પર્યાવરણ : 40 વર્ષનું પ્રદૂષણ ફક્ત ત્રણ માસમાં નાબૂદ કરાયું

0
6

છેલ્લા એક વર્ષથી સમગ્ર દેશ કોરોના વાયરસની બિમારીથી જજૂમી રહ્યો છે, અને લોકડાઉનનો સામનો પણ દેશ કરી ચૂક્યુ છે. લોકડાઉનનો કારમો તબક્કો અલંગના શિપબ્રેકિંગ વ્યવસાયની આર્થિક બાબતોને ખરાબ રીતે અસરકર્તા રહ્યુ હતુ, પરંતુ પરોક્ષ રીતે તેનો ફાયદો પણ થયો છે.

હાથ ધરવામાં આવેલા સર્વે અનુસાર, લોકડાઉન દરમિયાન અલંગમાંથી છેલ્લા 40 વર્ષનું પ્રદૂષણ ફક્ત ત્રણ માસમાં નાબૂદ કરી શકાયુ છે.સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ ઇન્સ્ટીટ્યુટ (CSMCRI) અને એકેડમી ઓફ સાયન્ટિફિક એન્ડ ઇનોવેટિવ રીસર્ચ-ગાઝિયાબાદ દ્વારા વિશ્વના સૌથી મોટા શિપ રીસાયકલિંગ યાર્ડમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસના તારણમાં આવ્યુ છે કે, ઓવરઓલ એર ક્વોલિટી ઇન્ડેક્સ લોકડાઉનના તબક્કા દરમિયાન નોંધપાત્ર રીતે ઘટ્યુ છે.

ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી)ના વરિષ્ઠ પર્યાવરણ ઇજનેર અતુલ શર્માના જણાવ્યા પ્રમાણે, CSMCRI દ્વારા અલંગમાં પર્યાવરણ અંગે સંપૂર્ણ સ્કેનિંગ કરવામાં આવ્યુ હતુ, અને તેઓના તારણ મુજબ 40 વર્ષનું પ્રદૂષણ લોકડાઉનના 3 મહિના દરમિયાન નાબૂદ કરી શકાયુ છે. તેનો અર્થ થાય છે કે હંગામી પ્રદૂષણ કુદરતી ઇકોસીસ્ટમના માપદંડની મર્યાદામાં હોય છે.

જીએમબીના સીઇઓ અવંતિકાસિંઘના મતે, અલંગમાં નોંધપાત્ર રીતે પ્રદૂષણનું સ્તર ઘટ્યુ છે. જીએમબી દ્વારા વિકસીત કરવામાં આવેલી વેસ્ટ મેનેજમેન્ટ સીસ્ટમથી અલંગમાં શિપબ્રેકિંગ પ્રવૃત્તિથી થતી અસરો ઘટાડી શકાઇ હોવાનું અભ્યાસના ડેટા પરથી ફલિત થાય છે.

લોકડાઉન દરમિયાન પીએમ 2.5 અને એસપીએમના મુલ્યો ચાર ગણા ઘટ્યા હોવાનું અભ્યાસના તારણોમાં સામે આવ્યુ છે. પાંચ દિવસના સર્વે દરમિયાન, સર્વેની ટીમો દ્વારા હવા, દરિયાકાંઠાનું પાણી, દરિયાઇ કાંપ, માછલીઓ, હેવી મેટલના બાયોએક્યુમ્યુલેશનના સેમ્પલ લેવામાં આવ્યા હતા. રીપોર્ટમાં દરિયાકાંઠાના પાણીમાં પોષક પરિમાણોમાં નોંધપાત્ર સુધારો થયો છે. આ બાબત સાબિત કરે છે, કે માનવજાત અને વ્યાવસાયિક પ્રવૃત્તિમાં ઘટાડો થાય તો દરિયાકાંઠાના પર્યાવરણમાં સ્વ સુધારણાની બાબતો હોય છે.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં વ્યાવસાયિક પ્રવૃત્તિઓ બંધ હોય ત્યારે પર્યાવરણનું સ્તર કેવું હોય છે તેનો અભ્યાસ અમિત ચાંચાપરા, વસાવદત્તા, ગાૈરવકુમાર મહેતા, તૈરાનીપ્રસાદ સાહૂ, રવિકુમાર થોરાટ, સનક રાય, સૌમ્ય હલદર દ્વારા 12મી થી 16મી મે 2020 દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here