બોલિવૂડમાં ડ્રગ્સ કેસની તપાસ : રિયાએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી, જ્યુડિશિયલ કસ્ટડી 6 ઓક્ટોબર સુધી વધી, NCB આ અઠવાડિયે દીપિકાની પૂછપરછ કરી શકે છે

0
5

સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ રોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. બોલિવૂડનાં અનેક નામો હવે આ કેસ સાથે જોડાઈ રહ્યાં છે. એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તથા તેની મેનેજર કરિશ્મા પ્રકાશની વચ્ચે થયેલા ડ્રગ ચેટ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો હવે આજે એટલે કે 22 સપ્ટેમ્બરના રોજ કરિશ્માની પૂછપરછ કરશે. ગઈકાલે 21 સપ્ટેમ્બરના રોજ કરિશ્માને સમન પાઠવવામાં આવ્યું હતું. રિયાની મેનેજર જયા સાહાની સાથે કરિશ્માનું ડ્રગ ચેટ મળ્યું હતું. ગઈકાલે જયાની ચાર કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આજે (22 સપ્ટેમ્બર) ફરી એકવાર જયા તથા શ્રુતિ મોદીની સાથે ક્વાન ટેલન્ટ મેનેજમેન્ટ કંપનીના ડિરેક્ટર ધ્રુપની પણ પૂછપરછ કરવામાં આવશે.

રિયા-દીપિકાની મેનેજર બંને એક જ કંપનીમાં કામ કરે છે

બંને સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપની ક્વાનમાં કામ કરે છે. આ કંપની સેલિબ્રિટીને ટેલન્ટ મેનેજર આપે છે. ક્વાન મેનેજમેન્ટ દીપિકાને મેનેજ કરે છે. કરિશ્મા, જયા સાહાની ક્વાન ટેલન્ટ મેનેજમેન્ટમાં જુનિયર છે. સૂત્રોના મતે, કરિશ્માની પૂછપરછ બાદ આ અઠવાડિયાના અંત સુધી દીપિકાની પૂછપરછ થઈ શકે છે. મંગળવાર, 22 સપ્ટેમ્બરના રોજ એક્ટ્રેસ અથવા તેની લીગલ ટીમ તરફથી આ કેસમાં સ્પષ્ટતા આપી શકે છે.

રિયાની 6 ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડી વધી

એક્ટર સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ધરપકડ કરેલી એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની જ્યુડિશિયલ કસ્ટડી આજે પૂરી થઈ હતી. ભાયખલા જેલમાંથી તેને આજે વિડિયો-કોન્ફરન્સિંગની મદદથી કોર્ટમાં રજૂ કરાઈ હતી. કોર્ટે 6 ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડી વધારી દીધી છે. રિયા તથા શોવિકે બોમ્બે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી છે. જામીન પર આવતીકાલ, 23 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે. રિયાની 8 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને 22 સપ્ટેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.

રિયાએ લીધાં અનેક એક્ટ્રેસીસનાં નામ

NCBને અત્યારસુધી રિયાની પૂછપરછ દરમિયાન મહત્ત્વની જાણકારી મળી હતી. સૂત્રોના મતે, ડ્રગ્સ્ કેસમાં રિયાએ સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, ડિઝાઈનર સિમોન ભંબાટા સહિત સેલેબ્સનાં નામ લીધાં હતાં.

20થી વધુ લોકોની ધરપકડ

ડ્રગ્સ કેસમાં અત્યારસુધીમાં NCBએ 20થી વધુ લોકોની ધરપકડ કરી છે. રિયા-શોવિક ઉપરાંત ડ્રગ પેડલર, નાર્કો-ડીલર સામેલ છે.