EDની ઓફિસ હાજર થયા રોબર્ટ વાડ્રા, ત્રણ તબક્કામાં પૂછપરછ થશે

0
21

નવી દિલ્હી: રોબર્ટ વાડ્રા ગઈકાલે રાતે અમેરિકાથી દિલ્હી પરત આવતાની સાથે જ મની લોન્ડરિંગ કેસમાં આજે EDની ઓફિસે પહોંચ્યા છે. તેમની સાથે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર રહ્યા હતા. જોકે ઈડી ઓફિસમાં માત્ર રોબર્ટ વાડ્રા જ ગયા હતા અને થોડીવાર બહાર રાહ જોયા પછી પ્રિયંકા ત્યાંથી નીકળી ગયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રોબર્ટ વાડ્રા તેમના ચશ્મા ઘરે ભૂલી ગયા હતા. તેથી તેમની પૂછપરછ મોડી શરૂ થઈ હતી. વાડ્રા સાથે ત્રણ તબક્કામાં પૂછપરછ કરવામાં આવશે.

ત્રણ તબક્કામાં થશે વાડ્રાની પૂછપરછ

પૂછપરછના પહેલાં તબક્કામાં મનોજ અરોરા, સુમિત ચઢ્ઢા, સી. થમ્પી અને સંજય ભંડારી સાથે તેમના સંબંધો વિશે પૂછપરછ કરવામાં આવશે. તે માટે વાડ્રાનો સામનો ઈમેલ અને પીએમએલએ અંર્તગત આપવામાં આવેલા મનોજ અરોરાના નિવેદનથી થશે. બીજા તબક્કામાં વિદેશોમાં તેમની સંપત્તિ વિશે પૂછપરછ કરવામાં આવશે. તેમાં લંડનમાં ખરીદવામાં આવેલા 8-9 સંપત્તિ, ત્રણ વિલા અને છ ફ્લેટ છે. આ દરેક સંપત્તિની ચૂકવણીમાં એક જ મોડલ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્રીજા તબક્કામાં રક્ષા અને પેટ્રોલિયમ સોદાના વચેટીયાઓના સંબંધમાં પૂછપરછ કરવામાં આવશે.

નોંધનીય છે કે, કોંગ્રસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ ધરપકડથી બચવા માટે કોર્ટમાં અરજી કરી હતી. મનિ લોન્ડરિંગ કેસમાં તેમની અરજી વિશે સુનાવણી કરતાં ગયા સપ્તાહમાં દિલ્હીની પટિયાલા કોર્ટે તેમને રાહત આપી હતી. વાડ્રાના વકીલ કેટીએસ તુલસીએ કોર્ટને આશ્વાસન આપ્યું હતું કે, વાડ્રા પૂછપરછમાં સહયોગ આપશે.

કોર્ટે વાડ્રાને 16 ફેબ્રુઆરી સુધી ધરપકડમાંથી રાહત આપી હતી અને કહ્યું હતું કે, વાડ્રાએ 6 ફેબ્રુઆરી સુધીમાં ઈડીની સામે હાજર રહેવું પડશે. આ પહેલાં કોર્ટે વાડ્રાના સહયોગી મનોજ અરોડાની પણ ધરપકડ પર પણ 6 ફેબ્રુઆરી સુધીની રોક લગાવી હતી.

ભાજપ પર બદલાની કાર્યવાહીનો આરોપ

ઘણાં દિવસોથી વાડ્રા દેશની બહાર છે પરંતુ મંગળવારે રાતે તે દિલ્હી પહોંચી ગયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રોબર્ટે તેમના અંગત લોકોને કહ્યું છે કે, તે દેશના કાયદાનું સન્માન કરે છે અને ભાજપ સરકાર કારણ વગર તેમને ટાર્ગેટ કરે છે. તેમ છતાં તેઓ કાયદા પ્રમાણે કામ કરશે. રોબર્ટે કહ્યું કે, મારી સામે માત્ર બદલાની ભાવનાથી એક્શન લેવામાં આવે છે.

શું છે મામલો?

રોબર્ટ વાડ્રા વિરૂદ્ધ ચાલી રહેલો કેસ લંડનના 12 બ્રાયંસ્ટન સ્કેવર પર સ્થિત એક સંપત્તિ ખરીદવમાં મની લોન્ડ્રિંગના આરોપ સાથે જોડાયેલો છે. આ પ્રોપર્ટી 19 લાખ પાઉન્ડમાં ખરીદવામાં આવી હતી જેનો માલિકી હક રોબર્ટ વાડ્રા પાસે છે. તપાસ એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે ભાગેડુ હથિયાર વેપારી સંજય ભંડારી વિરૂદ્ધ આવકવેરા વિભાગ કાળા ધન અધિનિયમ તેમજ કાયદા અંતર્ગત તપાસ કરી રહ્યાં છે. આ દરમિયાન મનોજ અરોડાની ભૂમિકા સામે આવી જેના આધારે મની લોનડ્રિંગનો કેસ દાખલ કરાયો હતો. આરોપ છે કે લંડન સ્થિત આ સંપત્તિને 19 લાખ પાઉન્ડમાં સંજય ભંડારીએ ખરીદી હતી જેને 2010માં તે જ કિંમતે વેંચી હતી. જો કે તેના સમારકામ પાછળ લગભગ 65,900 પાઉન્ડનો ખર્ચ કરાયો હતો તેમ છતાં તેની ખરીદ કિંમતે જ પ્રોપર્ટી રોબર્ટ વાડ્રાને વેંચવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here