વાવ | સરકાર દ્વારા કેનાલોમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી છોડવામાં આવ્યું છે ત્યારે કેનાલમાં પાણી છોડતાની સાથે વાવના ટડાવ ગામની સીમમાંથી પસાર થતી ચોથારનેસડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં શુક્રવારે વહેલી સવારે 15 ફૂટ જેટલું ગાબડું પડતાં ખેતરો બેટમાં ફેરવાયા હતા અને હજારો ક્યુસેક પાણીનો બગાડ થયો હતો. છેલ્લા પાંચ માસથી કેનાલોમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. નર્મદા વિભાગ દ્વારા કેનાલોની સફાઇ કરવામાં આવી ન હતી. કેનાલોમાં બાવળ, આંકડા ઉગી ગયા હતા. કેટલીય જગ્યાએ ખેતરોમાંથી પવનના કારણે કચરો પણ કેનાલોમાં પડ્યો હતો આને લઇ વાવની ચોથારનેસડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલના કૂવામાં કચરો ભરાઇ જતા કેનાલ ઓવરફ્લો થવાથી ટડાવ ગામથી ચોટીલ જવાના રસ્તા પર શુક્રવારે વહેલી સવારે 15 ફૂટનું ગાબડું પડ્યું હતું. અગાઉ પણ આજ જગ્યાએ ગાબડાં પડતાં હોઇ આ ચોથી વખત એક જ જગ્યાએ તૂટી છે.