રાજકારણ : એન્ટ્રી વિના રાજકારણમાંથી એક્ઝિટ, છતાં પણ રજનીનો મત પર પ્રભાવ.

0
0

1996માં રજનીકાંત રાજકારણથી દૂર હતા, પરંતુ તેમના ફક્ત એક વાક્યથી જયલલિતાના મતો પર નકારાત્મક પ્રભાવ પડ્યો. રજનીકાંતે કહ્યું હતું કે જો જયલલિતા ફરી વાર ચૂંટાશે, તો ભગવાન પણ તમિલનાડુને નહીં બચાવી શકે. ચૂંટણીનાં પરિણામોની દિશા બદલવા આ નિવેદન કાફી હતું. એ વખતે મચેલા રાજકીય હોબાળાના કારણે જયલલિતાએ આખરે હોદ્દો છોડવો પડ્યો.

સત્તાધારી પક્ષે રાહતનો શ્વાસ લીધો

આ વખતે પણ રજનીકાંત ચૂંટણી મેદાનમાં નથી. તેઓ એન્ટ્રી કર્યા વિના જ રાજકારણમાંથી એક્ઝિટ થઈ ગયા છે, પરંતુ છતાં તેઓ તમિલનાડુમાં એટલા જ પ્રભાવી છે. બસ, આ વખતે સમીકરણો અલગ છે. આરોગ્યના કારણસર રાજકારણમાં નહીં આવવાની સુપસ્ટાર રજનીકાંતની જાહેરાતથી અહીં સત્તાધારી એઆઈડીએમકે અને વિપક્ષ ડીએમકેએ રાહતના શ્વાસ લીધા છે. બીજી તરફ, અહીં દ્રવિડધારાથી જુદો રાજકીય મોરચો ખોલવાનું સપનું જોઈ રહેલા ભાજપનો ઈન્તજાર વધુ લાંબો થઈ ગયો છે. આ બધા જ પક્ષ રજનીકાંતનો સ્ટાર પાવર શું છે તે જાણે છે. એટલે જ તો રજનીકાંતની એક્ઝિટની જાહેરાત પછી લગભગ બધા પક્ષ તેમનો રાજકીય સાથ માંગી ચૂક્યા છે.

રજનીકાંતના નિવેદનોની અસર થશે

તમિલનાડુમાં આ વર્ષે એપ્રિલ-મેમાં ચૂંટણી સંભવ છે. બંને અગ્રણી પક્ષ એઆઈડીએમકે અને ડીએમકે પોતાના કદાવર નેતાઓ જયલલિતા અને કરુણાનિધિ વિના ચૂંટણી લડી રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું હતું કે, રજનીકાંતના મેદાનમાં ઉતરવાથી લોકો તેમના કરિશ્માઈ વ્યક્તિત્વ તરફ સહજ આકર્ષિત થઈ શકે છે. હવે ભલે તેઓ ચૂંટણી ના લડે, પરંતુ તેમનાં નિવેદનોની અસર મતદારો પર થઈ શકે છે. એટલે જ તમિલનાડુ ભાજપના પ્રભારી સી. ટી. રવિ હોય કે એઆઈડીએમકેના મંત્રી ડી. જયકુમાર એ બંનેનું કહેવું છે કે રજનીકાંત અમારી પાર્ટીની વિચારધારાની નજીક છે.

રાજકીય પક્ષોએ રજનીકાંતનો સાથ માગ્યો

એઆઈડીએમકે આમ તો એનડીએનો હિસ્સો છે, પરંતુ રાજ્યમાં મુખ્યમંત્રીના ચહેરા મુદ્દે બંને પક્ષમાં તણાવ જારી છે. આ સ્થિતિમાં બંને પક્ષ રજનીકાંતના નામનો ઉપયોગ કરવા ઈચ્છે છે. બીજી તરફ, કમલ હસનનો પક્ષ એમએનએમ પણ રજનીકાંતનો સાથ માંગી ચૂક્યો છે. હવે જોવાનું એ છે કે રાજનીતિને ના પાડી ચૂકેલા રજનીકાંત ચૂંટણીમાં કયા પક્ષ માટે હુકમનો એક્કો સાબિત થઈ શકે છે!

ઓવૈસીના DMKના મંચ પર આવવાની જાહેરાતથી વિવાદ, સ્ટાલિનની પીછેહટ, કહ્યું- અમે નથી બોલાવ્યા

તમિલનાડુમાં હાલ વધુ બબાલ એ ચહેરા માટે મચી છે જે અહીં સીધા ચૂંટણી મેદાનમાં પણ નથી. એક તરફ રજનીકાંતની એક્ઝિટની ચર્ચા છે, તો બીજી તરફ વિપક્ષ ડીએમકેના મંચ પર એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીના ડીએમકેના મંચ પર આગમન મુદ્દે વિવાદ સર્જાયો છે. જોકે, સોશિયલ મીડિયા પર ઓવૈસીને ડીએમકેના આમંત્રણની જાહેરાત વાઈરલ થયા પછી ડીએમકેએ પણ સ્પષ્ટતા કરવી પડી છે કે 6 જાન્યુઆરીએ ચેન્નાઈમાં આયોજિત રેલીમાં ઓવૈસી નહીં આવે. હકીકતમાં બિહાર ચૂંટણીનાં પરિણામો પછી તમિલનાડુમાં ઓવૈસી પર ભાજપની બી-ટીમ હોવાના આરોપ લાગ્યા હતા. આ ઉપરાંત ડીએમકે તમિલનાડુની 5.86% મુસ્લિમ વસતીનું દિલ જીતવા માટે ઓવૈસીનો સાથ ઈચ્છે છે. પરંતુ ડીએમકે સાથે ગઠબંધનમાં મોજૂદ મુસ્લિમ પક્ષ આઈયુએમએલ અને એમએમકે જ નહીં, ડીએમકેનું એક જૂથ પણ તેની વિરુદ્ધ છે. ઓવૈસીનો પક્ષ આ ચૂંટણીમાં ઉત્તર તમિલનાડુની 20-25 બેઠક પર ઉમેદવાર ઉતારવાના સંકેત આપી ચૂક્યો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ઓવૈસીને સાથે રાખવા ડીએમકેની સારી નીતિ હોઈ શકે છે, પરંતુ એ માટે તેમણે સાથી પક્ષોને મનાવવા પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here