લોકસભા ચૂંટણી માટે દેશભરમાં ઉમેદવારો પોતાનું ફોર્મ ભરી રહ્યા છે. મંગળવારે ભાજપના ઉમેદવાર પલ્લવી ડેમ્પોએ પણ દક્ષિણ ગોવા લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ ઉમેદવારી સાથે રજૂ કરેલા સોગંધનામામાં પોતાની સંપત્તિ વિશે જે માહિતી આપી તે ચોંકાવનારી છે. પલ્લવી ડેમ્પોને દેશની સૌથી અમીર લોકસભા ઉમેદવારોમાંની એક માનવામાં આવે છે. પલ્લવી ડેમ્પોએ તેમના 119 પાનાની એફિડેવિટમાં જણાવ્યું છે કે, તેમની અને તેમના પતિ શ્રીનિવાસની સંયુક્ત રીતે કુલ સંપત્તિ 1400 કરોડ રૂપિયા છે. પલ્લવી ડેમ્પો રાજકારણમાં ભલે નવા હોય પરંતુ મની પાવરથી મજબૂત છે.
તેમના પતિ શ્રીનિવાસ ડેમ્પો ગ્રૂપના ચેરમેન છે, જે ફૂટબોલથી લઈને રિયલ એસ્ટેટ અને શિપબિલ્ડિંગ સુધીના કાર્યોમાં સક્રિય છે. એજ્યુકેશન અને માઈનિંગના બિઝનેસ સાથે પણ શ્રીનિવાસ સંકળાયેલા છે. એફિડેવિટ મુજબ પલ્લવી ડેમ્પોની જંગમ સંપત્તિ 255.4 કરોડ રૂપિયા છે, જ્યારે શ્રીનિવાસની સંપત્તિ 994.8 કરોડ રૂપિયા છે. પલ્લવી ડેમ્પોની એફિડેવિટ મુજબ સ્થાવર મિલકતની બજાર કિંમત 28.2 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. શ્રીનિવાસની સ્થાવર મિલકતની કિંમત 83.2 કરોડ રૂપિયા છે. ગોવા સહિત દેશના ઘણા ભાગોમાં મિલકત ધરાવતા ડેમ્પો દંપતી પાસે દુબઈના સવાનામાં પણ એક ફ્લેટ છે, જેની કિંમત 2.5 કરોડ રૂપિયા હોવાનું મનાય છે.
આ સિવાય લંડનમાં તેમના એક એપાર્ટમેન્ટની કિંમત 10 કરોડ રૂપિયા આંકી છે. પલ્લવી ડેમ્પોને સોનામાં રોકાણ કરવાનું પસંદ છે. તેમની પાસે લગભગ 5.7 કરોડ રૂપિયાનું સોનું છે. નાણાકીય વર્ષ 2022-23માં 10 કરોડ રૂપિયાનું આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું હતું. જ્યારે તેમના પતિ શ્રીનિવાસે 11 કરોડ રૂપિયાનું રિટર્ન ફાઈલ કર્યું હતું. પલ્લવી ડેમ્પોએ એમઆઈટી, પુણે યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ લીધી હતી.
નોંધનીય છે કે ભાજપે દેશભરમાં 450થી વધુ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ NDA 400 પાર કરવાનો નારો આપ્યો છે. તે જ સમયે, તેમને વિશ્વાસ છે કે ભાજપ પોતાના દમ પર 360 બેઠકો મેળવશે.