મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા 13 વર્ષથી રાષ્ટ્રીય કક્ષાની સામાજિક ઇવેન્ટ પ્રેરણાનું આયોજન કરવામાં આવે છે. પ્રેરણા અંતર્ગત યોજવામાં આવતા કાર્યક્રમ અલ્ફાઝ અંતર્ગત આ વર્ષે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. 3 ઓગસ્ટના રોજ અલ્ફાઝ અનપ્લગ્ડ અંતર્ગત ભારતના સૌથી પહેલા દિવ્યાંગ ડીજે વરુણ ખુલ્લર અને વિશ્વવિખ્યાત ડ્રમર સૌરભદાન ગઠવી પોતાની સંઘર્ષથી સફળતા સુધીની સફર જણાવશે અને તેની સંગીતમય પ્રસ્તુતી પણ કરશે તેમ ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનીયરીંગના પ્રેરણા ઇવેન્ટના મીડિયા કોર્ડિનેટર શાહ હેલીએ જણાવ્યું હતું.
સર પોલ જ્હોન્સન પછી વરુણ ખુલ્લર વિશ્વના બીજા દિવ્યાંગ ડી.જે છે
ભારતના સૌ પ્રથમ દિવ્યાંગ ડીજે જેઓ ડીજે આમીશના સ્ટેજ નામથી પ્રસિદ્ધ છે. માઈક્રોસોફ્ટ સરફેસ બુક 2ના બ્રાન્ડ એમ્બેસેડર અને ડીજે સર પોલ જ્હોનસન પછી વિશ્વના બીજા દિવ્યાંગ ડીજે આ વર્ષે પ્રેરણાના પ્રથમ દિવસે તેમના તાલે લોકોને નચાવશે. જીવનમાં આવેલ અનેક આકસ્મિક મુશ્કેલીઓનો સામનો કરીને પોતાના સપના સાકાર કરવા માટે પોઇન્ટ બ્લેન્ક મ્યુઝિક સ્કૂલ, લંડન અને આઈ.એલ.એમ. એકેડેમીથી અભ્યાસ પ્રાપ્ત કરીને તેઓએ મ્યુઝિક કમ્પોઝર તરીકે સંગીત ક્ષેત્રમાં ઝંપલાવ્યું. ટાઈમઆઉટ 72 મ્યુઝિક ફેસ્ટિવલમાં સ્ટેજ પર તેમને તેમના ટેલેન્ટને પ્રસ્તુત કર્યું હતું. તેઓએ દિવ્યાંગ હોવા છતાં હાર્યા વિના અન્યોમાંથી પ્રેરણા લઇને ડિજે બનવાની શરૂઆત કરી હતી. લાંબા સંઘર્ષ બાદ તેઓ સફળતાના શીખરો સર કરી શક્યાં હતાં.
કોણી પર ડ્રમસ્ટિક બાંધીને સૌરભદાન સામાન્ય ડ્રમર જેવું જ ઉત્કૃષ્ઠ ડ્રમિંગ કરે છે
માત્ર 5 વર્ષની ઉંમરે રાજકોટમાં રહેતા બાળકે તેના પિતા પાસેથી સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી અને આજે ગુજરાત અને ભારતનું નામ સંગીત ક્ષેત્રમાં વિશ્વભરમાં વિખ્યાત કરનાર દિવ્યાંગ ડ્રમર સૌરભદાન ગઠવી એમ.એસ.યુનીમાં યુવાનોને તેમના તાલે થીરકવા માટે મજબુર કરશે. સૌરભ ગઠવીનું પરિવાર ડાયરા અને કલા સાથે જોડાયેલું છે અને જેના કારણે તેઓ એક હાથ ન હોવા છતાં કોણીએ ડ્રમ સ્ટીક બાંધીને ડ્રમ વગાડે છે. તેઓ વોટર ડ્રમિંગ માટે પણ પ્રસિદ્ધ છે પણ આ વર્ષે તેઓ પ્રેરણામાં ફાયર ડ્રમિંગ કરીને ઉપસ્થિતોને આશ્ચર્ય ચકિત કરી દેશે. ખામીઓને ખૂબી બનાવીને તેઓ લોકોની પ્રેરણા બન્યા છે.