ઈયર ટેગીંગ : પાટણમાં આગામી તા.30 જૂન સુધી ગાય અને ભેંસ જેવા પશુઓના ઈયર ટેગીંગ કરાવી શકાશે

0
0

પાટણમાં આગામી તા.30 જૂન સુધી ગાય અને ભેંસ જેવા પશુઓના ઈયર ટેગીંગ કરાવી શકાશે. જેમાં અતિવૃષ્ટી, ભુકંપ અને રોગચાળા જેવી કુદરતી આફતો તથા રસીકરણ, બીજદાન જેવી પ્રક્રિયામાં પશુઓના ઈયર ટેગીંગ ઉપયોગી સાબિત થાય છે.

ભારત સરકારના રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ગાય અને ભેંસ વર્ગના પશુઓની ઓળખ માટે તેમને ઈયર ટેગીંગ કરાવવાની કામગીરી આગામી તા.30 જૂન સુધી ચાલુ રાખવામાં આવી છે. ગાય અને ભેંસ વર્ગના પશુઓને બાર કોડ ડિઝીટ ધરાવતા ઈયર ટેગ એટલે કે કાનની કડી દ્વારા આગવી ઓળખ મળે છે. આધાર કાર્ડની જેમ આ પશુઓની ઓળખ સુનિશ્ચિત થતાં અતિવૃષ્ટી, ભુકંપ અને રોગચાળા જેવી કુદરતી આફતોમાં પશુ જાનહાની સમયે તે ઉપયોગી નિવડે છે. આ ઉપરાંત પશુઓને આપવામાં આવતી રસી, કૃમિનાશક દવાઓ તથા કૃત્રિમ બીજદાન જેવી કામગીરીના રેકર્ડ પણ સરળતાથી નિભાવી શકાય છે.

પાટણ જિલ્લામાં ગાય અને ભેંસ જેવા પશુ ધરાવતા પશુપાલકો ભારત સરકારની આ યોજનાથી બાકાત ન રહી જાય તે માટે નજીકના પશુ દવાખાનામાં આગામી તા.30 જૂન સુધી પોતાના પશુઓને ઈયર ટેગીંગ કરાવી લેવા નાયબ પશુપાલન નિયામક, પાટણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here