ડાકોરની પુનિતપાર્ક સોસાયટી, નંદનવન, શિવમપાર્ક, ગોકુલનગર, મહાલક્ષ્મી સહિતની સોસાયટીના રહિશો દ્વારા એમજીવીસીએલના ઈજનેર અને પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી કે, ડાકોર ઝાખેડનાડાથી ગાંધીજીની પ્રતિમા સુધીના જાહેર માર્ગ પર આવેલી પુનિતપાર્ક સોસાયટીની બહાર એમજીવીસીએલ દ્વારા ડીપી મુકવામાં આવી છે. જાહેર માર્ગ પર મુકવામાં આવેલી વીજ ડીપીના વાયરો ખૂલ્લા હોવાથી ત્યાંથી પસાર થતાં સ્થાનિકોમાં ભય સેવાઈ રહ્યો છે. નજીકમાં શાળા આવેલી છે, ત્યારે શાળાએ જતાં બાળકો, વિસ્તારમાંથી પસાર થતી લક્ઝરી બસના આગમનથી ખૂલ્લા વાયરો તૂટી જવાની તથા મુસાફરો સહિત સોસાયટીના રહીશોને કરન્ટ લાગવાની સંભાવનાઓ છે. સોસાયટીઓમાં રહેતા ૨૫૦થી વધુ પરિવારો દ્વારા છેલ્લા એક વર્ષથી ડીપી ખસેડવા માંગ કરવામાં આવી રહી છે. છતાં એમજીવીસીએલ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપ લગાવ્યા હતા. તેમજ એમજીવીસીએલના અધિકારીઓ દ્વારા ડીપી ખસેડવા ત્રણ લાખ ભરવાનું જણાવવામાં આવ્યું હોવાના આક્ષેપ લગાવ્યા હતા.
એમજીવીસીએલમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ ચાલે છે, ત્યારે સ્થાનિકો પાસેથી નાણાં માંગવાના બદલે કે.એ.પટેલ નામની એજન્સી પાસે કામગીરી કરાવવામાં આવે તેવી માંગ કરી હતી.