રાજકોટ : ઓનલાઇન શિક્ષણથી કંટાળી ધો.8ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધાનો પરિવારનો આક્ષેપ

0
9

રાજકોટ. હાલના સમયે શાળા-કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને ઘેર બેઠા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. રૂટીન મુજબ લેશન પણ આપવામાં આવે છે. જો કે ઓનલાઇન શિક્ષણની આ પ્રથાનો મોટાભાગના વાલીગણમાં પહેલેથી જ વિરોધ થતો આવ્યો છે. પરંતુ રાજકોટમાં એક  ચોંકાવનારી ઘટના મવડીની ગીરનાર સોસાયટીમાં બની છે. સોરઠીયા પ્રજાપતિ પરિવારની ધોરણ-8માં અભ્યાસ કરતી એકની એક લાડકવાયી દીકરી ખુશીએ પોતાને ઓનલાઇન અભ્યાસમાં અપાયેલુ લેશન કરવું ગમતું ન હોય ગળાફાંસો જિંદગી ટૂંકાવી લીધી હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે.

ખુશી માતા-પિતાની એકની એક દીકરી હતી

પોલીસમાંથી મળતી માહિતી મુજબ મવડી 40 ફુટ રોડ ધરમનગર પાસે ગિરનાર સોસાયટી-5માં રહેતા રોહિતભાઇ શિંગડીયાની 12વર્ષની દીકરીએ રૂમ બંધ કરી પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહીં મૃતદેહ જ પહોંચ્યાનું તબીબે જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે તાલુકા પોલીસને જાણ કરી હતી. સમગ્ર ઘટનાની વિગતો જણાવતાં આપઘાત કરનાર બાળાના પિતા રોહિતભાઇ શિંગડીયાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે તેઓ ઘર નજીક જ ઓમ શાંતિ નામે ગેરેજ ચલાવે છે અને ગાડી લે-વેંચનું કામ કરે છે. તેને સંતાનમાં એક દીકરી અને એક દિકરો છે. જેમાં આપઘાત કરનાર ખુશી મોટી હતી. તે ઘર નજીક જયકિશન સ્કૂલમાં ધોરણ-7માં ભણતી હતી અને આ વર્ષે 8મા ધોરણમાં પ્રવેશ કર્યો હતો. હાલમાં લોકડાઉનને કારણે હજુ શાળા શરૂ થઇ ન હોય ઓનલાઇન શિક્ષણ અપાતું હતું. દરરોજ ઓનલાઇન હોમવર્ક-લેશન પણ આપવામાં આવતું હતું.

મમ્મીએ લેશન કરી લેવાનું કહેતા રૂમમાં પૂરાઇ જિંદગી ટૂંકાવી

આજે સવારે શાળા તરફથી લેશન અપાયું હોય તે પૂરૂ કરી લેવા ખુશીને તેના મમ્મી નિતાબેને કહ્યું હતું. પરંતુ તેણે લેશન કરવું ગમતું ન હોય તે રૂમમાં જતી રહી હતી અને બાદમાં રૂમમાં જ આવેલા બાથરૂમમાં ન્હાવા ગઇ હતી. લાંબો સમય સુધી રૂમ બંધ રહેતા મમ્મી નિતાબેને દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી બંધ હોય બાજુના રૂમની બારીમાંથી જોતાં દીકરી લટકતી જોવા મળતાં કલ્પાંત સર્જાયો હતો. દેકારો થતાં લોકો ભેગા થઇ ગયા હતા. દરવાજો તોડી ખુશીને નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ અહીં તબીબે મૃત જાહેર કરી હતી.

ઓનલાઇન શિક્ષણ શહેરોમાં શક્ય, ગામડાઓમાં કનેક્ટીવિટી જ નથીઃ શિક્ષણવિદ્

જાણીતા શિક્ષકવિદ ગુલાબ જાનીએ જણાવ્યું હતું કે, મોટા ધારણમાં અત્યારે સ્કૂલ ચાલતી ન હોય ત્યારે ટેકનોલોજીનો ઉપયોગ થાય તે બરાબર છે. ખાસ કરીને બાલમદિર અને પહેલા-બીજા ધોરણ માટે મુશ્કેલ છે. સંપન્ન લોકો પાસે તો બધી પૂરતી વ્યવસ્થા હોય છે. ગામડાઓમાં તો કનેક્ટીવિટી જ નથી મળતી. અત્યારે વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલાય પણ નહીં. આટલા બધા વિદ્યાર્થીઓ રોગચાળામાં ભેગા થાય તે યોગ્ય ગણાય નહીં. શહેરોમાં તો ચાલે પણ ગામડાઓમાં કનેક્ટીવિટીને કારણે ઓનલાઇન શિક્ષણ શક્ય નથી.  આજે બાળાએ આપઘાત કર્યો તેની પાછળ આ જ કારણ હોય તેવું માની લેવાની જરૂર નથી. ઘણી વખત બાળકો ડિપ્રેશનમાં આવી જતા હોય છે અને આવું પગલું ભરી લેતા હોય તેવું બને.

શિક્ષણ જેવો અભ્યાસ કોઇ કરાવી જ ન શકેઃ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના ઉપપ્રમુખ 

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું કે, શિક્ષક જેવો બીજો કોઇ પર્યાય છે નહીં. શિક્ષક જ્યારે બાળકની આંખમાં આખ નાખી સમજાવી શકે તેવું ઓનલાઇનમાં બનતું નથી. અતિરેક જે છે તે ન થવો જોઇએ. આપણી પાસે અત્યારે બીજો વિકલ્પ નથી. ઓનલાઇન શિક્ષણ કલાકથી વધારે ન જ હોવું જોઇએ. અત્યારે તો વધારે પડતું છે. નાના બાળકો હોય તેને અડધી-પોણી કલાક જ ઓનલાઇન શિક્ષણ આપવું જોઇએ. નાના બાળકો એટલે એકથી 4 ધોરણ સુધીના બાળકો તો નહીં જ. 5થી 8 ધોરણના બાળકોને અડધી, પોણી કલાક અને વધારેમાં વધારે કલાક જ ઓનલાઇન શિક્ષણ આપવું જોઇએ. 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓને વધારેમાં વધારે દોઢ કલાક જ ઓનલાઇન શિક્ષણ આપવું જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here