કેબિનેટની બેઠકમાં નિર્ણય : ગુજરાતમાં દિવાળી પછી શાળામાં શૈક્ષણિક કાર્યનો આરંભ થઈ જશે.

0
11

કોવિડ-19ને કારણે રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલો માર્ચ-2020થી બંધ કરવામાં આવી હતી. છેલ્લા 7 મહિનાથી બંધ કરાયેલી સ્કૂલો ફરીથી ચાલુ કરવા માટે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં દિવાળી પછી સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય આરંભવાનો નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું હતું કે, પ્રથમ માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલો ચાલુ કરવાની વિચારણા છે, આમ છતાં આરોગ્ય વિભાગ સાથે પરામર્શ કર્યા પછી અંતિમ નિર્ણય લેવાશે.

એક્શન પ્લાન તૈયાર કરાશે

રાજય કેબિનેટની ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્કૂલો ચાલુ કરવાના મુદ્દે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સહિતના મંત્રીઓએ તેમના અભિપ્રાયો આપ્યા હતા. છેવટે માર્ચ-2020થી બંધ કરાયેલી સ્કૂલો ફરી વખત ચાલુ કરવા માટે કેબિનેટે મંજૂરી આપી હતી. જો કે, કોવિડ-19થી હજુ સુધી સંપૂર્ણપણે મુકિત મળી ન હોવાથી શાળાઓ ચાલુ કરવા માટે કયા પ્રકારના નિયમો તૈયાર કરવા તેનું પહેલાં આયોજન કરવાનું નક્કી થયું હતું. આ પ્રમાણે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નિતીન પટેલ અને શિક્ષણમંત્રી સહિત ટોચના અધિકારીઓ સાથે એક બેઠક યોજાશે. આ બેઠકમાં શાળાઓ ચાલુ કરવા માટે કયા પ્રકારના નિયમોનું પાલન કરવાનું રહેશે, તેનો એક એક્શન પ્લાન તૈયાર કરાશે. આ એક્શન પ્લાનના પાલન સાથે શાળાઓ ચાલુ કરાશે તેમ મંત્રી ચુડાસમાએ જણાવ્યું હતું.

કઇ બાબતો વિશે નિયમો ઘડાશે

શાળાઓ ચાલુ કરતાં પહેલાં માસ્ક,સોશિયલ ડિસ્ટન્સ,સેનિટાઇઝેશન જેવી બાબતોનું તો ફરજિયાત પાલન કરાશે. ઉપરાંત વિદ્યાર્થીઓ પીવાના પાણી-નાસ્તા બાબતે,બેઠક વ્યવસ્થા,એક રૂમમાં કેટલાં વિદ્યાર્થીઓનો સમાવેશ કરવો, બાકીના વિદ્યાર્થીઓની વ્યવસ્થા કઇ રીતે કરવી, ઓડ-ઇવન સિસ્ટમ ગોઠવવી કે પછી એક જ દિવસે સવારે-બપોરે તે રીતે વિદ્યાર્થીઓને બોલાવવા આ બાબતે વિચારણા થશે. આવી અનેક બાબતોનું પાલન કઇ રીતે કરવાનું થશે, તેની ગાઇડલાઇન આરોગ્ય વિભાગ સાથે પરામર્શ કર્યા પછી તૈયાર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here