મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી, યસ બેંકના સહસ્થાપક અને DHFL ના પ્રમોટર બંધુઓની કરોડોની સંપત્તિ જપ્ત

0
5

EDએ મની લોન્ડરિંગ વિરૂદ્ધના કાયદા હેઠળ યસ બેંકના સહસ્થાપક રાણા કપૂર ડીએચએફએલના પ્રમોટર વાધવાન બંધુઓની કુલ 2800 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે.તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ જારી કરાયેલા પ્રોવિઝનલ ઓર્ડર હેઠળ રાણા કપૂર અને ડીએચએફએલના પ્રમોટર ભાઇઓ કપિલ અને ધીરજ વાધવાનની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે.  કેન્દ્રીય એજન્સીએ  કેટલીક વિદેશી મિલકતો પણ ટાંચમાં લીધી છે.

ઇડીએ કપૂર અને તેમના પરિવારજનો તથા અન્યો પર મોટી રકમની લોન મંજૂર કરવાના બદલામાં મળેલા લાંચના નાણાં દ્વારા 4300 કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ કરવાનો આરોપ મૂક્યો છે. લાંચ લઇને જે લોન આપવામાં આવી હતી તે એનપીએ(નોન પરફોર્મિંગ એસેટ) બની ગઇ છે.માર્ચ મહિનામાં કેન્દ્રીય તપાસ એજન્સીએ કપૂરની ધરપકડ કરી હતી અને હાલમાં તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ઇડીએ 6 મે, 2020ના રોજ કપૂર વિરૂદ્ધ વિગતવાર ચાર્જશીટ દાખલ કરી હતી.

યસ બેંક સાથે સંકળાયેલા અન્ય એક કેસમાં સીબીઆઇએ વાધવાન બંધુઓની ધરપકડ કરી હતી. રાણા કપૂરે 2004માં યસ બેંકની સ્થાપના કરી હતી અને તેઓે જાન્યુઆરી, 2019 સુધી બેંકના એમડી અને સીઇઓ હતાં. તેમના કાર્યકાળમાં કુલ 20,000 કરોડ રૂપિયાની લોન એનપીએ બની હતી.સીબીઆઇએ વાધવાન બંધુઓની અપ્રિલ મહિનામાં ધરપકડ કરી હતી. તપાસ એજન્સીઓ કપૂરના પરિવાર અને ડીએચએફએલના વાધવાન બંધુઓ વચ્ચે થયેલા વ્યવહારોની પણ તપાસ કરી રહી છે.  તપાસ એજન્સીઓએ આરોપ મૂક્યો છે કે ડીએચએફએલ વાધવાન બંધુઓને યસ બેંકમાંથી લોન આપવાના બદલામાં કપૂરના પરિવારને મોટી રકમની લાંચ મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here