ચૂંટણીપંચની પ્રેસ-કોન્ફરન્સ આજે : બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે, મધ્યપ્રદેશની 28 બેઠક પર પણ પેટાચૂંટણીની જાહેરાત શક્ય

0
5

ચૂંટણીપંચ આજે બપોરે 12.30 વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ કરી રહ્યું છે, જેમાં બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે, સાથે જ મધ્યપ્રદેશમાં 28 બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત પણ થઈ શકે છે. 243 સભ્યની વિધાનસભાનો કાર્યકાળ 29 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. ગત મહિને સુપ્રીમકોર્ટે કોરોનાને કારણે બિહાર ચૂંટણી ટાળવા અંગે કરવામાં આવેલી અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે કોરોનાને કારણે રાજ્યની ચૂંટણીને ટાળી ન શકાય. કોર્ટ ચૂંટણીપંચને આદેશ ન આપી શકે. ગત વખતે 5 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. કોરોનાને કારણે આ વખતે 2થી 3 તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે.

2015માં સાથે લડ્યા હતા RJD અને JDU

2015ની ચૂંટણીમાં RJD, JDU અને કોંગ્રેસે સાથે મળીને મહાગઠબંધન બનાવ્યું હતું. આ ગઠબંધનને 178 બેઠક મળી હતી, પરંતુ દોઢ વર્ષ પછી જ નીતીશ મહાગઠબંધનથી અલગ થઈને NDAમાં ચાલ્યા ગયા. આ ચૂંટણીમાં NDAમાં ભાજપ, LJP અને હમ(સેક્યુલર) સાથે JDU પણ છે, સાથે જ ગત ચૂંટણીમાં NDAનો ભાગ રહી ચૂકેલી રાલોસપા મહાગઠબંધન સાથે છે.

2019 લોકસભા ચૂંટણીમાં 223 વિધાનસભા બેઠક પર આગળ હતી NDA

2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં બિહારની 40માંથી 39 બેઠક NDAને મળી હતી, માત્ર એક બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જીતી હતી. લોકસભાનાં પરિણામોને જો વિધાનસભા ક્ષેત્રના હિસાબથી જોવામાં આવે તો NDA 223 સીટથી આગળ હતી, જેમાંથી 96 બેઠક પર ભાજપ તો 92 બેઠક પર JDU આગળ હતી. LJP 35 બેઠક પર આગળ હતી. એક બેઠક જીતનાર મહાગઠબંધન વિધાનસભાને ધ્યાનમાં રાખતા 17 બેઠક પર આગળ હતું, જેમાં 9 બેઠક પર RJD, 5 પર કોંગ્રેસ, બે પર હમ(સેક્યુલર) જે હવે NDAનો ભાગ છે અને એક બેઠક પર રાલોસપા આગળ હતી. અન્ય દળોમાં બે વિધાનસભા ક્ષેત્રમાં AIMIM અને એક પર CPI ML આગળ હતી.

મુખ્યમંત્રીપદના દાવેદાર

નીતીશ કુમારઃ 2010ની ચૂંટણીમાં નીતીશ NDA તરફથી તો 2015માં મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રીપદનો ચહેરો હતા. આ વખતે ફરી તેઓ NDA તરફથી CM પદનો ચહેરો હશે. છેલ્લાં 15 વર્ષથી રાજ્યમાં નીતીશની પાર્ટી સત્તામાં છે, જેમાં 14 વર્ષથી વધુ નીતીશ જ મુખ્યમંત્રી રહ્યા છે.

તેજસ્વી યાદવઃ મહાગઠબંધન તરફથી આ વખતે તેજસ્વી યાદવ ચહેરો બની શકે છે. લાલુ યાદવના જેલમાં ગયા પછી મહાગઠબંધનની સૌથી મોટી પાર્ટી RJDનો ચહેરો તેજસ્વી જ છે. તાજેતરમાં જ RJDના પાર્ટી કાર્યાલયની બહારથી ચૂંટણી સાથે જોડાયેલું જે પોસ્ટર લગાડવામાં આવ્યું છે એમાં માત્ર તેજસ્વી જ જોવા મળી રહ્યા હતા. પાર્ટી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવનો ચહેરો પોસ્ટરમાંથી ગાયબ છે.

ચૂંટણીમાં મહત્ત્વના મુદ્દા

કોરોનાઃ કોરોના વચ્ચે યોજાઈ રહેલી ચૂંટણીમાં કોરોના મહત્ત્વનો મુદ્દો હશે. તેજસ્વી યાદવ કોરોના અંગે સતત સરકાર પર હુમલો કરી રહ્યા છે. કોરોનાકાળમાં નીતીશ કુમારના ઘરની બહાર ન નીકળવાને પણ તેમણે મુદ્દો બનાવ્યો છે. સાથે જ નીતીશ તરફથી સરકાર દ્વારા છેલ્લા છ મહિનામાં લેવામાં આવેલાં પગલાંને પણ ગણાવાઈ રહ્યાં છે.

ખેડૂત અને ખેતીઃ કેન્દ્ર સરકારના કૃષિ સાથે જોડાયેલાં બે નવાં બિલ પણ આ ચૂંટણીમાં મોટો મુદ્દો હશે.

