ડ્રગ્સ જેહાદ:અમદાવાદમાં યુવતીઓને પહેલા MD ડ્રગ્સના રવાડે ચડાવાય છે, એડિક્ટ થતાં શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરે, વિરોધ કરે તો બ્લેકમેઇલિંગ કરાય છે

0
0
  • બજરંગદળે અમદાવાદની ત્રણ યુવતીને ડ્રગ્સ જેહાદમાંથી બચાવી નશામુક્ત કરાવી
Pawan Makan
દેશભરમાં હાલ સૌથી વધુ ચર્ચામાં MD ડ્રગ્સ છે. સુરત અને અમદાવાદમાંથી કરોડોનું MD ડ્રગ્સ પોલીસ દ્વારા પકડવામાં આવ્યું છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હાલ MD ડ્રગ્સનો ટ્રેન્ડ ઘણો વધ્યો છે. આ ડ્રગ્સના રવાડે ચડાવીને કેટલાક લોકો યુવતીઓને ફસાવીને તેમનું શોષણ કરી રહ્યા છે. આવી જ રીતે MBA થયેલી એક યુવતી MD ડ્રગ્સના રવાડે ચડી ગયેલા ગ્રુપમાં ફસાઈ ગઈ અને ત્યાર બાદ તેની સાથે જે થયું એ ભલભલાનાં રૂંવાડાં ઊભાં કરી નાખે એવું છે. યુવતીને MD ડ્રગ્સના રવાડે ચડાવીને એક વ્યક્તિએ તેને એ હદે નશાની બંધાણી બનાવી દીધી કે એ યુવતી MD ડ્રગ્સ માટે પોતાનું શરીર એ યુવક અને તેના મિત્રોને સોંપવા માટે મજબૂર બની ગઈ હતી. આ સમગ્ર મામલો બજરંગદળના કેટલાક કાર્યકર્તાઓના ઘ્યાને ગયો હતો. તેમણે આ યુવતી અને તેના જેવી જ બીજી બે યુવતીને આવા હેવાનોની ચુંગાલમાંથી બચાવી લીધી હતી. હાલ બન્ને યુવતી MD ડ્રગ્સ છોડી પોતાના પરિવાર સાથે રહે છે અને એક યુવતી અન્ય રાજ્યમાં જતી રહી છે.

હાઇપ્રોફાઇલ પાર્ટીમાં જઈ યુવતીઓને નિશાન બનાવાય છે

અમદાવાદના અમુક વિસ્તારોમાં લોકો MD ડ્રગ્સના રવાડે ચડી ગયા છે. તેઓ પોતાની સાથે અન્યોની જિંદગી પણ નરક બનાવી બેઠા છે. MD ડ્રગ્સને કારણે પરેશાન અનેક પરિવારો પોતાના ઘરની આબરૂ બચાવવા માટે પોલીસ પાસે જતા નથી, પણ ઘણા કિસ્સામાં MD ડ્રગ્સના બંધાણીઓ પોતાની મોજમજા માટે હાઇપ્રોફાઇલ પાર્ટીમાં જઇને કેટલીક યુવતીઓને ટાર્ગેટ બનાવે છે. લોકોના સંપર્કમાં આવીને અનેક યુવતીઓની જિંદગી નરક બની હશે, પરંતુ એવા કસો સામે આવતા નથી. જોકે બજરંગદળ દ્વારા આવી કેટલીક યુવતીઓને બચાવીને તેમને હેવાનોના હાથોમાંથી હેમખેમ બહાર લાવ્યું છે.

નિશા યુવકના સંપર્કમાં આવી અને મુલાકાત થવા લાગી

આવો જ એક કિસ્સો બજરંગદળ સાથે સંકળાયેલા જ્વલિત મહેતાએ સીએન 24,સમાચાર ને જણાવ્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે, અમદાવાદના SP રિંગ રોડ પર આવેલા એક ફાર્મ હાઉસમાં યોજાયેલી પાર્ટીમાં નિશા(નામ બદલ્યું છે) તેની સહેલીઓ સાથે ગઈ હતી, જ્યાં પાર્ટીમાં અનેક લોકો પણ સામેલ હતા. પાર્ટીમાં યુવકો યુવતીઓ સાથે મજાક-મસ્તી કરી રહ્યા હતા, ત્યારે નિશાને એક યુવક સાથે મુલાકાત થઈ. તેણે નિશા સાથે વાતો કરી અને બન્નેએ એકબીજાના નંબરની આપલે કરી હતી. યુવક સાથે અન્ય ઇસમો હતા, જે નિશા અને તેની સહેલીઓને પોતાનો ટાર્ગેટ બનાવવા માગતા હતા. ધીમે-ધીમે નિશા સાથે એ યુવકે વાતચીતો શરૂ કરી અને પોશ વિસ્તારમાં બન્નેની મુલાકાતો પણ થવા લાગી હતી.

