ઈડી દ્વારા સુશાંતની કંપનીની બેંક લેવડ-દેવડની તપાસ, સુશાંતની કંપનીના દસ્તાવેજો પર નકલી હસ્તાક્ષર

0
0

સુશાંતસિંહ રાજપૂતની મોતનું રહસ્ય વધુ ઘેરાતું જાય છે. હવે સુશાંતની કંપનીના દસ્તાવેજો પર 2020માં અનેક વખત તેના નામના નકલી દસ્તાવેજો કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. આથી, તપાસ એજન્સીઓએ આ પાસા પર પણ તપાસ શરૂ કરી છે.

આ નવી વાતથી એ સવાલ ઊભો થયો છે કે કોણે અને શા માટે સુશાંતની કંપનીના દસ્તાવેજો પર નકલી હસ્તાક્ષર કર્યા છે. સુશાંતનો ફાયદો ઉઠાવવા માટે તેના નામથી નકલી હસ્તાક્ષર કરાયાની પણ આશંકા છે. બીજીબાજુ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતની મોતને વોટરલૂના વોટરગેટ કૌભાંડ સાથે સરખાવતાં તેને બોલીવૂડ, મુંબઈ પોલીસ, મહારાષ્ટ્ર સરકારનું વોટરગેટ ગણાવ્યું છે.

સુશાંતની કંપનીઓમાં નકલી હસ્તાક્ષરના પાસા પર તપાસ

સૂત્રોના જણાવ્યા મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને અન્ય તપાસ સંસ્થાઓ સુશાંતની કંપનીઓમાં નકલી હસ્તાક્ષરના પાસા પર તપાસ કરી રહી છે. આ સંદર્ભમાં તેમણે આ પ્રકરણમાં શંકાસ્પદ જણાતા આરોપીઓની પણ પૂછપરછ કરી છે.

સુશાંતના તેના પરિવાર સાથે સારા સંબંધ હતા

બીજીબાજુ પરિવાર સાથે સુશાંતના મતભેદો હોવાના અહેવાલોને ફગાવતાં સૂત્રોએ જણાવ્યું હતું કે સુશાંતના તેના પરિવાર સાથે સારા સંબંધ હતા અને તે તેમનાથી ખૂબ જ ખુશ હતો. બહેનો અને પરિવારના અન્ય સભ્યો સાથે પણ સુશાંતના સારા સંબંધો હતા. તેમને બદનામ કરવા માટે કેટલાક લોકોએ સુશાંતના પરિવાર સાથે સંબંધો સારા નહીં હોવાનો ખોટો આક્ષેપ કર્યો છે.

પુરાવાઓ સાથે ચેડાંની વાત

આ સમગ્ર પ્રકરણમાં શરૂઆતથી જ પુરાવાઓ સાથે ચેડાંની વાત સામે આવતી હતી. સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય બાબતો સાથે સંકળાયેલી અન્ય વસ્તુઓ અંગે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે.

પટનામાં જસ્ટિસ ફોર સુશાંતના સભ્યોના દેખાવો

સુશાંતસિંહ રાજપૂતને ન્યાય અપાવવા માટે ફરી એક વખત પટનામાં રવિવારે જસ્ટિસ ફોર સુશાંતના સભ્યોએ દેખાવો કર્યા હતા. રાજીવનગર વિસ્તારમાં થયેલા દેખાવોમાં બધા જ આરોપીઓ સામે વહેલી તકે કાર્યવાહી કરવાની માગ કરાઈ હતી. ઉપરાંત મહારાષ્ટ્ર સરકાર પર આ કેસની અવગણના કરવાનો આક્ષેપ કરાયો છે.

સુશાંતની ‘હત્યા’ને બોલિવૂડનું વોટરગેટ: સ્વામી

દરમિયાન ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રવિવારે સુશાંતની ‘હત્યા’ને બોલિવૂડનું વોટરગેટ જાહેર કર્યું હતું. તેમણે એક ટ્વીટ કરી લખ્યું કે, સુશાંતની ‘હત્યા’ વોટરલૂ અને બોલિવૂડ, મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર માટે વોટરગેટ છે. આપણને આ કેસમાં ન્યાય ન મળે ત્યાં સુધી આપણે હાર માનવી જોઈએ નહીં.

ઉલ્લેખનીય છે કે વોટરગેટ કૌભાંડ અમેરિકન પ્રમુખ રિચાર્ડ નિક્સન સાથે સંકળાયેલું હતું, જેમાં તેમણે રાજીનામુ આપવું પડયું હતું. આ ઘટનાએ અમેરિકન રાજકારણ પર ગંભીર છાપ છોડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here