એરપોર્ટ કૌભાંડ : GVK ગ્રુપના પ્રમોટર્સના મુંબઈ, હૈદરાબાદમાં ઘર અને ઓફિસ પર EDના દરોડા, 705 કરોડની હેરાફેરીનો આરોપ

0
0

મુંબઈ. GVK ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન જી વેંકટ કૃષ્ણ (GVK) રેડ્ડી અને તેમના પુત્ર GV સંજય રેડ્ડી અને કંપનીના પ્રમોટરના કેટલાક ઠેકાણા ઉપર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે દરોડા પાડ્યા છે. આ કામગીરી મુંબઈ અને હૈદરાબાદમાં કૃષ્ણા રેડ્ડી, તેના દિકરા અને સંબંધીઓના ઘર અને ઓફિસ પર કરવામાં આવી છે. CBIએ જૂનમાં આ બંને સામે FIR નોંધી હતી. GVK ગ્રૂપ પર મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના વિકાસમાં રૂ. 705 કરોડની છેતરપિંડીનો આરોપ છે.

FIRમાં 9 કંપનીઓના નામ
CBIની FIRમાં નવ ખાનગી કંપનીઓના નામ પણ આપવામાં આવ્યા છે, જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)ના કેટલાક અધિકારીઓ, મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ, GVK એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડનો સમાવેશ થાય છે. અગાઉ CBIએ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને GVK રેડ્ડીના મુંબઇ અને હૈદરાબાદમાં આવેલા સ્થળો સહિત 6 સ્થળો પર તપાસ કરી હતી.

GVK એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ, AAI અને કેટલીક વિદેશી કંપનીઓએ જોઈન્ટ વેન્ચરમાં મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) નામથી કંપની બનાવી હતી. GVK પાસે તેના 50.5% શેર છે અને 26% AAI પાસે છે.

GVK ગ્રુપ પર આરોપ – નકલી કરાર બતાવી કૌભાંડ આચર્યું
FIR મુજબ આરોપીએ 2012થી 2018ની વચ્ચે મુંબઇ એરપોર્ટ ડેવલપમેન્ટના નામે ગોટાળો કર્યો છે. GVK ગ્રૂપે તેની અન્ય કંપનીઓમાં MIALના સરપ્લસ ફંડમાંથી રૂ. 395 કરોડનું રોકાણ કર્યું છે. MIAL મુંબઈ સ્થિત હોવા છતાં, સરપ્લસ ફંડ હૈદરાબાદની બેંકોમાં રાખવામાં આવ્યું હતું. આ હેરાફેરી માટે બોર્ડ મીટિંગની બનાવટી દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. બીજી તરફ, નકલી કરાર બતાવીને રૂ. 310 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.

MIAL વાર્ષિક રેવન્યુના 38.7% AAIને આપે છે
એરપોર્ટ ઓથોરિટી અને MIAL વચ્ચે 2006માં કરાર થયો હતો કે MIAL મુંબઈ એરપોર્ટનું સંચાલન કરશે અને ફી પેઠે વાર્ષિક રેવન્યુના 38.7% AAIને આપશે. બાકી રકમ એરપોર્ટના આધુનિકીકરણ, ઓપરેશન અને જાળવણી ઉપર ખર્ચ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here