાના લોકોએ ભાજપના સ્થાનિક કાઉન્સલરને સ્થળ પર બોલાવી ઉધડો લીધો હતો. સ્થાનિક લોકોએ ઉગ્ર રોષ ઠાલવ્યા બાદ કાઉન્સિલરે સ્થળ પરથી જ પાલિકાના સફાઇ સેવકોને બોલાવી સફાઇ કરાવી હતી.


રેન બસેરાની ગંદગી દૂર ન કરાતા લોકોમાં રોષ
વડોદરા શહેરના સલાટવાડા શારદા મંદિર સ્કૂલ પાછળ રેન બસેરા આવેલું છે. વિસ્તારમાં ગંદકીએ માઝા મૂકી દીધી છે. પાણીનો નિકાલ ન થતાં વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને બિમારીએ માથું ઉંચક્યું છે. સ્થાનિક લોકો દ્વારા ફોટા અને વીડિયો ઉતારીને ભાજપના કાઉન્સિલર રાજા પરમારને મોકલ્યા હતા. આ ઉપરાંત વોર્ડ કચેરીમાં પણ ફોટા અને વીડિયો આપી ગંદકી દૂર કરવા માટે રજૂઆત કરી હતી. પરંતુ કાઉન્સિલર કે તંત્ર દ્વારા ગંદકી દૂર કરવામાં આવતી નથી.
લોકોએ કાઉન્સિલર સામે રોષ ઠાલવ્યો
ગંદકીથી ત્રાહિમામ પોકારી ગયેલા સ્થાનિક લોકોએ આજે ભાજપના કાઉન્સિલર રાજા પરમારને સ્થળ પર બોલાવ્યા હતા. લોકો સામાન્ય રજૂઆત કરશે, તેમ સમજીને ભાજપના કાઉન્સિલર પહોંચી ગયા હતા. જોકે લોકોએ કાઉન્સિલરનો ઉધડો લઇ નાંખ્યો હતો. લોકોનો ભારે રોષને પારખી ગયેલા કાઉન્સિલરે તુરંત જ વોર્ડ ઓફિસમાં ફોન કરી સફાઇ સેવકો બોલાવી લીધા હતા. અને સફાઇ ચાલુ કરાવી હતી. સ્થાનિક રહેવાસી રવિ ટેલરે જણાવ્યું હતું કે, અમે ફોન કરીને તેમજ ફોટા વીડિયો મોકલીને ગંદકી દૂર કરવા માટે રજૂઆત કરતા હતા. ત્યારે કાઉન્સિલરે ઉંઘ ઉડાડી ન હતી. આજે તેઓને બોલાવી રોષ ઠાલવ્યા બાદ સફાઇ કરાવી હતી.
ભાજપના કાઉન્સિલર્સે રજૂઆત કરી છતાં કોઇ ધ્યાન આપતા નથી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિસ્તારમાં આંગણવાડી આવેલી છે. નાના ભુલકાં આંગણવાડીમાં આવે છે. આંગણવાડીની આસપાસ જ ગંદકીના ઢગલા હતા. પરંતુ, કોર્પોરેશન દ્વારા ગંદકી દૂર કરવામાં આવતી ન હતી. એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનની વાતો કરવામાં આવે છે. બીજી બાજુ ભાજપના કાઉન્સિલર્સ દ્વારા જ ગંદકી દૂર કરવા માટે રજૂઆત કરવા છતાં કોઇ ધ્યાન આપતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here