આજે સૂર્યગ્રહણ સવારે 9.16 વાગ્યાથી : કંકણાકૃતિ સૂર્યગ્રહણઃ ઉત્તર ભારતના અનેક ભાગમાં 98.6% સુધી સૂર્ય ઢંકાઇ જશે, ભારતમાં સૌથી પહેલાં મુંબઈ-પુણેમાં સવારે 10.01 વાગ્યે દેખાશે

0
6

આજે 21 જૂન, રવિવાર છે. આજે 9.16 વાગ્યાથી સૂર્યગ્રહણ છે. જોકે, ભારતમાં આ ગ્રહણ સવારે 10 વાગ્યા પછી જ દેખાશે. આ વર્ષનું પહેલું અને છેલ્લું સૂર્યગ્રહણ છે. ત્યાર બાદ 25 ઓક્ટોબર 2022માં આવતું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે. ઉત્તરભારતના થોડાં ભાગમાં ચંદ્ર, સૂર્યને 98.6% સુધી ઢાંકી દેશે, જેથી તે બંગડી જેવા આકારમાં દેખાશે. જ્યોતિષ ગ્રંથમાં તેને કંકણાકૃતિ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. આ આકૃતિ મોટાભાગના સ્થાને 11.50 થી 12.10 ની વચ્ચે જોવા મળશે.

સૌથી પહેલાં મુંબઈ અને પુણેમાં 10.01 વાગ્યાથી દેખાવાનું શરૂ થશે. ગુજરાતના અમદાવાદ અને સૂરતમાં 10.03 વાગ્યાથી દેખાવાનું શરૂ થશે. અન્ય દેશમાં આ ગ્રહણ 3.04 વાગ્યે પૂર્ણ થશે. દેશમાં અનેક જગ્યાએ અંડગ્રાસ સૂર્યગ્રહણ સ્વરૂપે જોવા મળશે. ભારત સિવાય આ ગ્રહણ નેપાળ, પાકિસ્તાન, સાઉદી અરબ, યૂએઈ, એથોપિયા તથા કાંગોમાં દેખાશે.

સૂર્યગ્રહણ ત્રણ પ્રકારના હોય છે.

પૂર્ણ સૂર્યગ્રહણઃ જ્યારે ચંદ્ર પૃથ્વીની એકદમ નજીક રહીને સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવી જાય છે. આ દરમિયાન ચંદ્ર સંપૂર્ણ રીતે પૃથ્વીને પોતાની છાયામાં લઇ લે છે. જેથી સૂર્યના કિરણો પૃથ્વી ઉપર પહોંચી શકતાં નથી. આ ખગોળીય ઘટનાને પૂર્ણ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.

વલયાકાર સૂર્યગ્રહણઃ આ સ્થિતિમાં ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે પરંતુ બંનેની વચ્ચે ખૂબ જ અંતર હોય છે. ચંદ્ર સંપૂર્ણ રીતે સૂર્યને ઢાંકી શકતો નથી અને સૂર્યનો બહારનો ભાગ જ ચમકે છે. જે વલય એટલે રિંગ સ્વરૂપે દેખાય છે.

ખંડગ્રાસ સૂર્યગ્રહણઃ આ ખગોળીય ઘટનામાં ચંદ્ર, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે એવી રીતે આવી જાય છે કે, સૂર્યનો થોડો ભાગ જ પોતાની છાયાથી ઢાંકી શકે છે. આ દરમિયાન પૃથ્વીથી સૂર્યનો અમુક ભાગ દેખાય છે. તેને ખંડગ્રાસ સૂર્યગ્રહણ કહેવાય છે.

જ્યોતિષ અને ખગોળ વિજ્ઞાનઃ સતત 3 ગ્રહણ હોવા સામાન્ય વાત.

