વડોદરા : તાંત્રિક વિધિ માટે રૂ.42 લાખમાં આંધળી ચાકણ સાપ વેચવાના ગોરખધંધાનો પર્દાફાશ, 5 શખ્સ ઝડપાયા

0
5

વડોદરા. તાંત્રિક વિધી માટે વપરાતા આંધળી ચાકણ સાપને વેચવા નીકળેલા અને ખરીદનારા 5 શખ્સને વડોદરા-સુરત હાઇવે પરથી વન વિભાગે ઝડપી પાડ્યા છે. આંધળી ચાકણ સાપનો 42 લાખ રૂપિયામાં સોદો કર્યો હતો. પ્રાણીઓના શિકારને રોકવા માટે વડોદરા વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવતી હોય છે, ત્યારે બાતમીના આધારે વન વિભાગની ટીમે L&T કંપની પાસે છટકું ગોઠવીને ઇકો કારમાંથી એક આંધળી ચાકણ સાપ સાથે 5 શખ્સોને ઝડપી પાડ્યા છે.

આર્થિક ફાયદા માટે આંધળી ચાકણનો પૂજામાં ઉપયોગ કરવાનો હતો
વન વિભાગના અધિકારીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આંધળી ચાકણનું વેચાણ કરવામાં આવનાર હતું અને લેનાર વ્યક્તિ આંધળી ચાકણનું આર્થિક ફાયદો થાય તે માટે પૂજામાં ઉપયોગ કરવાનો હતો, તેવી વિગત સામે આવી છે. વન વિભાગે બોડેલીથી આંધળી ચાકણ લાવનાર આરોપી અરૂણ ખત્રી અને ઝાકીર હુસેન અબ્દુલ કરીમ ખત્રી અને વેચાણ માટે મધ્યસ્થી કરનાર ડભોઇના ગોવિંદ રબારી, ચિંતન પરમાર ઉર્ફે ચિકો અને દિનેશ મોચીને ઝડપી પાડીને વાઈડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આંધળી ચાકણ સાપને શિડ્યુલ-4માં રક્ષણ અપાયું છે
RFO નિધીબેને જણાવ્યું હતું કે, GSPCA સંસ્થા પાસેથી બાતમી મળી હતી કે, સાપનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેના આધારે વન વિભાગની ટીમે વડોદરા-સુરત હાઈવે પર આવેલી L&T કંપની પાસે છટકું ગોઠવ્યું હતું. જેમાં આંધળી ચાકણ(કોમન સેન્ડ બોઆ) પ્રજાતીના એક સાપનું વેચાણ કરવા નીકળેલા 3 શખ્સ સહિત કુલ 5 શખ્સને ઝડપી પાડ્યા હતા. આ સાપને શિડ્યુલ-4 હેઠળ રક્ષણ અપાયું છે.

આંધળી ચાકણ રાખવાથી ઘનલાભ થતો હોવાની ખોટી માન્યતા
ઉલ્લેખનિય છે કે, બે તરફના મોઢાવાળા સાપ તરીકે પ્રખ્યાત આંધળી ચાકણ તરીકે ઓળખાતા સાપમાં મેડીસીનલ ગુણ હોય છે. આ ઉપરાંત સાપ રાખવાથી ઘનલાભ થતો હોવાની અંધશ્રદ્ધાને કારણે તેનો વેપાર અને વેચાણ થતું હોય છે. તાંત્રિક વિધિ માટે પણ આ સાપને લાખોમાં વેચવામાં આવે છે. પ્રાથમિક તપાસમાં અંધશ્રદ્ધાના નામે વેચાણ કરતા હોવાથી જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો.