મહેસાણા : દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની 15મી જાન્યુઆરીએ ચૂંટણી.

0
3

દૂધસાગર ડેરીમાં ચૂંટાયેલા સભ્યોની વ્યવસ્થાપક સમિતિની પ્રથમ બેઠક 15મી જાન્યુઆરીએ ડેરીના સભાખંડમાં યોજાશે. જેમાં પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી કરવામાં આવશે. ચૂંટણી અંગેની તમામ કાર્યવાહી માટે અધ્યાસી અધિકારી તરીકે વિસનગર પ્રાંત અધિકારીની નિયુક્તિનો હુકમ જિલ્લા કલેકટર એચ.કે. પટેલ દ્વારા કરાયો છે.

ડેરીમાં પાંચ વર્ષની મુદત માટે ચૂંટાયેલા 15 સભ્યોમાંથી પ્રથમ અઢી વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેન નક્કી કરવા તા.15મીએ સવારે 10 વાગે ચૂંટાયેલા સભ્યોની બેઠક મળશે. 15 સભ્યો પૈકી 13 સભ્યો ભાજપ સમર્થિત પરિવર્તન પેનલના હોઇ ચેરમેન તરીકે અશોક ચૌધરીની વરણી નક્કી મનાય છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે પાટીદાર કે ઓબીસી સમાજને તક અપાશે.

સમિતિમાં ત્રણ નિયુક્ત સભ્યો

વ્યવસ્થાપક સમિતિમાં ચૂંટાયેલા 15 અને 5 નિયુક્ત સભ્યો જોગવાઇ મુજબ છે. જોકે, એનડીડીબી તથા મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. પાસેથી દૂધ સંઘે ધિરાણ મેળવેલું ન હોઇ પેટા નિયમ મુજબ તેમના પ્રતિનિધિની નિયુક્તિ થતી નથી. આમ, 15મીની બેઠકમાં 15 ચૂંટાયેલા સભ્યો તેમજ જિલ્લા રજિસ્ટ્રાર, દૂધસંઘના એમડી અને મિલ્ક ફેડરેશનના પ્રતિનિધિ મળી કુલ 18 સભ્યો હાજર રહેશે.