બેરોજગારીઃ RJD બેરોજગારીના મુદ્દાને સતત ઉઠાવી રહી છે. વડાપ્રધાનના જન્મદિવસને RJDએ રાષ્ટ્રીય બેરોજગારી દિવસ તરીકે ઊજવ્યો હતો. નીતીશ સરકારે લોકડાઉન દરમિયાન બિહાર પાછા આવેલા પ્રવાસીઓને બિહારમાં જ રોજગારી આપવાનો દાવો કર્યો હતો.

વિકાસઃ JDU અને ભાજપ જ્યાં ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલાં કામોને ગણાવી રહ્યા છે. તો RJD છેલ્લાં 15 વર્ષમાં કરવામાં આવેલા વિકાસના દાવાને સતત પડકારી રહ્યા છે.

પ્રવાસી મજૂરઃ લોકડાઉન દરમિયાન બિહાર પાછા આવેલા પ્રવાસી મજૂરોનો મુદ્દો પણ આ ચૂંટણીમાં મહત્ત્વનો હશે. સરકાર જ્યાં તેમને રાજ્યમાં જ દરેક શક્ય મદદ કરવાની વાત કરી રહી છે. ત્યાં જ વિપક્ષ પ્રવાસીઓ માટે યોગ્ય વ્યવસ્થા ન કરવા માટે સવાલ કરી રહ્યો છે.

રામમંદિરઃ છેલ્લાં 30 વર્ષથી ચૂંટણી મુદ્દો રહી ચૂકેલું રામ મંદિર આ વખતે પણ મહત્ત્વનો મુદ્દો રહેશે. ફરક માત્ર એટલો હશે કે આ વખતે ભાજપ તેના શિલાન્યાસને પોતાની મહત્ત્વની સિદ્ધિ તરીકે ગણાવશે.

ચૂંટણીપ્રચારના ચહેરા

નરેન્દ્ર મોદીઃ ભાજપે 2013માં નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા પછી દરેક ચૂંટણીમાં મોદી જ ભાજપ માટે પ્રચારનો મુખ્ય ચહેરો રહ્યા છે. તેમની રેલીઓ ભાજપના પક્ષમાં માહોલ બનાવવા માટેની રીત છે. આ વખતે મોટી રેલીઓ થવી મુશ્કેલ છે. એવામાં મોદીની વર્ચુઅલ રેલીઓ વોટર્સ પર કેટલી અસર કરે છે એ જોવાનું રહેશે.

નીતીશ કુમારઃ JDU અને એ પહેલાં મમતા પાર્ટીના સમયથી જ નીતીશ દરેક ચૂંટણીપ્રચારમાં પાર્ટીનો સૌથી મોટો ચહેરો રહ્યા છે. આ ચૂંટણીમાં NDA ગઠબંધન તેમના ચહેરા પર ચૂંટણી લડશે.
તેજસ્વી યાદવઃ ચૂંટણી રાજકારણમાં લગભગ પાંચ વર્ષનો અનુભવ ધરાવતા તેજસ્વી યાદવના હાથમાં આ વખતના ચૂંટણીપ્રચારની કમાન હશે. RJDની રચના પછી આ પહેલી વિધાનસભા ચૂંટણી હશે, જ્યારે પાર્ટી લાલુ વગર લડશે.

રાહુલ ગાંધીઃ રાહુલ ગાંધી ભલે કોંગ્રેસ-અધ્યક્ષ નથી, પણ ચૂંટણીપ્રચારમાં તે કેટલા સક્રિય રહે છે એની પર નજર રહેશે. પ્રિયંકા ગાંધીના ચૂંટણીપ્રચાર પર પણ બધાની નજર રહેશે. કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયતને ધ્યાનમાં રાખીને પાર્ટી રાહુલ અને પ્રિયંકાના આગળ કરી શકે છે.

ચિરાગ પાસવાનઃ LJP અધ્યક્ષ ચિરાગ પાસવાન ચૂંટણીપ્રચારમાં પોતાની પાર્ટીનો સૌથી મોટો ચહેરો હશે. NDA યુવાનો અને દલિતોને લોભાવવા માટે તેમનો ઉપયોગ કરી શકે છે. જોકે પાસવાન અને તેમની પાર્ટી તરફથી જે પ્રકારની બેઠકો અંગે નિવેદન આવી રહ્યાં છે એનાથી નક્કી છે કે NDAમાં બેઠકોની વહેંચણી એટલી સરળ નહીં હોય.

બિહારઃ 2015માં કોને કેટલી બેઠકો મળી

પાર્ટી બેઠકો વોટ શેર(%)
RJD 80 18.8
JDU 71 17.3
ભાજપ 53 25
કોંગ્રેસ 27 6.8
અપક્ષ 4 9.6
અન્ય 8 22.5
કુલ બેઠકો 243

 

મધ્યપ્રદેશઃ માર્ચમાં કોંગ્રેસ સરકાર પડી હતી

મધ્યપ્રદેશમાં 15 મહિના ચાલેલી કમલનાથ સરકાર આ વર્ષે માર્ચમાં પડી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક 22 કોંગ્રેસ ધારાસભ્યનાં વિધાનસભાના સભ્યપદ પરથી રાજીનામાં આપીને તેઓ ભાજપમાં જોડાયા હતા. બે ધારાસભ્યનું નિધન થઈ ગયું હતું.

વિધાનસભાની સ્થિતિ

પાર્ટી બેઠકો
ભાજપ 107
કોંગ્રેસ 88
બસપા 2
સપા 1
અપક્ષ 88
ખાલી બેઠકો 28
કુલ બેઠકો 230

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here