બંગાળ સહિત 5 રાજ્યોની ચૂંટણી તારીખોની જાહેરાત થશે

0
6

ચૂંટણી પંચની પત્રકાર પરિષદ શરૂ થઈ ગઈ છે. તેમા 5 રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે. આ રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીનો સમાવેશ થાય છે. આ પૈકી આસામમાં અત્યારે ભાજપની સરકાર છે.

પશ્ચિમ બંગાળમાં 294 વિધાનસભા બેઠકો પર યોજાશે ચૂંટણી

રાજ્યમાં હાલમાં તૃણમૂલ કોંગ્રેસનું શાસન છે. 2016ની ચૂંટણીમાં TMCએ 211 બેઠકો જીતી હતી. ડાબેરી અને કોંગ્રેસનું ગઠબંધન 76 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું. રાજ્યમાં આ વખતે સમગ્ર તાકાત લગાવી રહેલા ભાજપ માત્ર 3 સીટ જ મેળવી શક્યું હતું. અન્યનાં ખાતાંમાં 4 બેઠક આવી હતી.

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 42માંથી 28 સીટ જીતી હતી. એટલા માટે વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ સમગ્ર તાકાત લગાવી દીધી છે. આ વખતે ચૂંટણી TMC વી. BJP થઈ ગઈ છે. અહીં કોંગ્રેસ, ડાબેરીઓ અને ભારતીય સેક્યુલર મોરચા વચ્ચેનું જોડાણ નિશ્ચિત છે. ફુરફુરા શરીફના ભારતીય સેક્યુલર મોરચાને 30 બેઠક આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 6થી 7 તબક્કામાં મતદાન યોજાઇ શકે છે.

આસામમાં 126 બેઠક પર ચૂંટણી યોજાશે

ગત વખતે એટલે કે વર્ષ 2016માં અહીં ભાજપની સરકાર બની હતી. તેને 86 બેઠક મળી હતી. કોંગ્રેસને 26 બેઠક મળી અને એઆઈયુડીએફને 13 બેઠક મળી હતી. અન્ય પાસે 1 બેઠક હતી.

તામિલનાડુમાં 234 વિધાનસભા બેઠક

અહીં 134 બેઠક જીતીને AIDMK ગઠબંધને સરકાર બનાવી હતી. ડીએમકે અને કોંગ્રેસ ગઠબંધનને 98 બેઠક મળી હતી.

કેરળમાં 140 બેઠકો પર સંગ્રામ

દેશમાં લેફ્ટનો છેલ્લો ગઢ બનેલા કેરળમાં 140 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. અહીં લેફ્ટ પાર્ટીઓ અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર છે. લેફ્ટની 91 અને કોંગ્રેસની 47 બેઠક છે. ભાજપ અને અન્યના ખાતામાં 1-1 બેઠક છે.

પુડુચેરીમાં 30 વિધાનસભા બેઠકો

પુડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશની 30 બેઠક છે. અહીં વિધાનસભામાં 3 નામાંકિત સભ્યો હોય છે. અત્યારસુધીમાં કોંગ્રેસ ગઠબંધનની સરકાર હતી, પરંતુ ગયા અઠવાડિયે જ ઘણા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી દીધી હતી, જે કારણે સરકાર પડી ગઈ હતી. CM નારાયણસામીને રાજીનામું આપવું પડ્યું હતું. હાલમાં અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.

2016માં કોંગ્રેસે અહીં 19 બેઠક જીતી હતી. AINRC, AIADMKએ 4-4 બેઠક જીતી હતી. ભાજપના 2 નામાંકિત સભ્યો હતા. ગત સપ્તાહે કોંગ્રેસના 7 સભ્યએ રાજીનામું આપી દીધાં હતાં, જેથી અહીંની સરકાર પાસે માત્ર 12 ધારાસભ્ય જ બચ્યા હતા અને ફ્લોર ટેસ્ટમાં કોંગ્રેસ બહુમત સાબિત કરી શકી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here