કરજણ બેઠકના મતદાન માટે EVM અને વીવીપેટ ડિસ્પેચ કરાયા, PPE કીટ, માસ્ક, સેનેટાઈઝર અને હેન્ડ ગ્લોવ્ઝનું પણ વિતરણ

0
10

આવતીકાલે 3 નવેમ્બરે ગુજરાત વિધાનસભાની કરજણ બેઠની પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે. જેની તૈયારીઓને આજે તંત્ર દ્વારા આખરીઓપ અપાઇ રહ્યો છે. કરજણ તાલુકા સેવાસદન ખાતે આજે EVM અને વીવીપેટ મશીન ડિસ્પેચની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પીપીઇ કીટ, માસ્ક, સેનેટાઈઝર, ફેસ શિલ્ડ, હેન્ડ ગ્લોવ્ઝ સહિતની સામગ્રીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં દરેક કર્મચારીઓ માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સ સાથે કામગીરી કરી રહ્યા છે.

EVM અને વીવીપેટ ડિસ્પેચ કરાયા
(EVM અને વીવીપેટ ડિસ્પેચ કરાયા)

જિલ્લા ચૂંટણી અધિકારીએ ક્ષતિરહિત કામગીરી માટે સૂચનાઓ આપી

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે કરજણ બેઠકના ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી, વિવિધ કામગીરી માટેના નોડલ અધિકારીઓ તેમજ ઝોનલ અધિકારીઓ સાથે બેઠક યોજીને તમામ કામગીરી ક્ષતિરહિત થાય તે માટેની જરૂરી સૂચનાઓ આપી હતી. કરજણ બેઠકના ચૂંટણી નિરીક્ષક જટાશંકર ચૌધરી તેમજ ખર્ચ નિરીક્ષક અભય કુમારે પણ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.પી.જોષીએ જણાવ્યું હતું કે, ડિસ્પેચ અને રિસિવિંગની સમગ્ર વ્યવસ્થા ભારતના ચૂંટણી પંચે નક્કી કરેલા સામાન્ય નિયમો અને કોવિડ ગાઇડલાઇન ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

સોસિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે બે તબક્કામાં સામગ્રી વિતરણ કરાઇ

સામગ્રી વિતરણ સમયે ભીડ ટાળવા પ્રથમવાર કોવિડ સામે સાવચેતીના ભાગરૂપે કુલ 31 રૂટ પૈકી પ્રથમ 15 રૂટની મતદાન ટુકડીઓને અને તે પછી નજીકના મતદાન મથકોએ જવાનું છે તેવા 16થી 31 રૂટને રવાનગીનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 31 રૂટ માટે 31 ઝોનલ અધિકારીઓને તેમની દેખરેખ હેઠળના 10 જેટલા મતદાન મથકો ખાતે ટીમ અને સામગ્રી સલામત રીતે પહોંચે અને સમયસર પહોંચે તે જોવા સૂચના આપવામાં આવી છે.

આરોગ્ય અને પોલીસની ટીમો તહેનાત

વિતરણ અને સ્વીકારની કામગીરી સમગ્ર કેન્દ્રને 5 વિભાગમાં વહેંચીને તેમજ પ્રત્યેક ટુકડીને લઈ જવા માટેના વાહનો સાથે સંકલન જળવાય એ રીતે કરવાનું આયોજન કરાયું છે. આ સમગ્ર કામગીરી દરમિયાન આરોગ્ય ટુકડીઓ ઉપસ્થિત રહીને જરૂરી કામગીરી કરશે. પોલીસ તંત્ર સાથે સુરક્ષા વ્યવસ્થાનું સમુચિત સંકલન કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાનના દિવસે દરેક મતદાન મથકેથી મતદાનના આંકડા સમયસર મળે તેને લગતું માર્ગદર્શન આપવાની સાથે આઇ.ટી.ની ટીમો, મતદાન યંત્રોની સાર સંભાળ માટેની ટેક્નિકલ ટીમો, ડેટા એન્ટ્રી ઇત્યાદિ બાબતો યોગ્ય રીતે અને સમયસર થાય એ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

PPE કીટ, માસ્ક, સેનેટાઈઝર અને હેન્ડ ગ્લોવ્ઝનું પણ વિતરણ કરાયું
(PPE કીટ, માસ્ક, સેનેટાઈઝર અને હેન્ડ ગ્લોવ્ઝનું પણ વિતરણ કરાયું)

 

કોવિડ સામે સુરક્ષાની તકેદારીઓનું ચૂસ્ત પાલન થાય એવી વ્યવસ્થા કરાઇ

કરજણ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે કરજણ બેઠકની પેટા ચૂંટણી હેઠળ 3 નવેમ્બરે 311 મતદાન મથકો ખાતે મતદાન કરાવવાની તંત્રે ઝીણવપૂર્વક વ્યવસ્થાઓ કરી છે. નિર્ભય અને સુરક્ષિત મતદાન માટે સુચારુ પોલીસ બંદોબસ્ત, પેટ્રોલિંગ તેમજ મતદાન મથકો ખાતે સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથે પંચની સૂચનાઓ અનુસાર કોવિડ સામે સુરક્ષાની તકેદારીઓનું ચૂસ્ત પાલન થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

કરજણ બેઠક પર 9 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે

આ ઉપરાંત કરજણ બેઠકના તમામ મતદારો મતના અધિકારનો અચૂક ઉપયોગ કરે તેવો ખાસ અનુરોધ કરવાની સાથે તેમણે સહુને શાંતિપૂર્ણ અને નિર્ભય, તટસ્થ મતદાનમાં સહયોગ આપવા જણાવ્યું હતું. કરજણ બેઠક પર 9 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. EVM ઉપર 9 ઉમેદવારો પછી દશમો વિકલ્પ નોટાનો રહેશે. એકપણ ઉમેદવાર પસંદ ના હોય તો મતદારો નોટાનો વિકલ્પ અપનાવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here