હરિયાણાના યમુનાનગરમાંથી ઓનર કિલિંગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બહેનના પ્રેમ લગ્નથી નારાજ ભાઈઓએ તલવાર વડે જીજાની હત્યા કરી નાખી છે. આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે મૃતકની ઓળખ અભિષેક તરીકે કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે,અભિષેક અને રિશુના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા.
મળતી માહિતી મુજબ અભિષેક લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે યમુનાનગર આવ્યો હતો. તેની પત્ની રિશુના ભાઈઓને આ વાતની જાણ થઇ ગઇ. રિશુનો ભાઈ તેના કેટલાક મિત્રો સાથે અભિષેકને મળવા આવ્યો હતો અને તેના પર તલવારથી હુમલો કર્યો હતો. આ હુમલામાં અભિષેક અને તેના કેટલાક મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ અભિષેકનું મોત થયું હતું. અભિષેક છેલ્લા એક વર્ષથી જીરકપુરમાં રહેતો હતો. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. તેમજ અભિષેકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
આ ઘટનાને પગલે યમુનાનગર શહેરના SHO જગદીશ ચંદ્રાએ જણાવ્યું કે, અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે, રિશુનો ભાઈ તેના લગ્નની વિરુદ્ધ હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ તપાસ દરમિયાન હજુ ઘણા લોકોની પૂછપરછ કરવાની બાકી છે. જો આ મામલે અન્ય કોઈની સંડોવણી બહાર આવશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.