જયપુરની વેધશાળાના પૂર્વ અધીક્ષક ઓ.પી શર્મા પ્રમાણે, ખગોળ વિજ્ઞાન પ્રમાણે સતત 3 ગ્રહણ હોવા સામાન્ય વાત છે. આ સામાન્ય ખગોળીય ઘટના છે. ખગોળ ગણના પ્રમાણે 18 વર્ષમાં લગભગ 70 ગ્રહણ થઇ શકે છે. આ પ્રકારે એક વર્ષમાં બે પ્રકારના 7 ગ્રહણ થવાં સંભવિત છે. પરંતુ, 4 થી વધારે ગ્રહણ ખૂબ જ ઓછા જોવા મળે છે. આ પ્રકારે સતત ત્રણ ગ્રહણની સ્થિતિ દર 10 વર્ષમાં લગભગ 2 કે 3 વાર બને છે.

કાશીના જ્યોતિષાચાર્ય પં.ગણેશ મિશ્રાના કહેવા પ્રમાણે, વિશ્વમાં સતત 3 ગ્રહણ થવા આશ્ચર્યજનક ઘટના નથી. લગભગ 2-3 વર્ષમાં 1 વાર આવું થાય છે. 2018, 2016, 2013 અને 2011માં આવું થયું હતું. પરંતુ હવે 2027 અને 2029માં આવી સ્થિતિ બનશે. તેમણે જણાવ્યું કે, આ વર્ષે કુલ 6 ગ્રહણમાં 4 ચંદ્રગ્રહણ અધૂરા છે એટલે ઉપછાયા ગ્રહણ છે. ત્યાં જ, 21 જૂન એટલે આજે થનારું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે. આ સિવાય 14 ડિસેમ્બરે આવતું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં.

સૂર્યગ્રહણ અંગે વૈજ્ઞાનિક દૃષ્ટિ.

વિજ્ઞાન પ્રમાણે સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે. જ્યારે ચંદ્ર ફરતાં-ફરતાં સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવી જાય છે ત્યારે સૂર્યનો ચમકતો પ્રકાશ ચંદ્રના કારણે દેખાતો નથી. ચંદ્રના કારણે સૂર્ય સંપૂર્ણ રીતે અથવા આંશિક રીતે ઢંકાઇ જાય છે અને તેને જ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.

4 હજાર વર્ષ પહેલાં સૂર્યગ્રહણ દેખાયું હતું.

ચાઈનીઝ ગ્રંથ શુ-ચિંગ પ્રમાણે પહેલું સૂર્યગ્રહણ આજથી લગભગ ચાર હજાર વર્ષ પહેલાં એટલે 22 ઓક્ટોબર 2134 ઈ.સ પૂર્વે દેખાયું હતું. આ ગ્રંથ પ્રમાણે આકાશીય ડ્રેગને સૂર્યને ગળી લીધો હતો. ચાઈનીઝ ભાષામાં ગ્રહણ શબ્દને શી કહેવામાં આવે છે, જેનો અર્થ ગળી જવું થાય છે. ચીનના ગ્રામીણ વિસ્તારમાં આજે પણ સૂર્યગ્રહણ સમયે મોટા અવાજે ડ્રમ વગાડવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે, આ અવાજથી સૂર્યને ગળી જતો ડ્રેગન ભાગી જાય છે. પ્રાચીન કાળમાં ચીનમાં સૂર્ય અને ચંદ્રગ્રહણને દિવ્ય સંકેત માનવામાં આવતાં હતાં.

વેદોમાં સૂર્યગ્રહણ.

મહર્ષિ અત્રિ ગ્રહણના જ્ઞાનને આપનાર પહેલાં આચાર્ય છે. ઋગ્વેદના પાંચમા મંડળના 40માં સ્ત્રોતના મંત્રમાં આ વાતની જાણકારી મળે છે. જ્યારે અસુર રાહુ પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી ગયો હતો, ત્યારે પૃથ્વી ઉપર અંધકાર છવાઇ ગયો હતો. ત્યારે મહર્ષિ અત્રિએ મંત્રોની શક્તિથી તે અંધકારને દૂર કર્યો હતો. ગ્રહમ સમયે જે પ્રથાઓ છે તેનો ઉલ્લેખ અથર્વવેદમાં મળી આવે છે. સાથે જ, સામવેદના પંચવિંશ બ્રાહ્મણમાં પણ ગ્રહણનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે.

