ગેજેટ ડેસ્ક. કેન્દ્ર સરકાર દ્વારા આધાર એક્ટમાં સંશોધન બાદ મોબાઈલ વોલેટ કંપનીઓને અમુક રાહતો આપવાના નિર્દેશ આપ્યા છે. કંપનીઓના ગ્રાહકોને મોબાઈલ વોલેટનો ઉપયોગ કરવા માટે આધાર નંબરનો પુરાવો આપવાની જરૂરિયાત રહેશે નહીં.
દેશમાં અત્યારસુધી મોબાઈલ વોલેટનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોએ કેવાયસી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જેમાં આધાર કાર્ડ ફરજિયાત હોય છે. આ કંપનીઓ માટે ગ્રાહકોનું મેન્યુઅલી વેરિફાઈ કરવું સરળ નથી હોતું. આવું કરવામાં ખર્ચ વધી જાય છે. હાલ મોબાઈલ વોલેટ કંપનીઓની સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ નથી. તેમણે હવે ગ્રાહકોના આધાર કાર્ડ વેરિફાઈ કરવાની જરૂર રહી નથી. પરંતુ બાદમાં કરાવવું પડશે. આધારનો નવો કાયદો એ સુનિશ્ચિત કરે છે કે, કોઈ વ્યક્તિ પાસે આધાર કાર્ડ ન હોય તો તેને કોઈપણ સેવા માટે ઈનકાર કરી શકાશે નહીં.
મોબાઈલ વોલેટ કંપનીઓની બચત થશે
મીડિયા રિપોર્ટ અનુસાર, બેન્કો, મોબાઈલ વોલેટ કંપનીઓ માટે મેન્યુઅલી કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે. જેમાં આશરે રૂપિયા 200થી 250નો ખર્ચ થાય છે. કેવાયસી માટે લોજિસ્ટિક્સ અને મેન્યુઅલ વેરિફિકેશન સેન્ટર પણ ખોલવું પડે છે. જે મોબાઈલ વોલેટ કંપનીઓનો કસ્ટમર બેઝ વિશાળ છે. તેમને નવા આધાર કાયદાથી ફાયદો થશે અને વધારાના ખર્ચમાંથી મુક્તિ મળતાં ઘણી બચત પણ થશે.