ગુજરાતમાં બોગસ સિંચાઇ ઓફિસમાં કરોડો રુપિયાના કૌભાંડનો મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આ કેસમાં હવે પૂર્વ IAS અધિકારી બીડી નીનામાની ધરપકડ કરવામાં આવી છે. નોંધનિય છે કે, છોટાઉદેપુરમાં કાગળ ઉપર આખે આખી ખોટી સરકારી કચેરી જ ઉભી કરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા ખળભળાટ મચી ગયો હતી. જે બાદમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી.
દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં બોગસ સિંચાઇ ઓફિસ ઉભી કરી કરોડો રુપિયાના કૌભાંડ મામલે દાહોદ પોલીસે પૂર્વ આઇએએસ અધિકારીની ધરપકડ કરી છે. આ કેસમાં તપાસ દરમિયાન દાહોદ પોલીસ દ્વારા પૂર્વ IAS અધિકારી બીડી નીનામાની ધરપકડ કરવામાં આવી છે. નોંધનિય છે કે, 2019માં બીડી નિનામા પ્રયોજન ઓફિસર હતા. દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં બોગસ સિંચાઇ ઓફિસ ઉભી કરાયા બાદ બોગસ સિંચાઇ ઓફિસમાં કરોડો રુપિયાનું ચુકવવામાં આવ્યા હતા. તાજેતરમાં જ છોટા ઉદેપુર જિલ્લામાં બોગસ સિંચાઇ ઓફિસનો પર્દાફાશ થયો હતો. આ તરફ દાહોદ જિલ્લામાં બોગસ ઓફિસ ઉભા કરીને 18 કરોડનું કૌભાડ આચર્યું હોવાનુ સામે આવી ચૂક્યું છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સંદીપ રાજપૂત નામના ભેજાબાજે કાર્યપાલક ઈજનેર સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી નામની બોગસ ડોક્યુમેન્ટથી એક ખોટી સરકારી કચેરી બનાવી દીધી હતી. જે બાદ તેણે 2021થી સરકારને ચૂનો લગાવવાનું શરૂ કર્યું હતું. સંદીપ રાજપૂતે સરકાર પાસેથી કુલ 93 કામના 4 કરોડ 15 લાખ રૂપિયાથી વધુની ઉચાપત કરી નાખી. એટલે કે ખોટી સરકારી ઓફિસ શરૂ કરી સરકારની આદિજાતિ પ્રાયોજના વિભાગની કચેરીમાંથી 4 કરોડ 15 લાખથી વધુની ગ્રાન્ટ લીધી હતી. તેણે 26 જુલાઇ 2021થી અત્યાર સુધી કુલ 93 કામોના રૂ 4,15,54915 કરોડનું કૌભાંડ આચર્યું હતું.
ગત 25 તારીખે ઉદવહન સિંચાઈ યોજનાની મિટિંગ યોજાઈ હતી. જેમાં હાજર બોડેલી સિંચાઈ વિભાગના કાર્યપાલ ઈજનેર ધવલ પટેલને જ્યારે બોર્ડર વિલેજ યોજનાની વર્ષ 2023-24 ઉદવહન સિંચાઈ યોજનાની 12 કામોની રૂ. 3.74 કરોડની દરખાસ્ત વિશે પૂછવામાં આવતા તેઓએ આવી કોઈ જ દરખાસ્ત ન કરી હોવાનું જણાવ્યું હતું. આ સાંભળીને ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા અને તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી સંદીપ રાજપૂત અને તેના મદદગાર અબુબકર સૈયદ નામના બે ઠગોની ધરપકડ કરી હતી.