Sunday, November 28, 2021
Homeપ્રથમ ટેસ્ટ : ચોથા દિવસના અંતે ઇંગ્લેન્ડ 284/8, વેસ્ટ ઇન્ડીઝથી 170 રન...
Array

પ્રથમ ટેસ્ટ : ચોથા દિવસના અંતે ઇંગ્લેન્ડ 284/8, વેસ્ટ ઇન્ડીઝથી 170 રન આગળ, ક્રોલે-સિબલેએ ફિફટી મારી, ગેબ્રિયલે 3 વિકેટ લીધી

ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે સાઉથહેમ્પટનના રોઝ બાઉલ ખાતેની પ્રથમ ટેસ્ટ રોમાંચક સ્થિતિમાં છે. ચોથા દિવસના અંતે ઇંગ્લેન્ડે 8 વિકેટે 284 રન કર્યા છે. તે વેસ્ટ ઇન્ડીઝથી 170 રન આગળ છે. માર્ક વુડ 1 અને જોફરા આર્ચર 5 રને અણનમ છે. વેસ્ટ ઇન્ડીઝ માટે શેનોન ગેબ્રિયલે 3, જ્યારે રોસ્ટન ચેઝ અને અલઝારી જોસેફ 2-2, કેપ્ટન જેસન હોલ્ડરે 1 વિકેટ લીધી છે.

30 રનના ગાળામાં 5 વિકેટ ઝડપી વિન્ડિઝે વાપસી કરી

એકસમયે ઇંગ્લેન્ડ 249/3 મજબૂત સ્થિતિમાં હતું. જોકે તે પછી તેમણે 30 રનમાં 5 વિકેટ ગુમાવતા વિન્ડિઝે મેચમાં વાપસી કરી હતી. આ દરમિયાન બેન સ્ટોક્સ, ઝેક ક્રોલે, જોસ બટલર, ડોમિનિક બેસ અને ઓલી પોપ આઉટ થયા હતા.

દિવસની શરૂઆતમાં ઇંગ્લેન્ડના ટોપ ઓર્ડરે સારો દેખાવ કર્યો હતો. રોરી બર્ન્સ અને ડોમ સિબલેએ ઓપનિંગ વિકેટ માટે 72 રનની પાર્ટનરશિપ કરી હતી. બર્ન્સ રોસ્ટન ચેઝના શોર્ટ એન્ડ વાઇડ બોલમાં કટ કરવા જતા બેકવર્ડ પોઇન્ટ પર જોન કેમ્પબેલના હાથે કેચ આઉટ થયો હતો. બર્ન્સે 102 બોલની ઇનિંગ્સ દરમિયાન 5 ફોરની મદદથી 42 રન કર્યા હતા.

તેના આઉટ થયા પછી સિબલે અને ડેન્લીએ બીજી વિકેટ માટે 41 રન ઉમેર્યા હતા. સિબલેએ ટેસ્ટ કરિયરની પ્રથમ ફિફટી ફટકારતા 164 બોલમાં 4 ફોરની મદદથી 50 રન કર્યા હતા. ફિફટી માર્યા પછીના બોલે તે ગેબ્રિયલની બોલિંગમાં બોલ્ડ થયો હતો, પરંતુ તે નો-બોલ હોવાથી તેને જીવનદાન મળ્યું. જોકે તેના 2 બોલ પછી જ તે ગેબ્રિયલનો શિકાર થયો હતો.ડાઉન ધ લેગ કીપર ડાઉરિચે તેનો સરળ કેચ કર્યો હતો. ટૂંક સમયમાં જો ડેન્લી 29 રને ચેઝની બોલિંગમાં હોલ્ડર દ્વારા કેચ આઉટ થયો હતો.

ઝેક ક્રોલે અલઝારી જોસેફની બોલિંગમાં કોટ એન્ડ બોલ થયા પહેલા કરિયરની બીજી ફિફટી ફટકારતાં 127 બોલમાં 8 ફોરની મદદથી 76 રન કર્યા હતા. તે પછી જોસ બટલરે બેટ વડે નિરાશ કર્યા હતા. તે 9 રને જોસેફની બોલિંગમાં બોલ્ડ થયો હતો. જ્યારે બેન સ્ટોક્સ બીજી ઇનિંગ્સમાં પણ જેસન હોલ્ડરની બોલિંગમાં આઉટ થયેલ હતો. તે ગલીમાં શાઇ હોપ દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 79 બોલમાં 6 ફોરની મદદથી 46 રન કર્યા હતા.

