બીજી ટેસ્ટ : પ્રથમ દિવસના અંતે ઇંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં: 207/3, ડોમિનિક સિબલે અને બેન સ્ટોક્સે ફિફટી મારી

0
0
  • સિબલે 86 અને સ્ટોક્સ 59 રને અણનમ, અનુક્રમે કરિયરની બીજી અને 22મી ફિફટી મારી
  • વિન્ડિઝ માટે રોસ્ટન ચેઝે 2 અને અલ્ઝારી જોસેફ 1 વિકેટ લીધી
  • રોરી બર્ન્સ 15, ઝેક ક્રોલે 0 અને જો રૂટ 23 રને આઉટ થયા

ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટમાં માન્ચેસ્ટર ખાતે મજબૂત સ્થિતિમાં છે. પ્રથમ દિવસના અંતે યજમાને 3 વિકેટે 207 રન કર્યા છે. ડોમિનિક સિબલે 86 રને અને બેન સ્ટોક્સ 59 રને અણનમ છે. બંનેએ અનુક્રમે કરિયરની બીજી અને 22મી ફિફટી મારી છે. તેમજ ચોથી વિકેટ માટે 309 બોલમાં 126* રનની ભાગીદારી કરી છે. વેસ્ટ ઇન્ડીઝ માટે રોસ્ટન ચેઝે 2 અને અલ્ઝારી જોસેફ 1 વિકેટ લીધી છે.

સિબલે 68 રને બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે હોલ્ડરે સેકન્ડ સ્લીપમાં તેનો સરળ કેચ છોડ્યો હતો. તેણે સતત બીજી ઇનિંગ્સમાં ફિફટી મારી છે. સાઉથહેમ્પટન ખાતે પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં 50 રન કર્યા હતા. સિબલે પહેલા ઇંગ્લેન્ડ તરફથી સતત બે ઇનિંગ્સમાં ઓપનર તરીકે એલિસ્ટર કૂકે 50+ સ્કોર કર્યો હતો. તેણે 2018માં ભારત સામે ઓવલમાં 71 અને 147 રન કર્યા હતા.

રોસ્ટન ચેઝ હેટ્રિક ચૂક્યો

  • દિવસની શરૂઆતમાં વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મહેમાન ટીમને પ્રથમ સફળતા જલ્દી મળી હતી. ઇંગ્લિશ ટીમે 29 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.
  • ઓફ સ્પિનર રોસ્ટન ચેઝે સતત બે બોલમાં બે વિકેટ લીધી હતી. લંચ પહેલાની છેલ્લી ઓવરમાં રોરી બર્ન્સ 15 રને ચેઝની બોલિંગમાં LBW થયો હતો. તે આઉટ થતા લંચ બ્રેક લેવામાં આવ્યો હતો.
  • બ્રેક પછી તરત પહેલા બોલે જ ઝેક ક્રોલે ગોલ્ડન ડક સાથે પેવેલિયન ભેગો થયો હતો. તે ચેઝની બોલિંગમાં લેગ સ્લીપમાં હોલ્ડરના હાથે કેચ આઉટ થયો હતો. આમ બે બોલમાં બે વિકેટ લઈને ચેઝ હેટ્રિક પર આવ્યો હતો, જોકે જો રૂટે તેને હેટ્રિક લેવા દીધી નહોતી.
  • રૂટ જોસેફના ફૂલ એન્ડ વાઇડ બોલમાં ડ્રાઈવ મારવા જતા કવર્સ પર હોલ્ડરના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 49 બોલમાં 2 ફોરની મદદથી 23 રન કર્યા હતા.

ઇંગ્લેન્ડે ટીમમાં ચાર ફેરફાર કર્યા

  • ઇંગ્લેન્ડની ટીમમાં ચાર ફેરફાર થયા છે. કેપ્ટન જો રૂટ, સેમ કરન, ક્રિસ વોક્સ અને સ્ટુઅર્ટ બ્રોડની વાપસી થઈ છે.
  • તેઓ જોઈ ડેન્લી, જોફરા આર્ચર, જેમ્સ એન્ડરસન અને માર્ક વુડની જગ્યાએ રમી રહ્યા છે. બીજી તરફ, વિન્ડિઝે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યા નથી.

ઇંગ્લેન્ડની પ્લેઇંગ 11: 1) રોરી બર્ન્સ 2) ડોમ સિબલે 3) ઝેક ક્રોલે 4) જો રૂટ  (કેપ્ટન) 5) બેન સ્ટોક્સ 6) ઓલી પૉપ 7) જોસ બટલર (વિકેટકીપર) 8) સેમ કરન 9) ક્રિસ વોક્સ 10) ડોમ બેસ 11) સ્ટુઅર્ટ બ્રોડ

વેસ્ટ ઇન્ડીઝની પ્લેઇંગ 11: 1) જોન કેમ્પબેલ 2) ક્રેગ બ્રેથવેટ 3) શામરહ બ્રુક્સ 4) શાઇ હોપ 5) જર્મેન બ્લેકવુડ 6) રોસ્ટન ચેસ 7) શેન ડાઉરિચ (વિકેટકીપર) 8) જેસન હોલ્ડર (કેપ્ટન) 9) અલ્ઝારી જોસેફ 10) કેમર રોચ 11) શેનોન ગેબ્રિયલ

આર્ચરને ડ્રોપ કરવામાં આવ્યો

ફાસ્ટ બોલર જોફરા આર્ચરે કોવિડ-19 બાયોસિક્યુરિટી પ્રોટોકોલ તોડતા તેને બીજી ટેસ્ટ માટેની ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો છે. તે સાઉથહેમ્પટનથી માન્ચેસ્ટર આવતા રસ્તામાં પોતાના ઘરે બ્રાઈટનમાં રોકાયો હતો. હવે 5 દિવસ સેલ્ફ આઇસોલેશનમાં રહેશે. તેમજ 2 વખત કોરોના ટેસ્ટ કરાવશે અને બંને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ ટીમ સાથે જોડાશે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે વિન્ડિઝની ટીમને આ અંગે જાણકારી આપી દીધી છે. આર્ચરે બોર્ડ દ્વારા રિલીઝ કરાયેલા સ્ટેટમેન્ટમાં માફી માગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here