પોશ વિસ્તારની મુલાકાત એકાંત સ્થળો સુધી પહોંચી

ધીમે-ધીમે નિશા અને આ ઇસમ વચ્ચે સંપર્ક વધ્યા અને જે મુલાકાતો પોશ વિસ્તારમાં થતી હતી એ હવે એકાંત સ્થળોએ થવા લાગી હતી. આ દરમિયાન નિશાનો વિશ્વાસ જીતી લીધા બાદ આ ઇસમે MD ડ્રગ્સનો પાઉડર આપ્યો અને તેને નશાની આડમાં પોતાની નજીક લાવવાનો પ્રયાસ કર્યો હતો. નિશા આ ઇસમ દ્વારા આપવામાં આવતા ડ્રગ્સની બંધાણી બની ગઈ હતી. ધીમે-ધીમે નિશાને આ ડ્રગ્સની તલબ લાગવા લાગી હતી.

ઇસમે નિશાને પોતાની અને મિત્રો સાથે સંબંધ બાંધવા કહ્યું

નિશાએ આ ઇસમ પાસે ડ્રગ્સ માગતાં ઇસમે તેને કહ્યું કે તારે મારી સાથે હું કહું એ પ્રમાણે કરવું પડશે અને જો તું એવું નહીં કરે તો તને ડ્રગ્સ નહીં આપું. આ ઘટના બાદ નિશાને આ ઇસમે તેના સિવાય તેના મિત્ર સાથે પણ શારીરિક સંબંધ બાંધવા માટે કહ્યું હતું, પરંતુ નિશા ખૂબ ડરી ગઇ હતી પણ તેને ડ્રગ્સનો નશો કરવો હતો. આ સમગ્ર વાત નિશાના એક મિત્ર મારફત જ્વલિત મહેતા પાસે ગઇ હતી. આ દરમિયાન નિશાને આ ઇસમે બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું અને તે પોતે આ સમગ્ર બાબતથી પરેશાન થઇ ગઇ હતી. જ્વલિત મહેતા અને તેમના બજંગદળના સાથીઓએ નિશાને પરેશાન કરતા લોકોને સબક શિખવાડ્યો અને તેને નિશાથી દૂર રહેવા માટે કહ્યું હતું.

ચારિત્ર્ય વિશે લખી નિશાના ફોટો સોશિયલ મીડિયામાં મૂક્યા

નિશા આ ઇસમના ચુંગાલમાં એ રીતે ફસાઈ ગઇ હતી કે તે જે લોકોના સંપર્કમાં આવી હતી એ લોકોએ તેના ચારિત્ર્ય વિશે લખી ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં મૂક્યા. એટલું જ નહીં, તેમણે તેના લગ્ન તેના મિત્ર સાથે થઈ ગયા છે અને તેના મિત્રએ નિશા સાથે ત્રીજા લગ્ન કર્યા હોવાનું પણ લખ્યું હતું. ઉપરાંત જે ઇસમ સાથે નિશા ડ્રગ્સ લેતી હતી તેણે મેસેજ કરીને તેને ધમકી આપતો હતો. ડ્રગ્સની લાઈન ખેંચતી તસવીરો તેની માતાને મોકલવાની ધમકી આપી હતી. નિશાએ ફોન ન ઉપાડતાં આ ઇસમ તેને ગંદી ગાળો પણ લખતો હતો.

અમે નિશાને આમાંથી મુક્ત કરાવી

બજરંગદળના નેતા જ્વલિત મહેતાએ જણાવ્યું હતું કે નિશા સહિત ત્રણ યુવતી MD ડ્રગ્સના ચુંગાલમાં ફસાયેલી હોવાની વાત મને જાણવા મળી હતી. અમને આ વાત માલૂમ પડતાં અમે એ યુવકને પાઠ ભણાવ્યો હતો અને નિશાને નશામુક્ત કરાવી હતી. હાલ નિશા પોતાના વતન જતી રહી છે, જ્યારે અન્ય યુવતીઓ નશામાંથી મુક્ત થવા માટે નશામુક્તિ કેન્દ્રમાં ગઇ હતી. આ રીતે રીતસર ડ્રગ્સ જેહાદ ચલાવવામાં આવી રહ્યું છે અને અમે યુવતીઓને આવા ઇસમોથી દૂર રહેવા સલાહ આપીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here