વેસ્ટ ઇન્ડીઝને 114 રનની લીડ મળી હતી

વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ દાવમાં 318 રનમાં ઓલઆઉટ થયું હતું. તેમને 114 રનની લીડ મળી. વિન્ડિઝ માટે ઓપનર ક્રેગ બ્રેથવેટ અને વિકેટકીપર શેન ડાઉરિચે ફિફટી ફટકારતાં અનુક્રમે 65 અને 61 રન કર્યા હતા. ઓલરાઉન્ડર રોસ્ટન ચેઝે 47 અને એસ બ્રુક્સે 38 રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે 4, જેમ્સ એન્ડરસને 3, ડોમિનિક બેસે 2 અને માર્ક વુડે 1 વિકેટ લીધી હતી.

ટેસ્ટમાં 4000+ રન અને 150+ વિકેટ લેનાર ખેલાડીઓ

  • ગેરી સોબર્સ
  • જેક કાલિસ
  • ઇયાન બોથમ
  • કપિલ દેવ
  • ડેનિયલ વિટ્ટોરી
  • બેન સ્ટોક્સ

સ્ટોક્સે આ સિદ્ધિ 64 ટેસ્ટમાં મેળવી. તેનાથી ઓછી ટેસ્ટમાં આ માઇલસ્ટોન અચીવ કરનાર એકમાત્ર પ્લેયર ગેરી સોબર્સ (63 ટેસ્ટ) છે.

ક્રેગ બ્રેથવેટ સ્ટોક્સની બોલિંગમાં LBW થયો હતો. તેણે પોતાના કરિયરની 18મી ફિફટી ફટકારતા 125 બોલમાં 6 ફોરની મદદથી 65 રન કર્યા હતા. તેણે 2 વર્ષ પછી ટેસ્ટમાં ફિફટી મારી, છેલ્લે જુલાઈ 2018માં બાંગ્લાદેશ સામે મારી હતી. જ્યારે કીપર ડાઉરિચે પણ બેટ વડે શાનદાર ફોર્મ દાખવ્યું હતું. તેણે 115 બોલની ઇનિંગ્સ દરમિયાન 8 ફોર થકી 61 રન કર્યા હતા. અગાઉ 2017માં ઇંગ્લેન્ડના પ્રવાસે ડાઉરિચે 6 ઇનિંગ્સમાં 24 રન જ કર્યા હતા.

ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 204 રનમાં ઓલઆઉટ

ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં સાઉથહેમ્પટનના રોઝ બાઉલ સ્ટેડિયમ ખાતે 204 રનમાં ઓલઆઉટ થયું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો બેન સ્ટોક્સના નિર્ણયને વિરોધી કેપ્ટન જેસન હોલ્ડરે 6 વિકેટ ઝડપી ખોટો પુરવાર કર્યો હતો. એકસમયે 87 રનમાં 5 વિકેટ ગુમાવનાર ઇંગ્લિશ ટીમ માટે સ્ટોક્સે 43, જોસ બટલરે 35 અને રોરી બર્ન્સે 30 રન કર્યા હતા. જોકે તેઓ શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. વિન્ડિઝ માટે હોલ્ડર સિવાય શેનોન ગેબ્રિયલે 4 વિકેટ લીધી હતી.

ઇંગ્લેન્ડની પ્લેઇંગ 11: 1) રોરી બર્ન્સ 2) ડોમ સિબલે 3) જો ડેન્લી 4) ઝેક ક્રોલે 5) બેન સ્ટોક્સ (કેપ્ટન) 6) ઓલી પૉપ 7) જોસ બટલર (વિકેટકીપર) 8) ડોમ બેસ 9) જોફરા આર્ચર 10) જેમ્સ એન્ડરસન 11) માર્ક વુડ

વેસ્ટ ઇન્ડીઝની પ્લેઇંગ 11: 1) જોન કેમ્પબેલ 2) ક્રેગ બ્રેથવેટ 3) શામરહ બ્રુક્સ 4) શાઇ હોપ 5) જર્મેન બ્લેકવુડ 6) રોસ્ટન ચેસ 7) શેન ડાઉરિચ (વિકેટકીપર) 8) જેસન હોલ્ડર (કેપ્ટન) 9) અલઝારી જોસેફ 10) કેમર રોચ 11) શેનોન ગેબ્રિયલ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments