શિક્ષણ : ધો.10ના માસ પ્રમોશનના નિર્ણય બાદ પોલીસી ક્યારે જાહેર થશે?

0
9

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ તમામ મર્યાદાઓ ઓળંગી ગયું હતું. ત્યારે રાજ્ય સરકારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. આ સિવાય અન્ય ધોરણો તથા કોલેજોમાં પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે હવે સરકારે ધોરણ 10 પછી આગળના ધોરણમાં પ્રવેશ આપવા અને પરિણામ તૈયાર કરવા માટે તજજ્ઞોની કમિટીની રચના કરી હતી. આ કમિટીની માસ પ્રમોશનની જાહેરાતથી લઈને આજ સુધીમાં માત્ર એક જ મીટિંગ મળી છે. હવે આગામી 7 જુનથી નવું સત્ર શરુ થશે તો પ્રવેશ અને પરિણામની પોલીસી ક્યારે જાહેર થશે તે અંગે સ્કૂલો અને વાલીઓમાં મુંઝવણ પેદા થઈ છે.

વિદ્યાર્થીઓને પ્રવેશ તો મળશે કે કેમ તે મોટી મુંઝવણ
ઉતાવળે લીધેલા માસ પ્રમોશનના નિર્ણય બાદ પોલીસી ક્યારે જાહેર થશે એતો હજી નક્કી નથી. ત્યારે હોંશિયાર વિદ્યાર્થીઓને 11 સાયન્સમાં અન્યાય તો નહી થાય ને અને સારી સ્કૂલોમાં જે સ્કૂલ સિવાયની અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવેશ તો મળશે કે કેમ તે મોટી મુંઝવણ છે. સ્કૂલો ચાલી જ નથી અને ઓનલાઈન શિક્ષણ સાથે 8 શહેરોમાં પ્રથમ પરીક્ષા પણ યોગ્ય રીતે થઈ નથી ત્યારે કઈ રીતે પરિણામ આપવુ તે મોટો પ્રશ્ન છે. પરિણામ માટે ધો.10ના કયા માપદંડો ગણવા? ધો.8 અને 9ના પરિણામને માપદંડ ગણવા કે નહિ તે સહિતના અનેક પ્રશ્નો છે.

સરકારે તજજ્ઞાોની કમિટી તો રચી દીધી છે પરંતુ હજુ સુધી માસ પ્રમોશન પોલીસી નક્કી નથી થઈ ( પ્રતિકાત્મક તસવીર)

હજુ સુધી માસ પ્રમોશન પોલીસી નક્કી નથી થઈ
આ મુદ્દે સરકારે તજજ્ઞાોની કમિટી તો રચી દીધી છે પરંતુ હજુ સુધી માસ પ્રમોશન પોલીસી નક્કી નથી થઈ શકી. કમિટીની એક મીટિંગ મળી ગઈ છે અને હજુ બીજી મીટિંગ મળવાની છે. ત્યારબાદ કમિટી સૂચનો સાથેનો પોલીસી ડ્રાફટ રીપોર્ટ સરકારને સોંપશે અને ત્યારબાદ સરકાર ધો.10ના પરિણામ માટેના નિયમો જાહેર કરશે અને ત્યારબાદ ધો.10ના 8.37 લાખ વિદ્યાર્થીઓની માર્કશીટો પ્રિન્ટ થશે અને જે સ્કૂલોમા વિતરણ થશે અને ત્યારબાદ ધો.11મા વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે.

કેટલીક સ્કૂલોએ ધોરણ 11માં પ્રવેશ પ્રક્રિયા શરુ કરી
હાલ ઘણી સ્કૂલોએ ધો.11 પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે તો વાલીઓ પણ ધો.11ના પ્રવેશને લઈને રાહ જોઈ રહ્યા છે.પરંતુ કઈ રીતે પ્રવેશ અપાશે અને ખાસ કરીને ધો.11 સાયન્સમાં કઈ રીતે પ્રવેશ મળશે તેમજ હોંશિયાર વિદ્યાર્થીઓને અન્યાય તો નહી થાય ને અને બહારના વિદ્યાર્થીઓને સારી સ્કૂલમાં પ્રવેશ મળશે કે કેમ તે સહિતની અનેક મુંઝવણો વાલીઓમાં છે.