પુરાણોમાં સૂર્યગ્રહણ.

મત્સ્ય પુરાણ પ્રમાણે, સૂર્યગ્રહણનો સંબંધ રાહુ-કેતુ અને તેમના દ્વારા અમૃત મેળવવાની કથા સાથે છે. આ સિવાય સ્કંદ પુરાણમાં ભગવાન શિવે દેવી પાર્વતીને સમજાવ્યું હતું કે, સૂર્યગ્રહણ કેવી રીતે થાય છે. સાથે જ, વિષ્ણુપુરાણના પહેલાં અંશના નવમાં અધ્યાયમાં સમુદ્ર મંથનની કથામાં તેનો ઉલ્લેખ છે.

મહાભારતમાં સૂર્યગ્રહણ.

મહાભારત યુદ્ધની લડાઈ 18 દિવસ ચાલી હતી. આ દરમિયાન 3 ગ્રહણ હોવાથી મહાભારતનું યુદ્ધ ભીષણ બની ગયું હતું. મહાભારતમાં અર્જુને પ્રતિજ્ઞા લીધી હતી કે, તે સૂર્યાસ્ત પહેલાં જયદ્રથને મારી દેશે નહીંતર પોતે જ અગ્નિસમાધિ લઇ લેશે. કૌરવોએ જયદ્રથને બચાવવા માટે સુરક્ષાનો ઘેરો બનાવી લીધો હતો, પરંતુ તે દિવસે સૂર્યગ્રહણ હોવાથી બધી જ જગ્યાએ અંધારું છવાઇ ગયું હતું. ત્યારે જયદ્રથ અર્જુન સામે એવું કહીને આવી ગયો કે, સૂર્યાસ્ત થઇ ગયો છે હવે અગ્નિસમાધિ લો. આ દરમિયાન ગ્રહણ પૂર્ણ થઇ ગયું અને સૂર્ય ચમકવા લાગ્યો. ત્યારે અર્જુને જયદ્રથનો વધ કરી દીધો.

રામાયણમાં સૂર્યગ્રહણ.

મૂળ વાલ્મીકિ રામાયણના અરણ્યકાંડના ત્રેવીસમાં સર્ગની શરૂઆત 15 શ્લોકમાં સૂર્યગ્રહણ અંગે જાણકારી આપવામાં આવી છે. ભગવાન રામ અને ખર વચ્ચે યુદ્ધમાં આ અંગે જણાવવામાં આવ્યું છે. રાહુને સૂર્યગ્રહણનું કારણ જણાવ્યું  છે.

સૂર્યગ્રહણનું જ્યોતિષીય મહત્ત્વ.

બૃહતસંહિતા ગ્રંથમાં વરાહમિહિરે લખ્યું છે કે, સૂર્યગ્રહણમાં ચંદ્ર, સૂર્યના બિંબમાં પ્રવિષ્ટ થઇ જાય છે. એટલે, સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવી જાય છે. ત્યાં જ, ચંદ્રગ્રહણ દરમયિયાન પૃથ્વીની છાયામાં આવી જાય છે. જ્યોતિષાચાર્ય પં. મિશ્રાના કહેવા પ્રમાણે પૂર્ણ ગ્રહણ હોવાથી પ્રાકૃકિત આપત્તિઓ અને સત્તા પરિવર્તન જોવા મળે છે. ગ્રહણથી દેશમાં રહેતાં લોકોને નુકસાન થાય છે. બીમારીઓ વધે છે. દેશની આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ આવે છે.