વાલોડ પાદર ફળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી વરસાદી પાણીના ભરાવાની સમસ્યા યથાવત છે. ગતરોજ રાત્રિથી શરૂ થયેલા વરસાદને કારણે પાણી ફરી સમસ્યા ઉદ્દભવી છે. આ અંગે ગ્રામ પંચાયતના સત્તાધીશો યોગ્ય કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે.
વાલોડમાં વરસાદ વરસતાં કસ્બા ફળિયા, કાઝી મહોલ્લા,નુરાની ફળિયું તથા પાદર ફળિયાનું સમગ્ર વરસાદી પાણી વરસાદી ગટરથી પાદર થઇ બસસ્ટોપ પરથી નદીમાં છોડવામાં આવે છે. પાદર ફળિયા વિસ્તારમાં વરસાદી ગટરો બની ત્યારથી લઇ આજદિન સુધી ત્રણ વર્ષનો સમયગાળો વીતી જવા છતાં કેટલીક ચેમ્બરો પર ઢાંકણો મુકવામાં આવ્યાં નથી. જેને પરિણામે ગટરોમાં કચરો જમા થતાં ઉપર વિસ્તારોમાંથી આવતો પાણી માર્ગ પર બહાર નીકળે છે, અને ભરાવો થતાં પાણીને લીધે માર્ગ પર જયા નઝર કરો ત્યાં સુધી પાણી જ દેખાય છે. પાદર ફળિયું બેટમાં ફેરવાઈ જાય છે.
સ્થાનિકો ગ્રામપંચાયતમાં જાણ કરતાં સફાઈ કર્મચારીઓ આવી કચરો કાઢી પાણીનો રસ્તો કરતાં માર્ગ પરથી પાણીનો ભરાવો ઓછો થાય છે. આ સમસ્યા છેલ્લા ત્રણ વર્ષોથી દેખા દે છે, ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક પગલાં લઇ વરસાદી પાણીના ભરવામાંથી મુક્ત કરે તે જરૂરી છે. આ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ થાય તે પહેલા પગલાં લેવા જરૂરી છે.
વાલોડમાં પાદર ફળિયામાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો.
પાણીની લાઇનમાં કચરો ભરાઇ જતા મોકાણ
વાલોડ ગ્રામ પંચાયત દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી કરી છે કે નહીં તે આ પાણી ભરાવા પરથી જોવા મળી રહી છે. વરસાદી પાણીની લાઈનમાં કચરો ભરાવાને કારણે જામ થતાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્દભવી છે તો શું ગ્રામ પંચાયત દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી કે નહીં તે એક પ્રશ્ન છે.