કેટલીક સ્કૂલોએ તો ધોરણ 11માં પ્રવેશ પ્રક્રિયા શરુ કરી દીધી ( ફાઈલ ફોટો)

ગુજકેટની પરીક્ષાના ફોર્મ પણ ભરાયા નથી
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરાયેલી તારીખ મુજબ આગામી 24મી જુને ગુજકેટ લેવામા આવનાર છે અને 12 સાયન્સની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા 1લી જુલાઈથી શરૃ થનાર છે.આમ આ વર્ષે પ્રથમવાર મુખ્ય બોર્ડ પરીક્ષા ગુજકેટ લેવાશે તેવુ લાગી રહ્યુ છે. જો કે હજુ સુધી ગુજકેટ માટે બોર્ડ દ્વારા ઓનલાઈન ફોર્મ જ ભરવામા આવ્યા નથી અને સરકારે 1લી જુલાઈથી બોર્ડ પરીક્ષા ગોઠવતા ગુજકેટ પાછી ઠેલાઈ શકે છે. પરંતુ બોર્ડ દ્વારા હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.

ધોરણ 1થી 10માં એક માસનો બ્રિજ કોર્સ કરવો પડશે
રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક રહી છે. આ લહેરમાં સૌથી વધુ લોકોના મોત નીપજ્યાં છે. આ સમયમાં સરકારે 10 મા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. પરંતુ હવે આ નિર્ણયને કારણે ધોરણ 1થી 10ના વિદ્યાર્થીઓને ફરીવાર એક નવો કોર્સ કરવો પડશે.રાજ્યમાં 7 જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષ સાથે ધો.1થી 10ના વિદ્યાર્થીઓ માટે એક માસનો બ્રિજ કોર્સ શરૂ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ જે ધોરણમાં ભણતા હોય તેના પાછલા ધોરણના અભ્યાસક્રમને સમાવી બ્રિજ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. બ્રિજ કોર્સ માટેનું સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે.

ધો.6થી 10ના વિદ્યાર્થીઓએ અલગ નોટબુક બનાવવાની રહેશે ( ફાઈલ ફોટો)
0

ધો.6થી 10ના વિદ્યાર્થીઓએ અલગ નોટબુક બનાવવાની રહેશે
ધો.1થી 5ના વિદ્યાર્થીઓએ આ મટિરિયલમાં લેખન કાર્ય કરવાનું રહેશે તેમજ ધો.6થી 10ના વિદ્યાર્થીઓએ અલગ નોટબુક બનાવવાની રહેશે. વિદ્યાર્થીઓ દ્વારા લેખન કાર્ય કરેલા બ્રિજકોર્સ સાહિત્યની શિક્ષક દ્વારા કાર્યક્રમ પૂર્ણ થયેથી ચકાસણી કરવામાં આવશે. જેથી શિક્ષકો વિદ્યાર્થીઓના લર્નિંગ લેવલ તેમજ તેઓએ અભ્યાસ કરેલી બાબતો જાણી શકે અને તે માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકે. ધો.1માં જૂન 2021થી પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે શાળા તત્પરતા સાહિત્ય તૈયાર કરવામાં આવેલ છે. ધો.1ના બાળકોને વાલી તથા શિક્ષકની મદદથી આ અધ્યયન કાર્યમાં જોડવાના રહેશે.

રાજ્યમાં 7 જૂનથી નવુ શૈક્ષણિક સત્ર શરૂ થશે ( ફાઈલ ફોટો)

રાજ્યમાં 7 જૂનથી નવુ શૈક્ષણિક સત્ર શરૂ થશે
રાજ્યમાં 7 જૂનથી નવુ શૈક્ષણિક સત્ર શરૂ થશે. રાજ્ય સરકાર દ્વારા આ નવા શૈક્ષણિક સત્રમાં શરૂઆતમાં એક માસ દરમિયાન જ્ઞાનસેતુ સાહિત્યનું અધ્યયન કાર્ય કરાવવામાં આવશે. જૂન-2021થી વિદ્યાર્થીઓ જે ધોરણમાં પ્રવેશ મેળવશે તે ધોરણના પુર્વના એટલે કે પાછળના ધોરણનો અભ્યાસક્રમ બ્રિજ કોર્સ સ્વરૂપે તેમજ ચાલુ વર્ષના ધોરણના અભ્યાસક્રમને સમજવા સંબંધિત ધોરણના લર્નિંગ આઉટકમની સમજનો સમાવેશ કરી બ્રિજકોર્સ ક્લાસરેડીનેસ જ્ઞાનસેતુ સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here