ઇંગ્લેન્ડે બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું, ત્રણ મેચની સીરિઝ 1-1ની બરાબરી પર

0
5

ઇંગ્લેન્ડે ત્રણ વનડે સીરિઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું છે. મેચમાં 3 વિકેટ ઝડપનાર જોફરા આર્ચર મેન ઓફ ધ મેચ બન્યો હતો. આ સાથે શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ છે. પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા 19 રને જીત્યું હતું. હવે સીરિઝની નિર્ણાયક વનડે 16 સપ્ટેમ્બરે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડમાં જ રમાશે.

2019ના વર્લ્ડ કપ પછીથી ઓસ્ટ્રેલિયાનો વનડેમાં રેકોર્ડ સારો રહ્યો નથી. ટૂર્નામેન્ટ બાદ તે 9માંથી માત્ર 3 મેચ જીત્યું છે અને 6માં હારનો સામનો કર્યો છે. આ સમયગાળા દરમિયાન, 5 કે તેથી વધુ મેચ રમનાર ટીમોમાં તેની જીતની ટકાવારી સૌથી ખરાબ છે.

લબુશેને અને ફિંચે ઇનિંગ્સ સંભાળી, પરંતુ જીતાડી શક્યા નહિ

  • બીજી વનડેમાં ઇંગ્લેન્ડે 232 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આના જવાબમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી નહોતી.
  • ડેવિડ વોર્નર સતત બીજી વનડે મેચમાં ફ્લોપ રહ્યો હતો. જોફરા આર્ચરની બોલિંગમાં 6 રને જોસ બટલરના હાથે કેચ આઉટ થયો હતો.
  • તે પછી માર્કસ સ્ટોઈનીસ પણ 9 રને પેવેલિયન ભેગો થયો હતો. તે પણ આર્ચરની બોલિંગમાં બટલરના હાથે કેચ આઉટ થયો હતો.

ઓસ્ટ્રેલિયાએ અંતિમ 8 વિકેટ 64 રનમાં ગુમાવી

  • કેપ્ટન આરોન ફિંચ (73) અને માર્નસ લબુશેન(48) એ ઇનિંગ્સને સંભાળી હતી.
  • બંનેએ ત્રીજી વિકેટ માટે 107 રનની ભાગીદારી કરી હતી, પરંતુ તે ટીમને જીતાડી શક્યા નહોતા.
  • આખી ટીમ 48.4 ઓવરમાં 207 રનમાં ઓલઆઉટ થઈ હતી. એક સમયે ટીમનો સ્કોર 2 વિકેટ પર 143 હતો, પરંતુ પછીના 64 રનમાં ટીમે 8 વિકેટ ગુમાવી દીધી હતી.
  • ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સ, જોફ્રા આર્ચર અને સેમ કરને 3-3 વિકેટ લીધી હતી. આદિલ રશીદે છેલ્લી વિકેટ લીધી હતી.

પાંચ ઇંગ્લિશ બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યા નહોતા

  • આ પહેલા ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી.
  • ટીમે 29 રનમાં 2 વિકેટ અને 117 રનમાં 5 વિકેટ ગુમાવી હતી.
  • ઓઈન મોર્ગને 42 અને જો રૂટે 39 રન કરીને ટીમને સન્માનજનક સ્થિતિ સુધી પહોંચાડી.
  • ટોમ કરને 37 અને આદિલ રાશિદે 35 રનનું ઉપયોગી યોગદાન આપ્યું.
  • ઓસ્ટ્રેલિયા માટે એડમ ઝામ્પાએ 3, મિશેલ સ્ટાર્કે 2, જ્યારે જોશ હેઝલવુડ, પેટ કમિન્સ અને મિશેલ માર્શે 1-1 વિકેટ લીધી.