હેલ્થ ડેસ્ક: ખોરાકમાં શાકાહારી ભોજનને પ્રાથમિકતા આપવાથી હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડી શકાય છે. તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે, શાકાહારી ભોજન લેવાથી હૃદયને લગતી બીમારીઓનું જોખમ ઓછું રહે છે, જ્યારે માંસાહારી ભોજન લેવાથી હૃદય સંબંધિત રોગોનું જોખમ વધે છે.
અમેરિકન હાર્ટ અસોસિએશનમાં આ રિસર્ચને પ્રકાશિત કરવામાં આવ્યું છે. અમેરિકામાં આવેલી ‘જોન્સ હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ’માં આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં સામેલ પ્રોફેસરનું કહેવું છે કે, ‘અમારું રિસર્ચ એ સલાહ આપે છે કે, શાકાહારી ભોજન માંસાહારી ભોજન કરતાં પ્રમાણમાં વધુ લેવાથી હાર્ટ અટેક અને હૃદય સંબંધિત અનેક બીમારીઓનું જોખમ ઓછું થાય છે.’
રિસર્ચ
આ રિસર્ચમાં અમેરિકાના 10 હજારથી વધું પુખ્તવયના લોકોના ખોરાકના ડેટાબેઝની સમીક્ષા કરવામાં આવી હતી. રિસર્ચ દરમિયાન વર્ષ 1987થી 2016 સુધી લોકોના ખાનપાન પર નજર રાખવામાં આવી હતી. રિસર્ચની શરૂઆતમાં આ લોકોને હૃદયને લગતી કોઈ બીમારી ન હતી. પરંતુ જેમ જેમ તેમની ઉંમર વધતી ગઈ તેમ માંસાહારી લોકોમાં હૃદયને લગતી બીમારીઓ વધુ જોવા મળી હતી.
અલ્બેર્ટા હેલ્થ સર્વિસે પણ પોતાના રિસર્ચમાં પુરવાર કર્યુ હતું કે, શાકાહારી ભોજન લેવાથી હૃદયને લગતી બીમારીનું જોખમ ઘટે છે. તેમજ શાકાહારી ભોજન લેવાથી વજન પણ કન્ટ્રોલમાં રહે છે.