રાજ્યમાં ખાનગી શાળાઓ હવે બિલાડીની ટોપની જેમ શરૂ થઇ ગઇ છે ત્યારે હવે એક એવા સમાચાર સામે આવ્યા છે કે જેને સાંભળી તમે પણ ચોંકી જશો. અમદાવાદ શહેરમાં ખાનગી શાળાનાં હજારો વિદ્યાર્થીઓ મ્યુનિસિપલ શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, આ વખતે શાળા શરૂ થયાનાં માત્ર થોડા દિવસોમાં જ ધોરણ.૧થી ૮માં અભ્યાસ કરતા કુલ ૩,૧૮૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ ટ્રાન્સફર કરાવી શાળા બોર્ડની શાળામાં પ્રવેશ મેળવ્યો છે. આ પહેલા તેઓ ખાનગી શાળામાં અભ્યાસ કરતાં હતા. શાળા બોર્ડનાં ચેરમેનનાં જણાવ્યા મુજબ સૌથી વધુ દક્ષિણ ઝોનમાં ૭૫૨ અને ઉત્તર ઝોનમાં ૭૦૫ વિદ્યાર્થીઓએ એએમસીની શાળામાં પ્રવેશ ટ્રાન્સફર કરાવ્યો છે.
ચાલુ વર્ષમાં ખાનગી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ એએમસીની શાળામાં ધોરણ.૧થી ૮માં પ્રવેશ ટ્રાન્સફર કરાવ્યો છે. જેમાં ધોરણ-૧માં ૭, ધોરણ-૨માં ૪૯૦, ધોરણ-૩માં ૫૩૬, ધોરણ-૪માં ૫૫૪, ધોરણ-૫માં ૫૩૬, ધોરણ-૬માં ૪૭૦, ધોરણ-૭માં ૧૯૩ અને ધોરણ-૮માં ૧૯૩ વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી ટ્રાન્સફર થઈ એએમસીની શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
ગત વર્ષે અંદાજે ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી એએમસીની શાળામાં પ્રવેશ મેળવ્યો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે જે સંખ્યા આ વખતે બમણી થવા પામી છે. આમ અમદાવાદ શહેરમાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ખાનગી શાળાના બદલે એએમસીની શાળામાં ભણવાનું પસંદ કરી રહ્યાં છે. હાલમાં એએમસીની ૫૦થી વધુ સ્કૂલોમાં પ્રવેશનું વેઇટિંગ ચાલી રહ્યું છે અને કેટલાક વિસ્તારની ખાનગી સ્કૂલોના શટર પડવા લાગ્યાં છે.
સુત્રોનું કહેવુ છે કે, આગામી સમયમાં અમદાવાદના નિકોલ, વટવા, બાપુનગર, સરસપુર, વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં ૧૦ જેટલી હાઈટેક સ્કૂલો ઊભી કરવા માટે શાળા બોર્ડ દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સ્કૂલોમાં અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમ ચલાવવામાં આવશે તેમજ માંગનાં આધારે અન્ય માધ્યમમાં પણ ચલાવવામાં આવશે.