ચારધામની યાત્રા દરમિયાન ઉત્તરાખંડ ઋષિકેશમાં ગંગા નદીના વહેણમાં ડૂબી ગયેલા ફેનિલ ઠક્કરનો મૃતદેહ રવિવારે મોડી સાંજે સુરત પહોંચતા વાડી ફળિયા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બાર દિવસ પહેલા યાત્રા કરવા માટે નીકળેલા પુત્રનો મૃતદેહ ઘરે પહોંચતા પરિવારના માથે આભ તુટી પડ્યું હતું. બીજી તરફ ઋષિકેશમાં ત્રીજા દિવસે પણ એનડીઆરએફની ટીમે ગંગાના પ્રવાહમાં ગુમ થયેલા કૃણાલ કોસાડી અને જેનિસ પટેલની શોધખોળ હાથ ધરી હતી. જોકે બન્નેનો ત્રીજા દિવસે પણ કોઈ પત્તો લાગ્યો ન હતો.
વાડી ફળિયાના 15 જેટલા યુવકો ગઈ 18 તારીખે ચારધામની યાત્રાએ ગયા હતા. શુક્રવારે આ યુવકો ઋષિકેશ પહોંચ્યા હતા. જ્યાં રિવર રાફ્ટીંગ કર્યા બાદ ફેનિલ ઠક્કર, કૃણાલ કોસાડી અને જેનિસ પટેલ ગંગા નદીના કીનારા પાસે ઉભા હતા. ત્યારે અચાનક ભેખડ ધસી પડતા ત્રણે ગંગાના વહેણમાં તણાઇ ગયા હતા. શોધખોળ દરમિયાન ફેનિલ ઠક્કરનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે કૃણાલ અને જેનિસનો કોઈ પત્તો લાગ્યો ન હતો. રવિવારે મોડી સાંજે ફેનિલ ઠક્કરનો મૃતદેહ સુરત લઈ આવ્યા હતા. ફેનિલનો મૃતદેહ ઘરે પહોંચતા વાડી ફડિયા વિસ્તારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. બીજી તરફ રવિવારે ત્રીજા દિવસે પણ એનડીઆરએફની ટીમ દ્વારા ગંગાના વહેણમાં તણાઇ જતા ગુમ થયેલા કૃણાલ અને જેનિસની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ મોડી સાંજ સુધી બન્નેનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
26 કલાકે ફેનિલનો મૃતદેહ ઘરે આવ્યો : સગા-સંબંધી સાથે શેરીના લોકો પરિવારને સાંત્વના આપવા ઉમટ્યા
સુરતના અંબાજી રોડ અને વાડીફળીયાના ત્રણ યુવાનો ઋષિકેશમાં ગંગા નદીમાં તણાઇ ગયા બાદ 26 કલાકે ફેનિલનો મૃતદેહ તેના ઘરે આવ્યો હતો. ત્યારે સગા-સંબંધી સાથે શેરીના લોકો તેમના પરિવારને સાંત્વના આપવા ઉમટી પડ્યા હતા. જોકે, બાકીના બે મિત્ર કૃણાલ કોસાડી અને જેનિસ પટેલની ભાળ રવિવારે ત્રીજા દિવસે પણ મળી નથી. આ બંનેની શોધખોળ જારી છે.હેતલ શાહ
કૃણાલ-જેનિસની શોધખોળ યથાવત
ગત 18મી જૂને ચારધામ યાત્રાએ ઉત્તરાખંડ ગયેલા સુરતના યુવાનો સાથે પરત ફરતી વેળા નદીમાં ડૂબી જવાની દુર્ઘટના બની હતી. ઉત્તરાખંડમાં ગંગાના પ્રવાહમાં ગુમ થયેલા કૃણાલ અને જેનિસની શોધખોળ હાલ એનડીઆરએફની એક ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે. ઉપરાંત તરવૈયાઓની ટીમને પણ કામે લગાડવામાં આવી છે. જેથી બન્નેના પરિવારના સભ્યો અને મિત્રો દ્વારા કલેક્ટરને રજૂઆત કરી શોધખોળ માટે એનડીઆરએફની વધુ ટીમો કામે લગાડવા અને હેલિકોપ્ટરની મદદથી શોધખોળ કરવા રજૂઆત કરવામાં આવી છે.