એક્સ્ક્લુઝિવ:મોદીના માતાને બ્રિટિશ શીખ સંગઠનની અપીલ, ‘હીરાબા, તમારા પુત્રને કહો કિસાન આંદોલનકારીઓની માતાને બદનામ કરાતી રોકે’

0
4

બ્રિટનના બ્રેડફોર્ડ શહેરમાં સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરતા શીખ સંગઠન બ્રિટિશ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ એસોસિએશન ઓફ શીખ્સ (BECAS)એ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સંદર્ભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબાને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, કિસાન/મઝદૂર આંદોલનને લઈને અમુક લોકો દ્વારા પંજાબની માતાઓને બદનામ કરવામાં આવે છે, આવું ન થવું જોઈએ અને હીરાબાએ આ માટે તેમના પુત્ર નરેન્દ્ર મોદી સાથે વાત કરવી જોઈએ.

ત્રિલોચન સિંહે આ પત્ર લખવા પાછળનો હેતુ જણાવ્યું કે, આંદોલન અંગે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં અમુક મહિલાઓ પંજાબની માતાઓ વિષે દુષ્પ્રચાર કરી રહી છે. તેમણે કહ્યું કે, ફિલ્મ એક્ટ્રેસ કંગના રનૌત પંજાબની માતાઓ વિષે ખરાબ શબ્દ પ્રયોગ કરે છે. આવું ન થવું જોઈએ.

શું લખ્યું છે પત્રમાં…
આદરણીય હીરાબેન જી,
ખેદ સાથે અમે તમને અપીલ કરીએ છીએ કે આપ આપના પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરો. તમે શ્રી મોદીજીના આદરણીય માતા છો તેવી જ રીતે તમામ માતાઓનું સન્માન થવું જોઈએ. ભારતના દરેક રાજ્યની માતાઓ સમાન રીતે આદરણીય છે અને દરેક પરિવારમાં માતાનો વિશેષ દરજ્જો હોય છે. BJPનું સમર્થન કરતી અમુક એક્ટ્રેસ કૃષિ બીલને નાબુદ કરવાની માંગણી કરતા કિસાન/મઝદૂર આંદોલનમાં જોડાયેલી પંજાબની માતાઓને બદનામ કરી રહી છે.

નેતાની ફરજ છે કે તે લોકોને સંભાળે…
ત્રિલોચનસિંહ દુગ્ગલે જણાવ્યું કે, બધાને પોતાનો હક મળવો જોઈએ. ભારત એક લોકતાંત્રિક દેશ છે અને ડેમોક્રસી લોકોના દિલનો અવાજ છે. લોકો જ પોતાના લીડરને પસંદ કરે છે. આ પરિસ્થિતિમાં લીડરની ફરજ બને છે કે તે લોકોને સંભાળે. માતા પંજાબની હોય કે બીજા કોઈ પણ સ્ટેટની હોય તેનો આદર રાખવો જોઈએ. આપણે માનવતાને સમજાવી જોઈએ.

અમારી પાસે હીરાબાનું સરનામું નથી…
દુગ્ગલે જણાવ્યું કે, અમારી પાસે હીરાબાનું સરનામું નથી એટલે અમે આ પત્રને અમારા ઇન્ટરનલ સર્કલમાં સર્ક્યુલેટ કર્યો હતો અને અમને આશા છે કે આ પત્ર ફરતો ફરતો તેમના સુધી પણ પહોચશે. અમારા તરફથી આ સંદર્ભે વડાપ્રધાન કે સરકારની કોઈ એજન્સીને સંપર્ક કરવામાં આવ્યો નથી.

કંગનાની વાતોથી હીરા બાને પત્ર લખવાનો વિચાર આવ્યો…
દુગ્ગલે કહ્યું, અમારા ધ્યાનમાં આવ્યું કે કંગના રનૌત સહિતની ભાજપને સમર્થન કરતી અમુક મહિલાઓ પંજાબની માતાઓ વિષે ખરાબ બોલે છે. આ સંદર્ભમાં અમારા તરફથી આ એક ઈમોશનલ અપીલ છે. કંગના રનૌત પણ ભારતીય છે અને ભારતની દરેક છોકરીનો આદર થવો જોઈએ. અમે કંગનાનો પણ આદર કરીએ છીએ પરંતુ એમણે ભૂલ કરી છે તો વડીલ તરીકે વડાપ્રધાને તેમને રોકવા જોઈએ.

BECAS ભારતીય કલ્ચરને પ્રમોટ કરે છે…
બ્રિટિશ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ એસોસિએશન ઓફ શીખ્સ વિદેશમાં વસતા ભારતીય બાળકોને ભારતીય સંસ્કૃતિ વિષે જાણકારી આપે છે. એસોસિએશન ભારતની પરંપરા, તેના પારિવારિક મૂલ્યોનું સમજ આપવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here