ચૂંટણી : 8મો કોંગી MLA પણ પારકું ધનઃ રાજ્યસભામાં ભાજપની ત્રણેય સીટ નક્કી, કોંગ્રેસમાં ભાગલા

0
4

ગાંધીનગર. પોતાના આઠ ધારાસભ્યોનાં રાજીનામાં બાદ લોહિયાળી બનેલી કોંગ્રેસમાં હવે મરણિયા જંગ શરુ થયા છે. શુક્રવારે બ્રિજેશ મેરજાનું પણ રાજીનામું પડતાં હવે રિસોર્ટ પોલિટિક્સ ચાલું થયું છે. શુક્રવારે જ આણંદ પાસેના એરિસ રિવરસાઇડ નામના એક રિસોર્ટમાં ભરતસિંહે પોતાના જૂથના ધારાસભ્યોને ભેગા કર્યાં છે. આ દસથી વધુ ધારાસભ્યોને ભરતસિંહ સોલંકીએ સોંગદ લેવડાવીને પોતાની તરફે જ રહેવા જણાવી દીધું છે. આ તમામ ધારાસભ્યો આમ પણ સોલંકીના સમર્થકો છે અને તેઓ રાજ્યસભાની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટ કરતાં ભરતસિંહની વફાદારીને વળગી રહેશે.

બે-ત્રણ દિવસ પહેલા એકડાના મત નક્કી થશે

હવે કોંગ્રેસનો એક જ ઉમેદવાર જીતશે અને આથી રાજ્યસભા ચૂંટણીમાં સ્પર્ધા કોંગ્રેસના જ બે ઉમેદવારો, શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી વચ્ચે રહી છે. હાઇકમાન્ડની પહેલી પસંદ શક્તિસિંહ ગોહિલ હોવાથી ભરતસિંહને હારનો સામનો કરવો પડે તેમ છે. આવા સંજોગોમાં ભરતસિંહે હવે પોતાનો દાવ ખેલ્યો છે. આ અગાઉ કોંગ્રેસની બેઠકમાં પણ હાઇકમાન્ડ તરફથી મળેલા હુકમ મુજબ પક્ષના ધારાસભ્યોએ વધુ એકડાના મત શક્તિસિંહને આપવાના રહેશે અને ત્યારબાદ ભરતસિંહને આપવાના રહે છે તેમ જણાવી દીધું છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે આ પ્રકારની કોઇ વાત નથી. કયા ધારાસભ્ય કોને એકડા આપશે તે ચૂંટણીના એક કે બે દિવસ પહેલાં જ નક્કી થશે અને તે વ્યૂહથી જ દર વખતે રાજ્યસભાની ચૂંટણી થાય છે.

ભરતસિંહ માટે હાઇકમાન્ડ સામે ફરીથી મોરચો મંડાશે 

કોંગ્રેસના એક મોટા નેતા કહે છે કે, અગાઉ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે રાજીવ શુક્લાનું નામ ઉમેદવાર તરીકે આવ્યું હતું ત્યારે વીસેક ધારાસભ્યોએ નારાજગી દર્શાવતા  હાઇકમાન્ડે નિર્ણય બદલી  ભરતસિંહને  બીજા ઉમેદવાર બનાવ્યા. હવે હાઇકમાન્ડે શક્તિસિંહને જીતાડવા જણાવતા ધારાસભ્યો ફરી નારાજ થશે, અને હાઇકમાન્ડની આજ્ઞા ઉથાપી પણ દે. ભરતસિંહને 20 જેટલા સભ્યોનો ટેકો છે.

શક્તિસિંહ જ પોતાના મતદાતા નક્કી કરશે, દિગ્ગજોને પસંદ

ભરતસિંહના આ પાવર પોલિટિક્સની સામે શક્તિસિંહ પોતાનો દાવ ખેલી લેશે. સૂત્રો જણાવે છે કે શક્તિસિંહ હાઇકમાન્ડ પાસે પોતાના મતદાતા ધારાસભ્યોની યાદી મોકલી તેમને મત આપવાનો મેન્ડેટ અપાવશે. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ઉપનેતા શૈલેશ પરમાર, દંડક અશ્વિન કોટવાળ, પૂંજા વંશથી માંડીને બાકીના તમામ સિનિયર ધારાસભ્યોના ગણીને 35થી 36 મત પોતે લેવાનો પ્રયત્ન કરશે.

શક્તિસિંહે પોતાના સભ્યોની જવાબદારી ઇન્દ્રનીલને સોંપી

શક્તિસિંહ ગોહિલે ઈન્દ્રનીલ રાજ્યુગુરુને ત્યાં ધારાસભ્યને ‘ક્વોરન્ટાઈન’ કરવાનો નિર્ણય કર્યો છે. ઈન્દ્રનીલ રાજ્યુગુરુએ પણ ધારાસભ્યો અને તેમની સાથે આવનારા ટેકેદારો માટે રાજકોટના નીલ સિટી ખાતે વ્યવસ્થા કરી રાખી છે. જ્યાં ગત મોડી સાંજે ધારાસભ્યોનું આગમન શરૂ થયું હતું. અત્રે એ પણ નોંધનીય છે કે, અહેમદ પટેલ જયારે ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી લડ્યા ત્યારે પણ ઈન્દ્રનીલ રાજ્યગુરુને ત્યાં ધારાસભ્યોને સાચવવામાં આવ્યા હતા.

  • ભાજપની સરકાર અને સરકારમાં બેઠેલાં કેટલાંક લોકો ધાકધમકી, લોભ લાલચ, સરકારમાં જોડાવાની ઓફર કરીને કે બ્લેકમેલ કરીને કોંગ્રેસના ધારાસભ્યોને રાજીનામું આપવા માટે મજબૂર કરી રહ્યાં છે. – અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ
  • કોંગ્રેસ ધાકધમકીથી બ્લેકમેલ કર્યાની વાત કરે છે, તો પછી તેઓ ફરિયાદ કેમ નોંધાવતા નથી. તેઓ ખોટી વાત દ્વારા ભાજપને બદનામ કરે છે. હતાશ કોંગ્રેસ પોતાના માણસોને જ સાચવી શકતી નથી. – જીતુ વાઘાણી, ગુજરાત ભાજપ પ્રમુખ
  • કોંગ્રેસનું નેતૃત્વ જ નિષ્ફળ છે, ઉમેદવારોની પસંદગીમાં વિરોધ ઊભો થયો અને આંતરિક જૂથબંધી ખુલ્લી પડી હતી. દિશા અને નીતિ વિહિન નેતૃત્વને કારણે કોંગ્રેસ વિખરાઇ ગઇ છે. – ભરત પંડ્યા, ભાજપ પ્રવક્તા
  • રાજીનામું આપીને અડધેથી મેદાન છોડી લોકોને દગો કરનારા લોકોને જાહેરમાં મેથીપાક ચખાડવો જોઇએ. – ગેનીબેન ઠાકોર, કોંગ્રેસ ધારાસભ્ય, વાવ