ઈંગ્લેન્ડ : સ્માર્ટફોન ન હોવાથી મેકડોનલ્ડ્સના કર્મચારીએ આઉટલેટની અંદર આવવા ચોખ્ખી ના પાડી

0
0

સ્માર્ટફોન હોવો એ આજની ડિજિટલ લાઈફની સૌથી મોટી જરૂરિયાત બની છે, પરંતુ હજુ પણ કેટલાક લોકો છે જે સ્માર્ટફોનને બદલે ફીચર ફોનનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. સ્માર્ટફોન ન હોય તો તમે કેટલીક સુવિધાઓથી વંછિત રહી શકો છો પરંતુ શું આ કારણથી કોઈને રેસ્ટોરાંની બહાર કાઢી મૂકાય? ઈંગ્લેન્ડના મેકડોનલ્ડ્સના આઉટલેટમાં આવી શરમજનક ઘટના બની છે. 65 વર્ષના કોલિન નામના વ્યક્તિ પાસે સ્માર્ટફોન ન હોવાથી આઉટલેટના કર્મચારીએ તેમને એન્ટ્રી આપવાની ઘસીને ના પાડી દીધી. સોશિયલ મીડિયા પર આ ઘટના વાઈરલ થતાં યુઝર્સ મેકડોનલ્ડ્સની આવી પોલિસીની ટીકા કરી રહ્યા છે.

QR કોડ સ્કેન કર્યા વગર આઉટલેટમાં એન્ટ્રી નહિ
આ ઘટના ગયા અઠવાડિયાંની છે જેણે હાલ ચર્ચા જગાવી છે. ઈન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ પ્રમાણે, 43 વર્ષની વિકી તેના 65 વર્ષના પિતા કોલિન સાથે મેકડોનલ્ડ્સમાં ગઈ. વિકીને તો આઉટલેટમાં એન્ટ્રી મળી ગઈ પરંતુ તેના પિતાએ પાછું ફરવું પડ્યું. આઉટલેટના કર્મચારીએ કોલિનને કહ્યું કે ટ્રેક એન્ડ ટ્રેસ QR કોડ સ્કેન કરાવ્યા વગર તેઓ આઉટલેટમાં એન્ટ્રી લઈ શકશે નહિ.

કોલિન પાસે ફીચર ફોન હતો જેથી તેઓ QR કોડ સ્કેન કરી શક્યા નહિ અને આઉટલેટના બારણેથી તેમને પાછા ફરવાનો વારો આવ્યો. કોલિને ઘણો ટ્રાય કર્યો કે ગમે તે રીતે તેમના ફોનમાંથી QR કોડ સ્કેન થઈ જાય પરંતુ તે થયો નહિ.

પિતા-પુત્રી બંનેને ભૂખ લાગી હતી. વિકીએ મીલ ઓર્ડર કર્યો અને બંનેએ આઉટલેટની બહાર આવેલી બેન્ચ પર બેસી મીલ એન્જોય કર્યો. આ વાત બંને માટે દુખદ હતી.

વિકી તેના પિતા કોલિન સાથે
વિકી તેના પિતા કોલિન સાથે

કંપનીએ માફી માગી
સમગ્ર ઘટનાની જાણ થતાં કંપનીએ પિતા-પુત્રીની માફી માગી. પ્રવક્તાએ કહ્યું કે અમારા ગ્રાહકના ખરાબ અનુભવ માટે અમે દિલગીર છીએ. અમારી પોલિસીનું કર્મચારીએ ખોટી રીતે અમલીકરણ કર્યું છે. આવી ઘટના બીજી વાર ન બને તેનું ધ્યાન રાખવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here