રંગેચંગે માતૃભાષા દિવસની ઉજવણી તો આપણે કરીએ છીએ પરંતુ માતૃભાષા ગુજરાતી વિષયમાં દર વર્ષે લાખ જેટલા વિદ્યાર્થીઓ ફેલ થાય છે. જે સ્થિતિ ખરેખર ચિંતાજનક છે. છેલ્લા કેટલાક વર્ષના ધોરણ 10ના બોર્ડના પરિણામો પર નજર કરશો તો ખ્યાલ આવશે કે સરેરાશ એક લાખ વિદ્યાર્થીઓ માતૃભાષા ગુજરાતીમાં ફેલ થાય છે.
હજુ એક દિવસ પહેલા જ 21 ફેબ્રુઆરીએ આપણે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરી. જેમા ગુજરાતી ભાષા વિષે અનેક લોકોએ સારીસારી વાતો કરી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ માતૃભાષા ગુજરાતીનું મહત્વ આપણે જ દિવસે દિવસે ઓછુ કરી રહ્યા છીએ અને ગુજરાતી શીખવાને બહુ સામાન્ય પણે લઈ રહ્યા છીએ. માતૃભાષા દિવસની રંગેચંગે ઉજવણી તો દર વર્ષે કરીએ છીએ પરંતુ તમે એ જાણીને જરૂર ચોંકી જશો કે ગુજરાતમાં જ્યાં ગુજરાતી લખાય છે, બોલાય છે, ભણાવાય છે એ જ ગુજરાતમાં દર વર્ષે ધોરણ 10માં લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં જ ફેલ થઈ રહ્યા છે. આ જાણ્યા પછી ગુજરાતી ભાષાની આનાથી વધુ દયનિય સ્થિતિ બીજી કઈ હોઈ શકે તે સવાલ ચોક્કસથી થાય.
કવિ અરદેશર ફરામજી ખબરદારની બહુ જાણીતી અને બહુ બોલાતી પંક્તિઓ છે, “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ! જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત !”આપણા માટે ગર્વની બાબત છે કે ગુજરાતીઓએ વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે. ભૂતકાળમાં ગાંધીજીથી માંડીને સરદાર પટેલ અને હાલના સમયમાં રાજકીય ક્ષેત્રે નરેન્દ્ર મોદી, અમિત શાહ, ઉદ્યોગના ક્ષેત્રે અંબાણી બંધુઓ, અદાણી, અઝીમ પ્રેમજી, હાસ્યકલાકારોમાં જ્યોતિન્દ્ર દવેથી શાહબુદ્દીન રાઠોડ, લેખકોમાં મનુભાઈ પંચોળીથી તારક મહેતા, કલાકારોમાં ઓસમાણ મીરથી માંડીને પ્રતિક ગાંધી જેવા અસંખ્ય અને અગણિત ગુજરાતીઓનું પ્રદાન છે. તેનુ આપણને ગર્વ છે. પરંતુ આ પૂરતુ નથી.
આજના દિવસે એ પણ કહેવું જોઈએ કે ગુજરાતી વિદ્યાર્થીઓનો ગુજરાતી માટેનો પ્રેમ ક્યાંક ખૂટતો વરતાઈ રહ્યો છે. જેની સાક્ષી આ આંકડાઓ પુરી રહ્યા છે. ગુજરાતના વિદ્યાર્થીઓ અંગ્રેજી તો સમજ્યા તુ ગુજરાતી વિષયમાં જ નબળા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતી વિષયમાં નાપાસ થવાનો આંકડો ખૂબ મોટો થઈ રહ્યો છે. ધોરણ 10 બોર્ડ પરીક્ષાના છેલ્લા 10 વર્ષના ગુજરાતી વિષયના આંકડાઓ પર નજર કરવામાં આવે તો…
આ ખૂબ મોટો આંકડો એટલા માટે પણ છે કે કુલ વિદ્યાર્થીઓના 15 ટકાથી લઈ 26 ટકા સુધીનો આંકડો માતૃભાષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓનો છે. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા અને શિક્ષણવિદ્ મનીષ દોષી કહે છે કે બાળકને અસરકારક તૈયાર કરવા માટે માતૃભાષા જરૂરી છે. રાજ્યમાં શૈક્ષણિક વ્યવસ્થામાં ચોક્કસ નીતિના અભાવના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.
ગુજરાતી માતૃભાષા હોવાને કારણે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓમાં એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે આપણે માતૃભાષા શીખવાની ક્યાં જરૂર છે? એ તો આવડે જ છે ને? બસ એના જ કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ જોડણીની અને વ્યાકરણને હળવાશમાં લે છે અને તેની ભૂલો કરે છે. બાદમાં ઓછા માર્ક્સ આવે છે અને નાપાસ થવાનો વારો આવે છે. ભાષા નિષ્ણાંત અને લેખક તુષાર શુક્લા જણાવે છે કે ગુજરાતી માટે સભાન પણે આયોજન કરવું પડે એજ દર્શાવે છે કે કાંઈ ખૂટે છે. વાર્ષિક પરીક્ષાઓમાં ગુજરાતીનું મહત્વ વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ થવું જોઈએ.
ગુજરાતી કરતા અંગ્રેજી મીડિયમમાં બાળકોને ભણાવવાનો ક્રેઝ તેમજ ગુજરાતી ભાષામાં અન્ય શબ્દોના આડેધડ ઉપયોગના કારણે વિદ્યાર્થીઓ સ્પષ્ટ ગુજરાતી જાણતા નથી. પરિણામે રાજ્યની માતૃભાષામાં જ નાપાસ થનારા વિદ્યાર્થીનો ચોંકાવનાર આંકડો સામે આવે છે. રાજ્ય સરકાર આ બાબતે ગંભીર હોવાના કારણે જ રાજ્યની તમામ શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત કરવામાં આવ્યો છે. પરંતુ આ દિશામાં હજી ઘણું કરવાની જરૂર તો છે જ.