પોલીસ પણ ડરતી હતી તે પોપટીયા વાડમાં કેશુ બાપાએ કર્યો હતો લલકાર

0
60

ગુજરાતના દિગ્ગજ નેતા ગુજરાત જનસંઘ અને ભાજપના પાલક અને પોષક પૂર્વ મુખ્યમંત્રી આદરણીય કેશુબાપા આપણી વચ્ચે નથી રહ્યા. તેમના નિધનથી વ્યક્તિગત અને ગુજરાતમે મોટી ખોટ પડી છે. તેમના શાસનકાળ દરમિયાન ગુજરાતને ગુંડારાજમાંથી ગોકુળિયું બનાવી શાંતિ, સલામતી અને સંમૃધ્ધિ આપનાર કેશુબાપાનું મહત્વનું યોગદાન રહ્યું હતું.

ગુજરાતની રાજનીતિ મા સાચા ખેડૂત પ્રતિનિધિ અને ગામડાની ચિંતા કરનાર કેશુભાઈ પટેલ જનતાને, નર્મદા યોજના, ગોકુળિયું ગામ, 8 કિલોમીટરનો કાયદો, પેરીફેરી એક્ટ અને મફત વારિગૃહ વીજળી જેવી ગ્રામીણ અને કિસાન નીતિ માટે સદાય રહેશે.

બાપા તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. કેશુભાઈએ જાહેર અને રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. એટલું નહીં તેમણે અમદાવાદના ડોન લતિફના તેના હોમગ્રાઉન્ડ એવી પોપટીયાવાડમાં જઈ પડકાર્યો હતો.

ગુજરાતના રાજકારણના ભીષ્મ પિતામહ કહેવાતા કેશુભાઈ પટેલના નિધનથી ગુજરાતમાં મોટી રાજકીય ખોટ સાથે જ એક શૂન્યવકાશ પણ સર્જાયો છે. જનસંધથી લઈને ભાજપના મૂળિયા રાજકારણમાં ઊંડા ઉતારવામાં કેશુબાપાનો મોટો ફાળો છે. ભાજપના લાખો કાર્યકર્તાઓનો હાથ પકડીને તેઓએ રાજનીતિમા ચાલતા શીખવાડ્યા હતા. કેશુભાઈ પટેલનું નિધન ગુજરાત માટે મોટી ખોટ સાબિત થઈ છે. કેશુભાઈને રાજકીય કારકિર્દીને વેગ આપવામાં માં બે ઘટનાઓ બહુ જ મહત્વની ગણાય છે.

રાજકોટમાં કુખ્યાત લાલિયા દાદાને જાહેરમાં ફટકાર્યો

રાજકોટમાં કેશુભાઇ સાયકલ ઉપર સંઘની શાખામાં જતા હતા ત્યારે તેમણે જોયું કે લાલિયા દાદા નામનો એક દાદો સદર બજારમાં એક વ્યક્તિને ખુબ મારી રહ્યો હતો. લોકો ભેગા થઈ તમાશો જોઈ રહ્યા હતા પણ કેશુભાઈ આ જોઈ શક્યા નહીં. તેમણે પોતાની સંઘની લાકડી વડે લાલિયા દાદાને ઝુડી નાખ્યો હતો અને લાલિયો ઊભી પૂંછડીએ ભાગ્યો હતો. આ ઘટના બાદ એકત્ર થયેલા લોકોએ કેશુભાઈને ખભે બેસાડી રોજકોટમાં સરઘસ કાઢયુ હતું. ત્યાર બાદ રાજકોટ નગરપાલિકાની ચૂંટણી આવી તો રાજકોટના લોકોએ ભેગા થઈ કેશુભાઈ પટેલને પરાણે કાઉન્સિલરની ચૂંટણીમાં ઊભા રાખ્યા અને તેઓ જનસંઘમાં કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

‘બાપા’એ ડોન લતિફને ફેંક્યો પડકાર

કેશુભાઈએ લતિફને પરચો બતાવીને મેળવેલી સફળતા આજના ભાજપની મજબૂતી માટે કારણભૂત ગણાય છે. અમદાવાદમા એક સમયે લતિફ નામના ગુંડાની ધાક હતી. ત્યારે અમદાવાદના દરિયાપુર, પોપટીયા વાર્ડ, જોર્ડન રોડ વગેરે વિસ્તારોમાં હિન્દુઓ તો ઠીક, પોલીસ પણ જઈ શક્તી ન હતી, ત્યાં  લતિફની દાદાગીરી સામે કેશુભાઈએ અવાજ ઉઠાવ્યો, એટલુ જ નહિ લતીફના ગઢ સમાન પોપટીયા વાર્ડમાં લોકદરબારનો જાહેર કાર્યક્રમ યોજ્યો હતો. તેનાથી નીડર અને હિમંતવાન નેતા તરીકેને છબી રાજ્યસ્તરે ઉભરી આવી. એ પછી સ્થાનિક ચૂંટણીઓમા તેઓએ લતિફને મુદ્દો બનાવ્યો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કબજો કરીને ઈતિહાસ સર્જ્યો હતો. એ જ સફળતા આજના ભાજપની મજબૂતી માટે કારણભૂત ગણાય છે.

ગુજરાતમાં 1980ના ગાળામાં અમદાવાદમાં દરિયાપુર વિસ્તારમાં લતિફ ગેંગનો ઉદય થયો હતો. લતીફ અને તેની ગેંગ દ્વારા અમદાવાદ અને બીજા વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદે ઘુસાડવામાં આવતો હતો. શરૂઆતમાં નાના પાયે અને ત્યારબાદ લતીફ ગેંગ સિવાય બીજા કોઈને પણ જથ્થાબંધ દારૂનો ગેરકાયદે વેપાર કરવાની પરવાનગી નહોતી. નાના નાના દારૂના વેપારીઓ અને અડ્ડાવાળાઓને લતીફને “ટેક્સ” આપવો પડતો હતો. અમદાવાદમાં લતીફ ગેંગનો આતંક વધ્યો અને ધીમે ધીમે લતીફ અને તેની ગેંગ દ્વારા અને નાના નાના ટપોરીઓ દ્વારા લતીફના નામે દુકાનદારો અને વિવિધ વેપારીઓ પાસેથી હપતા વસૂલી એટલે કે ખંડણી ઉઘરાવવાનું શરૂ થયું હતું.

અમદાવાદના દરિયાપુરમાં પોપટિયાવાડમાં તેનું સામ્રાજ્ય હતું. લતિફનો એટલો ખૌફ હતો કે તે વખતે એમ કહેવાતું હતું કે પોલીસ પણ તેના વિસ્તારમાં પ્રવેશી શક્તી નહોતી. ગુજરાતમાં એકચક્રી શાસન કરતો લતીફ એક સમયે દાઉદ સામે પણ પડ્યો હતો અને દાઉદને ભાગવું પડ્યું હતું.

શહેરના મુસ્લિમ વિસ્તારોમાં બેરોજગાર યુવકો માટે લતીફ મસીહા કહેવાતો હતો. કારણ કે તે સમયે બેરોજગાર યુવકોને તે પોતાની ગેંગમાં જોડી દેતો હતો અને રોજગારી આપતો હતો. જેથી તે સમયે મોટા ભાગના યુવાનો તેની ગેંગમાં સામેલ થતા તે મજબૂત બન્યો હતો. લતિફને તે સમયે રાજકીય સપોર્ટ પણ મળતા તે વધુને વધુ મજબૂત થયો હતો.

ગેરકાયદે પ્રવૃત્તિઓમાં રાચનાર લતિફને ચૂંટણીઓનો ચસકો લાગ્યો હતો. 1987ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં લતીફે એક સાથે પાંચ બેઠકો પરથી ઉમેદવારી નોંધાવી હતી અને તે પોતાની ગેંગના જોરે તમામ પાંચે પાંચ બેઠકો પરથી જીતી ગયો હતો. જો કે નિયમાનુસાર તેણે એક બેઠક જાળવી રાખીને બાકીની ચાર બેઠકો પરથી રાજીનામું આપ્યું હતું.

1990થી 1995 સુધીના ગાળામાં પણ અમદાવાદમાં લતિફનો આતંક છવાયેલો રહ્યો હતો. સમાજમાં લતીફના નામથી લોકો ફફડતા હતા. ગુડાઓનું રાજ થઈ ગયું હતું. ભાજપ અને કેશુભાઈ પટેલ તથા તેમના સાથીઓએ 1995ની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખી લતિફ ગેંગનો આતંકનો મુદ્દો બનાવ્યો. ગુજરાતને ભય-ભૂખ અને ભ્રષ્ટાચારમુક્ત બનાવવાનું વચન અપાયું હતું. કેશુભાઈએ પોતાની સરકાર મજબૂત છે અને ગુંડાઓ સામે કડક હાથે કામ લે છે તે પુરવાર કરવા વિશ્વાસુ પોલીસ અધિકારીઓને તાબડતોડ કામે લગાવી કોઈ પણ ભોગે લતીફને પકડવાનું મિશન ગુપ્ત રીતે હાથ ધર્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારી કુલદીપ શર્મા અને તેના ચુનંદા પોલીસકર્મીઓએ જાળ બિછાવીને લતિફને દિલ્હીમાં એક પીસીઓમાંથી પકડી પાડ્યો હતો. તેને બીજા જ દિવસે  વિમાન દ્વારા અમદાવાદ લાવીને મીડિયા સમક્ષ હાજર કરાયો હતો.

 

 

કેશુભાઈ પટેલે પોતાની સરકાર બચાવવા જે માફિયા ડોન લતીફને પકડ્યો તે લતિફ સામે અમદાવાદની કોર્ટમાં કેસ શરૂ થયા હતા. તેની સામે જુબાની આપવાની કોઈની હિંમત થતી નહોતી. પરિણામે લતીફ કેટલાક કેસોમાં પુરાવાના અભાવે નિર્દોષ છૂટતો હતો. 1997માં શંકરસિંહ વાઘેલાની સરકારમાં લતિફે વાઘેલાની પાર્ટીના એક લઘુમતી હોદ્દેદારની હત્યા કરાવીને મોટી ભૂલ કરી હતી કેમ કે તેના થોડાક જ સમયમાં લતીફ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. કોંગ્રેસના શાસનમાં ગેરકાયદે ધંધાઓ દ્વારા આગળ આવનાર લતીફ ભાજપ સરકારમાં પકડાયો અને વાઘેલા સરકારમાં ઠાર મરાતા અમદાવાદમાંથી સરેઆમ ગુંડાગીરી અને માફિયાગીરીનો એક રીતે જોતાં અંત આવ્યો હતો. તે પછી અમદાવાદમાં કોઈ નવી ગેંગ કે માફિયા પેદા થયો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here