વુહાન શહેરની ઇમેજ સુધારવા ચીન પ્રોપેગેન્ડામાં વ્યસ્ત, ટીવી સીરિઝથી માંડીને ઓપેરા શો દ્વારા પ્રચાર થઇ રહ્યો છે.

0
10

કોરોના મહામારીની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઇ. ત્યાંના મીટ માર્કેટમાંથી જ કોરોના વાઇરસ ફેલાયાની આશંકા છે. કેટલાક નિષ્ણાતોએ એવો આક્ષેપ પણ કર્યો કે વુહાનની લેબમાં વાઇરસ તૈયાર કરાયો હતો. આ સમાચારોથી દુનિયાભરમાં વુહાનની ઇમેજ ખરાબ થઇ. સાથે જ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની શાખને પણ બટ્ટો લાગ્યો. ચીન હવે વુહાનની નેગેટિવ ઇમેજ બદલવા મથી રહ્યું છે. તે માટે ત્યાંની સરકાર ટીવી, અખબાર અને ઇન્ટરનેટની મદદ લઇ રહી છે. સાથે જ ઘણી બિઝનેસ ઇવેન્ટ દ્વારા પણ વુહાનને બહેતર બતાવવા પ્રયાસ થઇ રહ્યો છે.

ચીન સરકારે 20 એપિસોડની એક ટીવી સીરિઝ બનાવડાવી છે, જેમાં વુહાનની જનતાએ કોરોના મહામારીનો કેવી રીતે સામનો કર્યો, ત્યાંના ડૉક્ટરો અને સરકારી તંત્રએ કોરોનાને કઇ રીતે હરાવ્યો તે બતાવાયું છે. ટીવી સીરિઝને વિશ્વસનીય બનાવવા તેમાં ચીનના ઘણા મોટા સ્ટાર્સ પાસે કામ લેવાયું છે. સરકારી નિયંત્રણ હેઠળના મોટા ભાગના મીડિયા હાઉસે પણ તાજેતરમાં વુહાનનાં ગુણગાન ગાતા કાર્યક્રમો દર્શાવ્યા છે.

નિષ્ણાતોનું માનવું છે કે તેમાં કોઇ શંકા નથી કે વુહાનના લોકોએ ગજબની સંઘર્ષક્ષમતા દેખાડી પરંતુ એ પણ એટલું જ મોટું સત્ય છે કે ચીન સરકારે ઘણી ભૂલો કરી, જેમાં મહામારીનો મોડેથી ખુલાસો અને લૉકડાઉન દરમિયાન અમાનવીય નિયમ-કાયદા ઘડવાની બાબત પણ સામેલ છે. લોકો તે ભૂલો સામે સવાલ ન ઉઠાવે તે માટે ત્યાંની સરકાર લોકોનું બ્રેઇન વૉશ કરવા પ્રયાસ કરી રહી છે.

ચીનનો દાવો- પર્યટકોને આવકારવા વુહાન ફરી તૈયાર છે

ચીનના કલ્ચર એન્ડ ટૂરિઝમ ડિપાર્ટમેન્ટે ડૉક્ટરોનાં વખાણ કરતો એક ઓપેરા શો સ્પોન્સર કર્યો છે. સાથે જ એવા ઘણા સમાચાર પુશ કરાયા કે જેમાં એવું જણાવાયું છે કે વુહાન પર્યટકોને આવકારવા તૈયાર છે. શહેરની કેટલીક હોસ્પિટલોએ પોતાની સુવિધાઓ વખાણવા વિદેશી એક્ઝિક્યુટિવ્સને આમંત્રિત કરવાનું શરૂ કરી દીધું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here