રાજકોટ : લોકડાઉન : 2 ના આપઘાત : વૃદ્ધનો ગળેફાંસો ખાઇને આપઘાત, યુવાને ઝેરી ગોળીઓ ખાઇ ભર્યુ અંતિમ પગલુ

0
0

રાજકોટ. રાજકોટ શહેરના લોકડાઉને વધુ બે લોકોનો ભોગ લીધો છે. રાજકોટના લક્ષ્મીવાડીમાં રહેતા વૃદ્ધ અને ન્યુ સાગર સોસાયટીના દરજી યુવાનના મોત માટે લોકડાઉન નિમિત્ત બન્યું છે. વૃદ્ધ સતત ઘરમાં રહેવાથી કંટાળ્યા હતા અને યુવાનને લોકડાઉન ખુલવા છતાં દરજી કામની મજૂરી મળતી ન હોઇ આ પગલુ ભર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

ચાર-પાંચ દિવસથી વૃદ્ધ સતત ઘરના લોકોને પુછતા હતા કે, હવે લોકડાઉન ક્યારે ખુલશે? હવે હું કટાળી ગયો છું

રાજકોટના લક્ષ્મીવાડી કવાર્ટર નં-17 બ્લોક નં-3માં રહેતાં બેચરભાઇ જીવાભાઇ સોલંકી(ઉ.72) નામના કારડીયા રજપૂત વૃદ્ધે ઘરમાં છતના હુકમાં ટીવીનો કેબલ બાંધી ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પોલીસે જરૂરી કાર્યવાહી કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પોલીસ તપાસમાં ખુલ્યુ છે કે, આપઘાત કરનાર બેચરભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં મોટા હતા. સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. અગાઉ બેચરભાઇને પગના ગોળાનું ઓપરેશન કરાવ્યું હતું. લોકડાઉનને કારણે સતત તેમને ઘરમાં જ રહેવું પડ્યું હોવાથી કંટાળી ગયા હતાં. ચાર-પાંચ દિવસથી તેઓ સતત ઘરના લોકોને પુછતા હતાં કે, હવે લોકડાઉન ક્યારે ખુલશે? તેમજ હવે હું કટાળી ગયો છું. તેવું રટણ કરતા હતા. આ દરમિયાન રાત્રીના સમયે તેમણે અંતિમ પગલુ ભરી લીધું હતું. આ બનાવથી સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

દરજી યુવાને મોડી રાતે ઘઉંમા રાખવાની ઝેરી ટીકડીઓ ખાઇને આપઘાત કર્યો

બીજા બનાવમાં રાજકોટના કોઠારીયા રોડ ન્યુ સાગર સોસાયટીમાં રહેતાં નિલેષભાઇ હસમુખભાઇ સાંચલા(ઉ.35) નામના દરજી યુવાને મોડી રાતે ઘઉંમા રાખવાની ઝેરી ટીકડીઓ ખાઈ લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જેથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. હોસ્પિટલ ચોકીના રામસિંહભાઇ વરૂએ ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.

લોકડાઉનને કારણે આર્થિક ભીંસ ઉભી થઇ થતાં યુવાને અંતિમ પગલુ ભર્યું

પોલીસ તપાસમાં ખુલ્યુ છે કે, આપઘાત કરનાર નિલેષભાઇ બે ભાઇમાં નાના અને અપરિણીત હતાં. તે માતા જસવંતિબેન, પિતા હસમુખભાઇ પ્રભુદાસ સાંચલા તથા ભાઇ સહિતના પરિવારની સાથે રહેતાં હતાં અને ધર્મેન્દ્ર રોડ પર ડી.એન. ટેઇલર્સ નામે રેડીમેઇડ કપડાના રિપેરીંગનું છૂટક કામ ભાડાની દૂકાનમાં કરતાં હતાં. લોકડાઉનને કારણે આર્થિક ભીંસ ઉભી થઇ હતી અને ખુલ્યા પછી પણ મજૂરી કામ જામતું ન હોઇ કંટાળી જતાં તેણે ઝેરી દવા પી લીધી હતી. તેમ તેમના સ્વજનોએ કહ્યું હતું. બંને બનાવમાં ભકિતનગરના એએસઆઇ નરેન્દ્રભાઇ ભદ્રેચા (ખારવા)એ જરૂરી કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here