અમદાવાદ : પોલીસકર્મી સહિત ડ્રગ્સ ડીલરો ઝડપાયા, 1 કરોડનું MD ડ્રગ્સ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યું

0
17

શહેરમાં MD ડ્રગ્સનો વ્યાપ ખૂબ જ વધ્યો છે. પોલીસથી બચીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ અમદાવાદમાં લાવવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે CTM વિસ્તારમાંથી રૂ. 1 કરોડના MD ડ્રગ્સ સાથે પાંચ આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીમાં એક આરોપી દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો ASI ફિરોઝ પણ છે. આરોપી ASI ડ્રગ્સ ડીલરોની સાથે રહેતો એ દરમિયાન ડ્રગ્સની ડિલિવરી કરાતી હતી. પોલીસે શહેજાદ તેજાબવાલા સહિત પાંચની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

આરોપી પોલીસકર્મી ફિરોઝ
(આરોપી પોલીસકર્મી ફિરોઝ)

 

2017ની વિધાનસભાની ચૂંટણી પણ શહેજાદ લડ્યો હતો

ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે અગાઉ MD ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા શહેજાદ તેજાબવાલા અને કેટલાક શખસો અમદાવાદમાં કરોડો રૂપિયાના MD ડ્રગ્સની હેરાફેરી કરવાના છે, જેથી CTM વિસ્તારમાં વોચ ગોઠવી હતી. પોલીસે શહેજાદની સાથે પાંચ આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલો આરોપી શહેજાદ અગાઉ 2019માં ક્રાઈમ બ્રાન્ચના હાથે જ ડ્રગ્સ કેસમાં ઝડપાઈ ચૂક્યો હતો. શહેજાદ 2017ની વિધાનસભાની ચૂંટણી પણ લડ્યો હતો. આ ડ્રગ્સની હેરાફેરીમાં દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતો પોલીસકર્મચારી ફિરોઝ પણ સંડોવાયેલો છે. ફિરોઝને સાથે રાખી આરોપીઓ ડિલિવરી કરતા હતા. મુંબઈથી આ ડ્રગ્સ લાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે, જોકે હાલ ક્રાઈમ બ્રાન્ચે વધુ પૂછપરછ શરૂ કરી છે.

ATS કે SOG હોય, ડ્રગ્સમાફિયાઓને એકપણ અધિકારીઓનો ડર નથી

અમદાવાદમાં MD ડ્રગ્સની હેરાફેરી ખૂબ જ વધી ગઈ છે, ખાસ કરીને વટવા, દાણીલીમડા, શાહઆલમ, રિલીફ રોડ, શાહપુર અને ઈસનપુર વિસ્તારમાં આ ડ્રગ્સના પેડલરો અને ડીલરો છે, જેઓ અનેક યુવાધનને બરબાદ કરી રહ્યા છે. આ ડ્રગ્સમાફિયાઓને પોલીસનો ડર નથી. અવારનવાર ક્રાઈમ બ્રાન્ચ, ATS કે SOG હોય તોપણ તેનો ડર તેમને લાગતો નથી. ડ્રગ્સમાફિયાઓને કોઈપણ અધિકારીનો ડર નથી, જેથી બેફામપણે આ ડ્રગ્સ વેચાય છે.