વિખ્યાત શાયર મુનવ્વર રાણાએ ફ્રાન્સના સાંપ્રદાયિક હુમલાને યોગ્ય ગણાવ્યો, ‘મઝહબની નિંદા કરનારાની હત્યા થાય તો એ ગુનો નથી’

0
2

ફ્રાન્સમાં થયેલ નિર્દોષોની હત્યા મામલે પોતાનો અભિપ્રાય જણાવતા પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે ફ્રાન્સ હુમલામાં નિર્દોષોની હત્યા કરનાર હુમલાખોરોનો બચાવ કર્યો છે, અને તેને યોગ્ય પણ ઠેરવ્યો છે. મુનવ્વર રાણાએ કહ્યું હતું કે મઝહબ માતા સમાન છે, જો કોઈ આપણાં માતા કે મઝહબનું ખરાબ કાર્ટૂન બનાવે છે કે અપશબ્દો બોલે છે તો તેની હત્યા કરવી ગુનો નથી.

નોંધનીય છે કે મુનવ્વર રાણાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વડાપ્રધાન મોદીએ આજે ફ્રાન્સમાં હુમલાને સમર્થન આપનારાઓને નિશાન બનાવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ અને હિંસાથી ક્યારેય કોઈનું કલ્યાણ થયું નથી. પણ પ્રખ્યાત શાયર એટલે જ અટક્યાં ન હતા, તેમણે મઝહબને માતૃભૂમિથી ઉપર ગણાવ્યો છે, અને કહ્યું કે ચીન સાથે આપણો સરહદી વિવાદ છે અને ફ્રાન્સ સાથે મઝહબનો છે.

આ ઉપરાંત મુનવર રાણાએ અન્ય એક જાણીતા શાયર કુમાર વિશ્વાસને “થર્ડ ક્લાસ શાયર’ કહ્યા છે. તેમણે કુમાર વિશ્વાસને ત્રીજા દરજ્જાના શાયર જણાવતા કહ્યું કે કુમાર વિશ્વાસ ન તો સોનું છે ન તો ચાંદી છે, તે તો તાંબું છે. જે મંચ પર તુકબંધી (જોડકણા) કરે છે. ઉપરાંત, મુનવ્વર રાણાએ વધુ ટિપ્પણી કરતાં ઉમેર્યું હતું કે કુમાર વિશ્વાસ શાયરીના અર્નબ ગોસ્વામી છે.

ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સમાં છેલ્લાં કેટલાંક સમયથી અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના હિમાયતીઓ અને ઈસ્લામિક ધાર્મિક પાબંદના હઠાગ્રહીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. અગાઉ શાર્લી હેબ્દો નામના સામયિકે પયગંબરનું કાર્ટૂન પ્રસિદ્ધ કરીને વિવાદ છેડ્યો હતો. એ પછી સામયિકની ઓફિસ પર આતંકી હુમલો થયો હતો અને તેમાં કેટલાંક લોકોએ જીવ ગુમાવ્યો હતો. એ પછી નિયમિત રીતે આ મુદ્દે હિંસા થતી રહી છે. હાલમાં જ એક શિક્ષકે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને પયગંબરનું કાર્ટૂન બતાવતાં કેટલાંક ધર્માંધોએ ગળુ કાપીને શિક્ષકની હત્યા કરી હતી. એ ઘટના પછી ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોંએ ધર્માંધ તત્વો સામે કડક નિવેદન કર્યું હતું. મેક્રોંના નિવેદન પછી દુનિયાભરના મુસ્લિમ રાષ્ટ્રોમાં ફ્રાન્સ સામે કડવાશ ઊભી થઈ છે. ભારતમાં પણ ભોપાલ, હૈદરાબાદ સહિત વિવિધ સ્થળોએ ફ્રાન્સવિરોધી પ્રદર્શનો થયા છે. એ સંજોગોમાં શાયર મુનવ્વર રાણાનું નિવેદન વિવાદને વધુ ભડકાવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here