પાલનપુર : કોટડા ભાખરમાં દૂધ દોહવાનું મશીન ચાલુ કરતા વીજ કરંટ લાગવાથી 11 ગાયોના મોત.

0
12

પાલનપુર તાલુકાના કોટડા ભાખર ગામે સોમવારે ગાયો દોહતી વખતે મશીનમાં થયેલા શોર્ટ સર્કિટથી લોખંડની જાળીમાં કરંટ ઉતર્યો હતો. જ્યાં પશુપાલકના પગમાં પગરખાં હોવાથી તેઓ બચી ગયા હતા. જોકે, 11 ગાયોને ગરદનના ભાગેથી કરંટ શરીરમાં પ્રવેશી જતાં ગાયો તરફડીને મોતને ભેટી હતી. દુર્ઘટનાને પગલે યુ.જી.વી.સી.એલ, બનાસ ડેરી, દૂધ દોહવાનું મશીન બનાવતી કંપનીના અધિકારીઓ દોડી આવ્યા હતા. જેમણે બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પશુપાલક રામસુંગભાઈ કુણીયાએ આ અંગે દોહવાના મશીનની કંપની સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

11 ગાયોના મોત નિપજતા શોક

પાલનપુર તાલુકાના કોટડા ભાખર ગામે સોમવારે કરંટ લાગવાથી 11 ગાયોના મોત નિપજતાં સમગ્ર જિલ્લામાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી. આ અંગે જેમની ગાયો મૃત્યુ પામી છે એ પશુપાલક સમગ્ર ઘટનાનું વર્ણન કરતાં ભારે હૈયે જણાવ્યું હતુ કે, વહેલી સવારે નિત્યક્રમ મુજબ 5.25 કલાકે તબેલામાં ગયો હતો. જ્યાં 11 ગાયોના આંચળામાં દુધ દોહવાના મશીન લગાવ્યા હતા. અને 5.30 કલાક સુધીમાં 11 જેટલી ગાયો દોવાઇ ગઇ હતી. ચાર ગાયો દોહવાની બાકી હતી.

પગરખા હોવાથી મને અસર ન થઈઃ પશુપાલક

તે સમયે લોખંડની જાળી ઉપર ગાયો દોહવાના મશીનની ઇલેકટ્રીક મોટરમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતુ. જેનો કરંટ લોખંડની જાળી મારફતે હું ઉભો હતો તે જગ્યા સહિતમાં પ્રસર્યો હતો. મને પણ કરંટ લાગ્યો હતો. જોકે, મારા પગમાં પગરખાં હોવાથી અસર થઇ ન હતી. પરંતુ 11 ગાયો કે જેમની ગરદન ફરતે વાળેલું લોક લોખંડની જાળી સાથે જોડાયેલું હોવાથી અને ગાયોના આંચળ ધોવા માટે નીચે પાણી હોવાથી કરંટ ગાયોના ગરદનના ભાગેથી શરીરમાં પ્રવેશી જતાં ત્રણ- ચાર મિનિટમાં 11 ગાયો તરફડીને નીચે પડી ગઇ હતી. હૂં કંઇ સમજુ તે પહેલા સમગ્ર ઘટના ઘટી જતાં ગભરાહટમાં મશીનની સ્વિચ બંધ કરી હતી. અને તપાસ કરતાં 11 ગાયોના મોત નિપજ્યા હતા.

ગમાણમાં બાંધેલી જાળી મોતનું કારણ બની

આંચળમાંથી દૂધ કાઢવાના મશીનની મોટરમાં ખરાબી સર્જાઈ હતી અને તેનું આખું મિકેનિઝમ બગડ્યું હતું. વાયર શોટ થવાથી મશીન પર કરંટ આવ્યો અને જે એંગલ પર મશીન મૂક્યું હતું તેમાંથી કરંટ આગળ વધીને ગાયો જ્યાં બાંધેલી હતી તે તમામ જાળીમાં પ્રસરી ગયો હતો. એક પછી એક ગાયો તરફડીને મોતને ભેટી હતી.

કરન્ટ લાગવાથી કારણે મોત થયાનું પ્રાથમિક તારણ

અધિકારી આર.એન. મુઢે જણાવ્યું છેકે, દાંતીવાડા નાયબ ઇજનેરે 11 ગાયોના મૃત્યુ અંગે જાણકારી આપી હતી. જેથી હું સ્થળ તપાસે આવ્યો છું. પ્રથમ દૃષ્ટિએ આ ગાયના મૃત્યુ દૂધ દોહવાના મશીનથી થયેલા શોર્ટ સર્કિટના કારણે થયા હોવાનું જણાય આવે છે.

કંપનીએ મશીનમાં ફોલ્ટ થયો હોવાનું સ્વીકાર્યું

ગાયો દોહવાના મશીન બનાવતી વાનસુન કંપનીના અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમણે મશીનની તપાસ કર્યા બાદ મશીનની બોડીમાં શોર્ટ સર્કિટ થતા આ ઘટના બની છે. સવા લાખની કિંમતની એક ગાય એમ અગિયાર ગાયોનુ વળતર ચૂકવવામાં આવે અને કંપની સામે કાર્યવાહી કરવામાં આવે. : રામસૂંગભાઈ કુણીયા, પશુપાલક